Archive for August, 2007

માળીયેથી નીતરેલાં પાણીના સ્નેહપાશે નાહ્યો નીખીલ !

સેવાભાવી ક્ષમા,

તારો પત્ર મળ્યો ત્યારે હું એક નવા જ કાર્યક્ષેત્રે વ્યસ્ત અને ત્રસ્ત હતો ! તને કહીશ તો તુંય એકબાજુ હસવાનું અને બીજી બાજુ મારી દયા ખાવાનું શરુ કરી દઈશ.

બન્યું એવું કે મારા ભાડાના મકાનમાં ગઈકાલના તોફાની વરસાદે તોફાન મચાવી દીધેલું. રાતે ‘કોઈ’ને યાદ કરતો કરતો સુઈ ગયો ને એવી મજાની ઘાટા કસુંબા જેવી ઉંઘ આવી ગઈ કે કંઈ જ ખબર ન રહી અને ટપકતી છતનું પાણી મારા એકના એક -સાત ખોટના-માળીયામાં પ્રવેશેલું. એક જ રુમની સગવડવાળાને માળીયું કેવું કીમતી હોય છે તેની તમને અનેક ઓરડાળા મકાનવાળાંને ખબર નૉ પડે. માળીયાનાં પાણીએ પછી તો દીવાલને જ નીસરણી બનાવીને મારા રુમને પોતાનો નીવાસ બનાવવા ધાર્યું !

મારું ગાદલું (પલંગ તો શું ખાટલોય ખરીદાવાને હજી વાર છે) રુમની વચ્ચોવચ હોય એટલે માળીયેથી પ્રવેશેલાં પાણી પોતાનો સ્નેહપાશ ફેલાવીને મારી પથારીને વળગી રહ્યાં !  અલબત્ત, એની જાણ મને કરવામાં ગાદલાએ જરા વધુપડતી વાર કરી ! તેથી થયું એવું કે (ગાદલાને વરસાદી જલથી લથબથ થવાના ઑરતા જાગ્યા હશેને)તે એણે પ્રથમ સંપુર્ણ સ્નાન વીધી પતાવીને પછી જ પોતાની ખુશી વ્યક્ત કરતી જાણ મને કરી !!! હું આટલી ઘેરી રાતે સ્નાનલાભ લેવા જરાય તૈયાર નહોતો તેથી વરસાદને (વખાણવાને બદલે)વખોડવા બેઠો. મકાન માલીકનેય એકાદ-બે હળવી શબ્દાવલીથી  મનમાં ને મનમાં નવાજ્યો…

માંડ સવાર પડી. ત્યાં સુધીમાં તો મેં મારાં પુસ્તકો વગેરેને ઠેકાણે પાડ્યાં હતાં. ચા બનાવવાના તો સૉં જ નહોતાં. પછી થયું કે લાવ મકાન માલીકને ત્યાં જઈ ફરીયાદ જેવી જાણ તો કરી આવું. ગુસ્સો તો હતો જ. પણ જેવો એના રુમમાં પ્રવેશ્યો કે દૃષ્ય જોઈને મારો બધો જ ગુસ્સો એ ‘વરસાદી’ પાણીમાં ધોવાઈ ગયો ! બચાડો જીવ એક સાંધો ત્યાં તેર તુટે એવી હાલતમાં હતો. ફરીયાદ તો ફરી યાદ જ ન આવી. ઉલટાંનો હું જ એમને મદદ કરવા લાગી ગયો !

વરસાદની આવી પણ લીલા હોય છે એનો અનુભવ કરતાં કરતાં આખો દીવસ પસાર કર્યો. તારે ઘેર તું તો બારીમાં બેસીને આકાશેથી વરસી રહેલી સાક્ષાત્ કવીતાને માણતી હઈશ એવો ઈર્ષાળુ વીચાર પણ વારંવાર ગાયન-વાદનની  માફક ‘સમ’ પર આવતો રહ્યો. 

તમે ગામડે જઈને સેવાકાર્ય કરી આવ્યાં તે જાણીને મધર ટેરેસા યાદ આવી ગયાં. મઝાકમાં નથી કહેતો, પણ આજે કોઈ ગામડામાં રહેવા તો શું એની વાત સાંભળવા તૈયાર નથી ત્યાં તું કામવાળી બાઈના કહેવા માત્રથી એના અંગત પ્રશ્નમાં ભાગ પણ લઈ આવી !!  તને ધન્યવાદ આપીને હું ‘વડીલ’બની જવા માગતો નથી ! (વડીલ થવાથી તો મને કોઈ છોકરી પણ નહીં આપે)પણ મારો અભ્યાસ કહે છે કે આજે શીક્ષણની સદંતર નીષ્ફળતાએ આપણાં યુવાનોને એક એવી ગર્તામાં ધકેલી દીધાં છે કે જો એને સમજવામાં નહીં આવે તો તે જ એક મોટો વીસ્ફોટ સર્જી મુકશે. આ કોઈ રાજકીય દૃષ્ટીકોણથી કહેવાયેલી વાત નથી, સમજી ! ( ચુંટણીઓ -રાજ્યની અને કેન્દ્રની પણ- હવે સંભળાઈ રહી છે. આપના સેવાકાર્યને વટાવવું હોય તો કહેજો, પાછાં !)

તેં મારા વરસાદી શબ્દને ‘વરસાદગી’માં રુપાંતરીત કરીને ‘વીશેષણ’ને સરસ ‘નામ’માં ફેરવી આપ્યું તે ગમ્યું. આમ જ ભાષા નવા નવા શબ્દોને મેળવીને સંઘરતી થાય છે. તને અને તારી ભાષાશક્તીને (ભક્તીને પણ)સલામ.

આજે તો આટલુ જ. તારા પત્રની રાહ તો રહેશે જ. સદ્ભાગીઓને જ પ્રાપ્ત એવી વાંછટ વીનાની બારીએથી લખાયેલા એ પત્રની વાંછા સાથે, સ્નેહથી લથબથ નીખીલ. 


 

શુભમ્ ભવતુ…!!

વહાલા જુગલકીશોરભાઈ,

તમે તો મને સાચે જ અચંબામાં નાખી ભાવવીભોર કરી દીધો..!!

આટલું બધું? મેં તો માત્ર આંગળી ચીંધી હતી.. તેનું આવડું મોટું પુણ્ય મારા ખાતામાં?

ભલે; સંસ્કૃતમાં કહ્યું જ છે તેમ,

 ‘પરગુણ કથનૈઃ સ્વાન્ ગુણાન્ ખ્યાપયન્તઃ’  આવું કંઈક…

ટુંકમાં, તમે અમને આપેલ આ સઘળા યશથી, તમારી જ ખાનદાની, ઉજળા શીલ–સંસ્કાર  પ્રગટ થાય છે.

અમને તમારા જેવા દીલાવર, સુશીક્ષીત–શીષ્ટાચારી મીત્ર મેળવ્યાનું ગૌરવ છે.

આગળ વધતા જ રહો.. સમય આપણી પાસે ઓછો છે ને  હજી લાંબી મંઝીલ કાપવાની છે..

કુદરતની દીલી રહમ આપણને સાંપડો…!  શુભમ્ ભવતુ…!!

–ઉત્તમ અને મધુ.. સુરત.

ઋણાનુબંધને નાતે…

                                    –સુરેશ જાની. 

સ્નેહીજન,

એમ કહે છે કે સંબંધો આકાશમાં નક્કી થયેલા જ હોય છે.

સાબરમતી રેલ્વેસ્ટેશનના પાટાની એક બાજુ તમે અને બીજી બાજુ હું, એમ વર્શો સુધી આપણે રહ્યા. કદાચ તમે અમારા પાવરસ્ટેશનમાં પણ આવ્યા હશો, અને અમારા કામદારો સાથે ગોશ્ઠી પણ કરી હશે. કદાચ તે વખતે  હું પાવરહાઉસના વાયરો ચકાસવામાં કે મારી ઓફીસમાં કાર્યરત હોઈશ !  રુણાનુબંધે આપણે ફરી મળ્યા- નેટ ઉપર.  હજુ રુબરુ મળવાનું તો બાકી છે. ( આ ભાવને વાચા આપતી મારી કવીતા વાંચો.)

તમારી પાસેથી મને બહુ જ પ્રીય તેવા સંસ્કૃત છંદો મળ્યા, જે હું આમ તો ફરીથી શીખ્યો.                શાળાજીવનમાં તો માત્ર તેમની ઓળખ જ મળી હતી.  તમારા માર્ગદર્શનથી થોડાં ઘણાં કવીતડાં ય લખાયાં. 

સાહીત્ય અને ભાશાનો તમારો અભ્યાસ તો ઉત્તમ છે જ, પણ તેથી ય વીશેશ, તમારી સુજનતા, તર્કબધ્ધતા અને કાર્ય પ્રત્યેની પ્રતીબધ્ધતા મને સ્પર્શી ગયાં છે.

તમારા નવા બ્લોગમાં નવી સામગ્રી — વાનગી આપતા રહેજો, અમે સ્વીકારતાં રહીશું.

અંતરથી શુભેચ્છાઓ.  સુરેશ જાની.

નીખીલને ગામડે પરણાવવા પ્રસ્તાવ મુકતી ક્ષમા !!

મારા વરસાદી મીત્ર !

તારી વરસાદગી માણી, મન ભરીને માણી ! હવે આ એનો જવાબ પણ હાજર કરું છું, અલબત્ત ઘણો મોડો. મેં તો પત્ર દ્વારા વરસી પડીશ એવું વચન પણ તને આપ્યું હતું, પણ સંજોગો ક્યાં આપણું ધાર્યું થવા દે છે !

મારા અક્ષરોને અને મારા પત્રના વર્ષાના આગમને થયેલા વધામણાંને તેં જે રીતે વધાવ્યા તે મને ગમ્યું. અમારે મહીલાઓને માથે એક શાપ છે. અમારાં સૌંદર્યનાં, અમારાં મેકઅપ-વેશભુષાનાં, અમારી રસોઈનાં કે અમારાં સંતાનોનાં વખાણ કોઈ કરે એટલે અમે તરત જ વશ થઈ જઈએ છીએ ! અમારું અરધું જોમ એમ જ હણાઈ જતું હોય છે ! હું તો આમાંનું કશું તને બતાવી શકું એમ નથી, ભૌગોલીક દુરત્ત્વને કારણે, એટલે તેં મારા અક્ષરોને વખાણીને એક વધુ નબળાઈ અમને બક્ષી દીધી !! (કોમ્પ્યુટરમાં આ સગવડ નથી, પણ આપણે બંને તો કોચમેન અલી ડોસાના વંશજો છીએ ને ! એટલે જ તો આપણે આ ‘પોસ્ટઓફીસ’નો ઉપયોગ કરી રહ્યાં છીએ.)

તેં લગ્નની વાત સરસ રીતે મુકી તો દીધી પણ એને હું કઈ રીતે જોઉં ? સંલગ્નતા અને અધ્યાત્મની ફીલસુફીની રીતે જ કે અન્યથા ?! તું હવે લગ્નની ઉંમરનો દેખાવા માગે છે કે શું ?! તારી પાસે લગ્નની આ શૈલીએ વાત સાંભળીને મને થાય છે કે હવે તું પરણવા લાયક થઈ ગયો. તને ‘પરણ’-વા તો ઉપડ્યો નથી ને?!

લગ્નને હું કંઈ આટલી હળવાશથી લઉં નહીં; આ તો મઝાક.

તારા પત્ર પછી હું એક ગામડે જઈ આવી. ત્યાં અમારાં કામવાળાં બહેનનું પીયેર છે. તે ઘણી વાર કહેતાં કે, ‘ખમાબુન, કોક દા’ડો તો અમારાં ઘર જોવા આવો.’ ( મને એ ખમાબુન કહે છે ! કેવો સરસ અપભ્રંશ ! બાળકને ઠેસ વાગે કે છીંક આવે તોય મા તો ‘ખમ્મા’ કહીને એની રક્ષા ઈચ્છે. મારા કામવાળાં બેન તો મને સંબોધનમાં જ ખમાવતાં રહે છે ! જૈનોમાં પોતાની ભુલોને ખમાવવાનું બહુ માહાત્મ્ય હોય છે તે ખબર છે ને ?) હું એમના આગ્રહને વશ વર્તીને એમના ગામે ગઈ તો રાજીના રેડ થઈ ગઈ હતી. ગામની સ્વચ્છતા અને વરસાદી વાતાવરણમાં ગામ તો શું રુપાળું દેખાય ! પણ જેવો ઘરમાંનો માહોલ જોયો કે રડવાનું જ બાકી રહ્યું ! અત્યંત ગરીબીમાં જીવતાં એ લોકોની પરીસ્થીતી જોઈને હું તો ઘડીભર મુંઝાઈ જ ગઈ.  કઈ રીતે મદદ કરી શકું એના વીચારે કશું જ સુઝે નહીં. ને ન સુઝવાથી કંઈ નહીં કરી શકું એ ભયે વેદના ઑર વધી જાય.

સાવ નાનાં બાળકો તો એકાદ બે જ હતાં. પણ યુવાનોની સમસ્યા સહન ન થાય એવી હતી. બેકારી કહે મારું કામ. ગામડાંના ઉદ્યોગો તો મૃત:પ્રાય જ છે. એમાં હવે શહેરમાં મોટા મોટા સ્ટોર થઈ જતાં નાના વેપારીઓનાય ધંધા પડી ભાંગ્યા છે. ચીનનો છેતરામણો માલ જેમ પાણીના મુલે વેચાય તેમ અહીંની ચીજવસ્તુઓ હવે પડી રહેવા સર્જાઈ હોય એવી સ્થીતી ઉભી થઈ ગઈ છે. ભણેલા યુવાનોને કામ મળતું નથી. ખેતી પડી ભાંગી છે. યુવાનો પાનાં ટીચવાનુંય ભુલી ગયા છે. સમય જતો નથી ને પેટ તો ખાવા માગે જ.

મેં તો ઘરના એક યુવાનને મારી સાથે જ લઈ લીધો. એને શહેરમાં શું કામ આપી શકીશ એનીય ખબર નથી. પણ બાપુજીને કહીને ક્યાંક વળગાડી શકીશ તો આ ભવનું તો મોટું ભાથું બંધાશે જ. આવી સ્થીતી છે, ગામોની. હું તો મારો અભ્યાસ અને મારા વીચારોની જ દયા ખાવા લાગી ! શું છે આ ભણતરનો અને આપણા ઉંચા વીચારોનો અર્થ, જો એકાદ બેકાર યુવાનનેય ઉપયોગી ન થઈ શકીએ તો ?! હું તો ગાંઠ વાળીને જ પાછી આવી છું કે હવે આ યુવાધનનું જ કોઈ કામ હાથ પર લઈને અભ્યાસ સાર્થક કરવો.

તારા કામમાં હું દખલ તો નહીં દઉં પણ મને આમાં કાંઈક રસ્તો તો જરુર બતાવજે. તારી સ્નેહવર્ષા આ સૌ યુવાનો પર ઉતરે એ આશા વધુપડતી નથી જ હો,મારા વરસાદી મીત્ર !! [આમાંની જ કોઈ ગામડાની છોડી તારા માટે ગોતી રાખું ?!! યુવાનોની સમસ્યાઓને તું સમજી શકે એટલા વાસ્તે તારું સાસરું કોઈ આવા ગામમાં હશે તો કામમાં આવશે !  સું કો’છો અમારા ભાવી ‘ગ્રામસેવક ભાઈ’ !!]

તમને હરઘડી યાદ કરનાર,
ને લગરીક વખાણે રીજી જતી એક નાર,
નામે  ખમાના જેશીક્રશ્ન વાંચજો.

વન-વેલીના સંબંધે લગ્ન (!) ની વાત છેડતો નીખીલ !

–જુગલકીશોર.

વૃક્ષઘેલી ક્ષમા !

તારો વૃક્ષપ્રેમ મને સાવ જુદા જ સંદર્ભ સાથે વળગી ગયો. તારો પત્ર મને જે રીતે મળ્યો એમાં તારો વૃક્ષપ્રેમ અને તારી વર્ષાપ્રીતી પણ પ્રગટતી હતી. તું જાણીશ ત્યારે તને પણ નવાઈ અને મઝા મઝા થઈ પડશે….!

બન્યું એવું કે હું કોઈના નહીં ને તારી વનસ્પતીપ્રીતીના વીચારોમાં મગ્ન હતો. મનમાં સતત એક બાજુ બળી ગયેલા સામેના ઝાડની દાઝેલી સ્મૃતી હતી અને બીજી બાજુ તારા વનસ્પતીપ્રેમની રટણા હતી. બંનેમાં કોમન ફેક્ટર વરસાદ હતો. ‘જે પોષતું તે મારતું’ એ કલાપીની પંક્તીય મનમાં એક આંટો મારી ગયેલી…આ એ જ વરસાદ છે જે વનસ્પતીને જીવન આપે છે ને ક્યારેક આખા ઝાડને ભસ્મ કરી દે છે….

પણ આજે એ જ વરસાદ તારા પત્રને લઈને આવ્યો ! ( કે પછી તારો પત્ર વરસાદને લઈને આવ્યો ?! તું જ નક્કી કરજે.) હજી તો બારણું ખોલવાના વીચારને અમલમાં મુકું ન મુકું ત્યાં તો અધખુલું રહેલું બારણું પોતે જ આપોઆપ હવાના એક ઝોંકે ખુલી ગયું. ભીની માટીની ગંધ લઈને આવેલી પવનની એ ઝાપટને પંપાળું ન પંપાળું ત્યાં તો એ જ ઝરમરમાં ભીંજાવાથી દુ:ખી દુ:ખી થઈ ગયેલો પોસ્ટમેન આવતો નજરે ચડ્યો. એને ટપાલો પલળવાની ચીંતા હશે પણ મને તો એના હાથમાં રહેલા પરબીડીયામાં કંઈ કેટલુંય દેખાઈને ઉકલી પણ ગયું !! તારા સીવાય કોઈ પત્ર હવે આવતો નથી એટલે સાક્ષાત્ તારો પ્રવેશ આમ નાટકીય ઢબે ને કાવ્યમય રીતે થયો જાણીને મેં સામે ચાલીને પોસ્ટમેનને અંદર બોલાવી લીધો. ચા નો સમય થયો નહોતો પણ આવા ઝરમરીયા વરસાદી વાતાવરણમાં મસાલાવાળી ચા અને તેય પાછી આવા શુકનીયાળ ટપાલીની સાથે પીવાની મઝા જતી કરું એમાનો હું નહીં ! પરાણે એમને રોકીને ચા બનાવી અને સબડકા બોલાવતાં બોલાવતાં ટૅસથી પીધી ! ટૅસડો પડી ગયો, પત્ર વાંચ્યા વગર !!

આજે વાતાવરણ જ જુદું જણાતું હતું. આકાશની અઢાર અક્ષૌહીણી સેના લઈને તુટી પડેલી ગરમીએ જીવનને જાણે અસ્તવ્યસ્ત કરી મુક્યું હતું. ત્યાર બાદ વરસાદ આવવાનો થયો ત્યારેય પોતે પડવાને બદલે વીજળીરુપે પડ્યો, ને મારા અસ્તીત્વના મુંગા સાક્ષી એવા વૃક્ષને જ ઉખાડી ગયો હતો. આ વર્ષે મને એમ કે વરસાદ નહીં સદે કે શું ?….

પણ આજના નવી જ ભાતના વાતાવરણે મને સવારથી જ ખુશખુશાલ રાખ્યો હતો. તારા પત્રની આટલી જડપી પધરામણી થવાની કોઈ આશા પણ નહોતી. છતાં કશુંક સારું સારું, ગમતું ગમતું થવાથવાની આશા-ઝંખના જાગીજાગી ગઈ હતી. ને એમ જ બસ, વરસાદી ઝોંકાની સાથે, જાતે જ બારણું ઉઘાડીને તારો પત્ર આવ્યો….

નર-નારી, પુરુષ-સ્ત્રી, વૃક્ષ-વેલી વગેરે જેવાં દ્વંદ્વોવાળી તારી વાતો વાંચી. આપણે વૃક્ષો હોઈએ તો કેવું ? એવીય વૃત્તી થઈ આવી ! હું વૃક્ષ અને તું વેલી એવી કલ્પનાય આવી ગઈ. આપણે જીવનભર એકબીજાંને સહારે વળગેલાં રહીને જીવન વીતાવતાં હોઈએ એવાં દૃષ્યોય દેખાઈ ગયાં !

પણ આ નવા વરસાદી વાતાવરણે મને એવી કોઈ દુન્યવી ને ક્ષુલ્લક વાતોમાં રોકાવા ન દીધો.

મને તો થયું કે આ નર-નારીના ભેદો ફક્ત સ્થુળતા તરફ જ લઈ જનારા છે.માણસ એનું પરમ સુખ પૈસામાં,પરણવામાં ને પરીવાર બનાવીને પરવારી જવામાં જ ગણે છે. આ નરનારીના ભેદો એ ‘દ્વૈત’ની એક અત્યંત સ્થુળ કક્ષા છે. એની પેલે પાર જ્યાં આવા ભેદો નથી ત્યાં વૃક્ષ અને વેલી નહીં હોય. વૃક્ષોમાં જે વહે છે તે જીવનતત્ત્વ આ ભેદની પરે છે.સુર્યપ્રકાશ અને ઓક્સીજનના સંયોજનથી થતી આ જીવનલીલાને સમજવાનો આપણી પાસે સમય જ ક્યાં છે !..

…નહીં તો જમીનમાંથી કેશાકર્ષણ દ્વારા તોતીંગ વૃક્ષની ટગલી ટોચે પહોંચી જતાં ખાતરપાણી; ‘વી ફોર વીક્ટરી’ની નીશાની કરતાં હોય એવાં જમીનને ફોડીને બહાર નીકળતા અંકુરો; તાજાં પાંદડાં અને સુર્યકીરણોની આંખમીચોલી; ખેડુતના પરસેવા અને મહોરેલી મંજરીઓની સુવાસનાં મધુરાં સંમીશ્રણો; વનસ્પતીમાં થતાં ફલીનીકરણો; લગભગ બધી જ વનસ્પતીઓના માથા ઉપર છુટક કે વેણીની માફક ઝળુંબી રહેતાં ફુલો……

આ બધું શું ‘નરનારી’ના કે વૃક્ષ-વેલીના દ્વૈતની સાથે સરખામણી કરવા લાયક લાગે છે ?!  આપણે આ ભેદથી ઉપર ઉઠી શકીએ ખરાં ? જ્યાં જુઓ ત્યાં  સ્થુળ ને સુક્ષ્મની આ લીલા આપણને મુળ તત્ત્વથી અળગાં જ કરી મુકે છે. અલબત્ત, મારું કહેવાનું એવું તો નથી જ કે આ ભેદ મીટાવી દેવા ! દ્વૈત પણ એક નવા જન્મનું કારણ બની શકે છે સંલગ્ન થઈને.

લગ્ન. કેવો અર્થસભર શબ્દ છે ! બેનું જોડાવું એટલે સંલગ્નતા. આપણે એક સ્ત્રી અને એક પુરુષને નવા જીવનના સર્જન માટે જોડવાની ક્રીયા-પ્રક્રીયાને જ નામ આપી દીધું લગ્ન !! આ જોડાણને જ “અદ્વૈત” શબ્દનું પવીત્ર માન આપી દઈએ તો ?!! લગ્નજીવન કેવું મઝાનું બનીને મહોરી ઉઠે !…..

વૃક્ષને વેલીની તારી વાત, જો, મને ક્યાંથી ક્યાં લગણ (સુધી)ખેંચી લાવી !! પણ આજે આટલું બસ. તારી વૃક્ષપ્રીતીને સલામ અને તારા તરફથી મળેલી બળેલા ઝાડ માટેની સંવેદના બદલ આભાર.

તારા સુંદર અક્ષરોથી મંડીત પત્ર વડે કૉળી ઉઠેલાં મારાં ભાવપત્રો-પર્ણોની મર્મર સાથે,
તારો વરસાદી નીખીલ.

વર્ષા અને વનસ્પતીપ્રેમે ક્ષમા બની રહી ‘ક્ષમાવેલી’ !

                               –જુગલકીશોર.  

નીખીલ !

તારો પત્ર વીજળીની ઝડપે મળ્યો.

ઝાડ ઉપર પડતી વીજળી તેં જોઈ તે જાણીને મને થયું, ઝાડ જેવા વર્ષોના સાથીને આમ અચાનક ભસ્મ થઈ જતું જોવું એ મનુષ્યના અકાળ અવસાનથી ઓછું કરુણ નહી જ હોય. તું એ જોઈ શક્યો એટલે તને કેટલી ને કેવી અનુભુતી થઈ હશે તે સમજી શકું છું. તારો સાથી ગયો એના દુ:ખ કરતાંય નજર સમક્ષ એક આખા સંબંધને સળગી જતાં જોયાની અને તને સાવ અલાયદો બની ગયાની વેદના મેં અનુભવી.

વૃક્ષોને સંબંધીઓ હોય અને આપણે એમને ઓળખતાં હોઈએ તો કેવું સારું ?!  કમસે કમ એમની કને જઈને, એના પ્રકાંડ પર કે એનાં શોકમગ્ન પર્ણો પર આપણી આંગળીઓને સ્પર્શે કશીક સંવેદના તો જરુર પહોંચાડી શકીએ ! અત્યારે તો એના કદાચ એકમાત્ર સંબંધી તરીકે તારી પાસે જ મારો શોક પ્રસ્તાવ મુકીને હું કંઈક અંશે તારી વેદનાને પંપાળી શકું….

નીખીલ, વૃક્ષો બહુ સંવેદનશીલ હોય છે હો ! એમની સાથેના સહવાસે મને અનેક વાર એવો ભાવ જાગે છે જાણે કોઈ જનમમાં ક્યાંક પણ હું એની સગી હઈશ ! (ખબર છે તને, આપણા એક બહુ જ સંવેદનશીલ કવી રાવજી પટેલને એની માતાએ કહ્યું હતું કે ગયા જન્મમાં તું ઝાડ હઈશ !!) વૃક્ષોની સંવેદનશીલતા અને એમની સાથેનું સ્નેહનું આદાન-પ્રદાન જ બતાવી આપે છે કે આજનો આ સંબંધ કાંઈ આજકાલનો ગણાવાય એવો તો ન જ હોઈ શકે; એનાં મુળીયાં કોને ખબર ક્યાંનાં ક્યાંય નીકળતાં હશે !! ( પુનર્  કે પુર્વ  જન્મમાં ન માનનારાંને માટે મારી આ વાત કદાચ હસવાની બાબત જ બની રહે, પણ મારે મન વૃક્ષો સાથેનું આ સગપણ આંકી ન શકાય એવડી ને એટલી કીમત ધરાવે છે.)

ગયે અઠવાડીએ મેં એક મઝાનું પુસ્તક વાંચ્યું. ‘ઔષધીગાન’. એના બે ભાગ પ્રકાશીત થયા છે. તને જાણીને નવાઈ લાગશે પણ આ પુસ્તકમાં વનસ્પતી પરનાં 150 જેટલાં કાવ્યો છે ! વળી આ કાવ્યોના સર્જક-સ્વ.નરહરી ભટ્ટ- એક ટેક્ષ્ટાઈલ મીલના કામદાર હતા !! એમણે પોતાની 90 વર્ષની ઉંમરે આ કાવ્યો લખવાં શરુ કર્યાં !! એ બંને ભાગોની પ્રસ્તાવના તો વળી એકદમ અદ્ભુત અને મનભાવન છે ! વૃક્ષો,વેલીઓ અને રોજીંદા જીવનમાં આપણી આસપાસ જ વસતી અનેક વનસ્પતીની અનેકાનેક બાબતો એમણે આ સંગ્રહોમાં મુકી છે. પ્રસ્તાવનાકારે તો આ બધાંને એવી ખુબીથી મુકી આપ્યું છે કે આપણે નવેસરથી વનસ્પતીના પ્રેમમાં પડી જઈએ ! સૌથી વધુ મહત્વની બાબત જે એમાં જોવા મળી તે તો વનસ્પતીના ઔષધીય ગુણોનાં વર્ણનો !! આપણી આસપાસમાં જ ઉગી નીકળતી આ ઔષધીઓ આટલી બધી જીવનીય હશે એવી તો મારી કલ્પનાય ન હતી.

આજે આ વર્ષાજલે ભીંજાઈને હું સાવ વનસ્પતીમય બનીને તને લખી રહી છું. વૃક્ષોનો મહીમા ગાવાના આ અલભ્ય અવસરે તને આ પુસ્તકોની અછડતી વાત કરીને હું કંઈક અંશે હળવી થઈ શકી; તારી નજર સમક્ષ સળગી ગયેલા એક ઝાડની દુ:ખદ સ્મૃતીનું અનુસંધાન કરીને  જાણે હું એને અંજલી આપી શકી હોઉં એવો ભાવ પણ જાગે છે.

આવી ચુકેલી વર્ષારાણી આપણને વનસ્પતીની સાથે સંબંધ જોડી આપે અને એના જેવી અને જેટલી સંવેદનક્ષમતા પણ લાવી આપે એવી કામના કરવાનું સહજ મન થાય છે. “નર અને નાર” એવા શબ્દોનો સહારો લીધા વગર “વૃક્ષ અને વેલી” એવા બે અત્યંત ભારજલા શબ્દોના સહારે હું આપણા બંનેના સંબંધને પણ આ વર્ષારુતુના આરંભે ઓળખાવું તો તું વાંધો લઈશ ? આપણે બંને વૃક્ષ અને વેલી હોઈએ તો કેવું ?!

તેં ગયા પત્રમાં મને ક્ષમલી કહી હતી ને ? હું એમાં થોડા ફેરફાર પછી મારી સહી આમ કરીશ :
સસ્નેહ, એક ક્ષમાવેલી !

સગ્ગા ઝાડ ઉપર વીજળી પડી :નીખીલનો પત્ર.

Published June 27th, 2007 Comments Edit

ક્ષમા !

તને આજે સંસ્કૃત શબ્દકોશમાં શોધીને ઓળખવા મથ્યો ! તું ક્ષમા રુપે ‘નામ’  છે, જેના અર્થો થાય છે માફી અને પૃથ્વી. પણ ‘ક્ષમ’ રુપે તું વીશેષણ છે !! તને લગતાં વીશેષણોમાં ક્ષમાશીલ, સહનશીલ, સમર્થ, શક્તીમાન,અનુકુળ, યોગ્ય, લાયક વગેરે જોતાં તારા ગુણોનો પાર નથી. તું ગુણોનો ભંડાર છે બાપ ! તારી વાત થાય નહીં.

તને થશે, આજે કેમ આમ આવડો આ વાંહે પડ્યો છે ? પણ તેં તારા છેલ્લા પત્રમાં મને મારા નામના અર્થો બતાવીને પછી જે બ્રહ્માંડની સફર કરાવી તે હજીય મુસાફરીનો થાક ઉતર્યો નથી ! આખું બ્રહ્માંડ બતાવીને પછી તેં ગ્રીષ્મ ઋતુને મેં દીધેલી ગાળો બદલ મારો ઉધડો લીધો એનીય અસર આ મુસાફરી ભેગી ગણી લેવી. ટુંકમાં હું તો તારા પત્રને જવાબવા માટે ય ટેં થઈને બેસી ગયેલો….

પણ છેલ્લે તેં લખેલી પંક્તી કોઈ ભવીષ્યવેત્તાની સફળ આગાહી જેવી બની રહી એટલે સ્ફુર્તીનો પાર ન રહ્યો, ઘડીકમાં જ !! અને તેથી જ આ પત્ર લખવા ઉત્સાહભર્યો બની શક્યો/ગયો.

તારા પત્રમાંના બ્રહ્માંડની મુસાફરીએ હું હતો ત્યાં જાણે ઈન્દ્રના કોઈ વજ્રશો કડાકો થયો ! હું હજી વજ્રની કલ્પનમાંથી અને એણે લગાડેલી બીકમાંથી ફાજલ થાઉં થાઉં ત્યાં તો બીજો કડાકો એનેય આંટે એવો થયો. આ વખતે ઈન્દ્ર  હાંભર્યા નહીં કારણ કે બીજા કડાકા વખતે હું ઈન્દ્રલોકની સીમમાં નો’તો પણ નક્કર ધરતી પરના મારા પોતાના દસ્તાવેજી પુરાવાવાળા મકાનમાં બેઠો હતો.  બીજો કડાકો મારા કાન પાસેથી બુલેટની કરતાં ક્યાંય વધુ વેગે નીકળીને, હું હજી કાન તપાસવા હાથ ત્યાં લઈ જઉં એ પહેલાં તો સામેના ઝાડ ઉપર એની અઢાર અક્ષૌહીણી તાકાતથી તુટી પડ્યો !! હું કશું જ સમજી શક્યો નહીં. એક બાજુ મારા કાન પાસે મારો હાથ હજી પહોંચે પહોંચે ત્યાં બીજી બાજુ સામેનું ઝાડ કઈ રીતે, ક્યારે ને કેમ ભડકે બળી ગયું સમજાયું નહીં ! એક ઝાડ જેવું ઝાડ, દાયકાઓથી એક પગે જમીન પર તપસ્યા કરીને  પોતાનું અસ્તીત્વ દુનીયામાં સ્થાપીત કરી ચુક્યું હતું તેને મારી આંખ સામે (ને કાનની સાક્ષીએ ! )પળવારમાં નષ્ટ-નામશેષ બની જતાં જોઈ જ રહ્યો !

મારી મુસાફરી દરમીયાન બ્રહ્માંડના કોઈ ચાર રસ્તે કે ગલીમાં કે કોઈ દેવોના પ્લોટમાં કે ક્યાંય કે’તાં ક્યાંય આવું જોણું થયું નો’તું. આ તો નરી ધરતીનું જ (ન)જોવાલાયક દૃષ્ય હતું. હજીય એ કડાકા અને એ ઝાડ અને બ્રહ્માંડની મુસાફરી અને તારો પત્ર અને મારો કાન અને અને અને હંધુંય એવું ને એવું તરોતાજા ને જડબેસલાક ફીટ થઈ ગયું છે, આ નીખીલભૈના મન-મગજમાં.

તેં છેલ્લી લીટીમાં લખ્યું હતું કે વરસાદ હવે આવું આવું જ થઈ રહ્યો છે. ને પાછી એક ટાંકેય મારી હતી કે મારો આ પત્ર તો આવી જ ગયો ને ?!

અરે ડાહીમા, (તેં મને ગાંડાલાલ કહ્યો હતો ને !) તારો પત્ર તો મળ્યો, મળ્યો ને મળ્યો ( આ ઈની પોંચ હમજી લેવાની ) પણ ઈ ટપાલે જ તો રામાયણ કરીને…..! કડાકા ટાણે હું ઈનું જ રીડણ/વાચીંગ કરતો’તો ને મારા કાનમાં કહેતો’કને કડાકો હામેના ઝાડે ગયેલો. પછી તો ટપાલ એક બાજુ ને કાન ને ઝાડવું બીજી બાજુ. ઝાડ તો બળીને ખાખ થઈ ગયું પણ…

પણ જવા દે એ વાત. મારું તો સાત ખોટનું ઝાડવું ગયું. એ મારા સૌથી નજીકના સગા કરતાંય વધુ સગું હતું. આજે એ નથી, ને જાણે મારા બધા જ દોસ્તો નથી.

તારો અપવાદ, હો ભઈ. તને દોસ્તોમાં નથી ગણતો ને એટલે.

 

દોસ્તોમાં તારી ગણના નથી કરતો તો પછી તને કયા ડીવીઝનમાં મુકી છે એ પાછી પુછતી નહીં, હા. (મને એનો જવાબ-કદાચ-નહીં આવડે !!)

 

વર્ષા અને ગ્રીષ્મની પાછળ ડી લગાડીને નામો બગાડવા બદલ તારો ઠપકો વાંચ્યો…હું ય પણ તને ક્ષમાડી કહી શકું. જો કે એ કાંય બહુ ભળતું નથી. ક્ષમ્ અલી, ક્ષમલી કહી શકું ?!

 

જો, આ તને પત્ર લખ્યો કે નૈ ? એમાં મારો હંધોય થાક ઉતરી ગયો. હમણાં જ  મેં  થોડા કાઠીયાવાડી ગાંઠીયા ખાધેલા એટલે સૌરાષ્ટ્ર હાંભરી આવ્યું ને તને લખતાં ઈ વતનની બોલીય આંયકણે આ ટપાલે ઉતરી આવી. તને નૉ ગમે તો પાશી મેકલી દેજે.

‘ડાહી’નો ઘોડો ખડ ખાતો, પાણી પીતો, છુટીયો…..!

લી. નીખીલભાઈના દંડવત પરણામ, ડાહીમા !

‘ગ્રીષ્માડી’ વતી ક્ષમાનો સણસણતો જવાબ !!

Published June 15th, 2007 Comments Edit

ક્ષમાનો પત્ર                            -જુગલકીશોર.  

સ્નેહી નીખીલ,

પંચમહાભુતોમાં સર્વ પ્રથમ ગણના અવકાશ-આકાશની થાય છે. સમગ્ર બ્રહ્માંડ એમાં સમાઈ જાય છે. એ દૃષ્ટીએ આકાશ એ સમગ્ર સૃષ્ટીનું ગર્ભાશય છે.

આ અવકાશ જ આપણા ‘શબ્દ’નું પણ જન્મસ્થાન ગણાયું છે. ઘણાં કહે છે કે શબ્દ હૃદયનાં ઉંડાણોમાંથી આવે છે. આ હૃદય જેટલું વીશાળ એટલો શબ્દ અર્થસભર. નરસીંહ મહેતાની કવીતાઓમાં આ અવકાશની વાત અદ્ભુત ગહનતા અને અર્થસભરતા લઈને આવે છે અને આપણને ક્યાંના ક્યાંય ખેંચી લઈ જાય છે. ઉમાશંકર જ્યારે કહે છે કે ‘ત્યાં દુરથી મંગલ શબ્દ આવતો !’ ત્યારે એ ‘ત્યાં’ એટલે શું ? દુરથી તો ખરો પણ ત્યાંથી એટલે ક્યાંથી ?! કવીઓની રજુઆતોમાં આવતાં ઉંડાણો અને વીસ્તૃતતાને પહોંચવાની ત્રેવડ કોની ?!

આપણે જે ઉંચે જોઈએ છીએ તે તો એ આકાશનો એક ટુકડો માત્ર !! શહેરમાં જોવા મળતું આકાશ તો આકાશની મશ્કરી સમાન છે. અવકાશ એટલે અનંતતા. બધાંને સમાવી લેતી અમાપ વીસ્તૃતતા.

અખીલ વીશ્વને જન્મ આપનારી આકાશીતા એક માતા પણ છે. બ્રહ્માંડને પોતાના મોઢાની બખોલમાં બતાવનારો કૃષ્ણ પણ એની યશોદા કે દેવકી પાસે બાળક જ છે. તો માતાને કેવડી મોટી ગણીશું ?!

આપણે આ અવકાશનાં જ તો સંતાનો છીએ; ભૌતીકશાસ્ત્રની દૃષ્ટીએ ગણો તો તેમ, નહીંતર અધ્યાત્મની દૃષ્ટીએ જુઓ તો પણ તેમ જ ! પંચમહાભુતોમાંનાં ચારેય તો પછી આવનારાં !

નીખીલ !તારા નામમાં પણ આ અખીલાઈનો જ સંકેત છે !અખીલ અને નીખીલ એટલે બધું; આખું; સમગ્ર; સમસ્ત.

અને એ જ નીખીલ બે મહીના આકાશમાંથી થોડી વધુ ગરમી પડે એટલે પોતાની બધી જ તટસ્થતા ભુલીને ગ્રીષ્મને ગાળો ભાંડવા લાગે ?! ગ્રીષ્મને તેં ગ્રીષ્મા કહીને બહુ સરસ પ્રયોગ કર્યો. ઋતુઓને નર જાતીમાં મુકીને ઋતુરાજ વસંત કે પછી હેમંત વગેરેને ઓળખવામાં આવે છે.પણ વર્ષાની માફક એને નારીજાતીમાં મુકીને એને ગ્રીષ્મા કહી તે બહુ ગમ્યું. વહાલથી એને ગ્રીષ્માડી કહેવું ય વહાલું લાગે ! પણ તેં તો એને ‘તાપીણી’ પણ કહી દીધી ને શું ! પાપીણી શબ્દની અસર બતાવતો એ શબ્દ વાપરીને તેં,નીખીલ, તારું શબ્દભંડોળ વેડફી નાખ્યું !!

જો, તને (ખ્યાલ તો હોય જ)યાદ ન હોય તો અપાવું કે આ એ જ ગ્રીષ્મ ઋતુ છે જે આવનારી વર્ષાનું ‘કારણ’ બનવાની છે ! આપણા કવી રાજેન્દ્ર શાહ કહે છે તે સાંભળ, દોસ્ત !

ભાઈ રે આપણાં દુ:ખનું કેટલું જોર ?
નાની એવી  જાતકવાતનો  મચવીએ   નહીં  શોર !

આપણે ના કંઈ રંક,ભર્યો ભર્યો માંહ્યલો કોશ અપાર,
આવવા દો જેને આવવું, આપણ મુલવશું નીરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફુલ ઝરે ગુલમહોર !!

સમજ્યો, કાંઈ આમાંથી ?! તારા રુદનની કોઈ અસર ગ્રીષ્મ પર થવાની નથી. એ ક્ષણીક તાપ કે પરીતાપ જ તારી વર્ષાનો જન્મદાતા બનવાનો છે, ગાંડાલાલ !

તારા પત્રે મને તો આજે આવડી મોટી ફીલસુફી ડહોળવાની તક આપી દીધી. તું પત્રો દ્વાર ય જો ટાઢક અનુભવી શકતો હો તો મારા આ ‘ગરમાગરમ’ પત્રથી દાઝ્યા વીના આનેય વર્ષાની પહેલાંના ગડગડાટ તરીકે માણજે ! વર્ષા હવે ‘આવું આવું’ જ છે.

મારો આ પત્ર તો ‘આવી જ ગયો’ ને, બસ ?!

તારી નીખીલાઈને ઝંખતી, ક્ષમા.

ગ્રીષ્માડી અને વર્ષાડી વચ્ચે ફરફોલાતો નીખીલ !!

સ્નેહલ ક્ષમા,

આકાશથી થઈ રહેલી અગ્નીવર્ષા મારી બધી જ સંવેદનાઓને (તારી સાથેના પત્રવ્યવહાર સીવાયની)ઓગાળી રહી છે.

વસંત હતી ત્યારે આવી રહેલી ગ્રીષ્મને યાદ કરીને ગરમાળો અને ગુલમહોર અને કોયલ અને સુગંધ-સ્વાદના સાયુજ્યશી કેસરીયા રંગની વૈભવી જુનાગઢી કેરી વગેરેને યાદ કરી કરીને મારું અંતર ગ્રીષ્મને આવકારવા થનગની રહ્યું હતું, પરંતુ આ વખતની એની આ અગ્નીવર્ષાએ મારી સ્નેહતરસને અપમાનીત કરી દીધી !!

આટલી બધી ગરમી વરસાવીને એ ગ્રીષ્માડી શું સાબીત કરવા માંગે છે ? તને કંઈ સમજણ પાડી એણે ? હું તો આ વર્ષના અનુભવે કદાચ એ તાપીણીને દેશનીકાલ આપી દઉં મારા હૈયેથી, તો નવાઈ નહીં !

તને તો તારા વૈભવી ભવનમાંનું ઍરકંડીશનીંગ મારી વાતનો વીરોધ કરવાનું બહાનું જ આપી દેશે. તને કદાચ ખબર પણ નહીં હોય કે બહાર શું ચાલી / વરસી રહ્યું છે !! મારા ‘એકદંડીયા’ઓરડીની અંદર એણે આવીને મને ને મારી સ્પર્શેન્દ્રીયને કરફોલાવી દીધી છે. મારાં હાથે ને છાતીએ એણે એના નામના સીક્કા મારી દીધા છે ! એ ફરફોલાયલો  હાથ લખી લખીને તને લખે ય શું ?!

હવે તો વર્ષા એક જ ઉપાય છે. અને બીજો ઉપાય છે આ પત્રો. એના વડે હું જાણે આ કાળઝાળ ગરમીમાંથી  થોડો સમય અદૃશ્ય બની જાંઉં છું. તારા આ કાલ્પનીક સાંનીધ્યે હું વર્ષાનો આંશીક અનુભવ કરતો રહું છું.

તને લખતાં ય જો આટલી શાતા મળતી હોય તો તારા પત્રની વર્ષા તો મને કેવો ભીંજવી દેશે ?! ( યાદ છે ને ‘મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે !”)

આજે આટલું જ ! કાં તો વરસાદ, કાં તો તારો સાદ,તારા પત્રોને આસ્વાદ…બસ.

આટલું ય કાંઈ ઓછું છે, અગ્નીતાંડવ વચ્ચે !
તારી સ્નેહવર્ષાનો તલબી, નીખીલ.

માતાની ગોદ જેવું ગામડું દુનિયામાં ક્યાંય થાવું છે !

                                                                                                                                                                                                                               

પ્રિય નિખિલ,

તારો પત્ર મઝાનો હતો. પણ આરંભવામાં તેં હોમવર્કવાળી વાત કરીને મઝા કિરકિરા કર દિયા . ગાંડાલાલ, રૂબરૂ મળવામાં કોઈ બોધરેશન નહીં અને પત્રોમાં જવાબ આપવાનું હોમવર્ક કરવું પડે એવી તારી વાત કૂતરું ખડ ખાતું હોય એવી લાગી મને તો ! ( ગધેડાને તાવ આવે એવી પણ કહેવાય પણ આપણા આ પત્રવ્યવહારનીશરુઆતમાં જ એ નિર્દોષ પ્રાણીની મઝાક ક્યાં કરવી ?!)

 પત્રો તો મનમાં ઝાંકવાના માધ્યમો છે એ વાત તારી અસલની હતી. એમાં તું પ્રગટ્યો ખરો. ( ‘અસલની હતી’ શબ્દપ્રયોગ જુનાગઢ વિસ્તારમાં ખાસ સંભળાતો હોય છે. બહુ મઝાનો લહેકો હોય છે, જુનાગઢી લોકોનો.) મને તો તારા પત્રના જવાબ આપતાં પહેલાંથી અંદર ઝાંકવાનું ચાલુ થઈ જાય છે. તારા પત્રનું વાચન જ મને કોઈ ઉંડાણમાં ખેંચી જતું લાગ્યું. વાંચતાં વાંચતાં ક્યાંક ખોવાઈ જવાનો અનુભવ થાય. પત્રો એક એવો અરિસો છે જેમાં વાંચનારને લખનારનો ચહેરો દેખાતો હોય છે ! પણ આપણા પત્રો કદાચ અરિસા કરતાં ય  કોઈ જુદો જ અનુભવ કરાવે તો નવાઈ નહીં. અજાણ્યા ધરામાં  નહાતા હોઈએ ને  કોઈ હળવેથી આપણને પાણીના ઉંડાણમાં લઈ જતું હોય એવો અનુભવ મને થયો. આપણે બે જ ત્યાં એકાંતે એ જલરાશિનો આકંઠ અનુભવ કરતાં હોઈએ એમ થાય. જોકે આવો અનુભવ ઝાઝો સમય ન રહે કારણ કે વાચન ચાલુ હોય ને બીજા સમાચારો ને વિગતો આવતી જાય તેમ વિચલિતતાય એનું કામ કરતી જાય ! ઉંડાણમાં ખોડાઈ રહેવું અને ખોવાઈ જવું એ તો હજી દૂરની વાત છે; આશા રાખું તારા પત્રો મને એ અનુભવે લઈ જાય, સમજ્યો નિખિલ?! પત્રોની વિગતોને યાદ રાખીને જવાબવાનું અઘરું નથી; આપણી એ ટેવ નથી બાકી મારા એક ગુરુજી તો આપણા પત્રની એક નાનકડી વાતને ય જવાબવામાં ભૂલ ન કરે !  

દરિયાની ને ગામડાંની તારી વાતો સાંભળીને મને ગામડું બહુ જ યાદ આવી ગયું. માતાની ગોદ જેવું ને જેવડું ગામડું તો દુનિયામાં ક્યાંય થાવું છે !! ગામડું યાદ આવે ને હું મને ઘાઘરી-પોલકું પહેરેલી કલ્પીને ગામને પાદર પાંચીકે રમતી કે પછી છાણ વીણતી કલ્પી લઉં ! મેં ગામડામાં છાણ વીણવાનો અલભ્ય લહાવો લીધો છે. એની વાત ક્યારેક કરીશ ત્યારે તું હસવું બંધ નહીં કરી શકે !!

 સાગરની વાતું નૉ કરવાની હોય ભાય્ ! એ તો માણવાનો વિસય સૅ હો ! ઑ હૉ હૉ, સું ઉસળે, સું ઉસળે ! ઈનાં મોઝાં ઝાણ્યે મારા હૈયાના ઝ ઉસાળા ઝોઈ લ્યો ! દરિયો ! દરિયાલાલ ! આટલું ઉંડાણ, આટલાં મોઝાં,આટલો જલરાશિ, ને આટઆટલી સમૃધ્ધિ ! એક સામટી ક્યાં થાવી છે !  

તેં લખ્યું છે ક્ષમાનો અનુભવ તને કોઈ કરાવે. એ કોઈ, હું, તને આ પત્રોથી કરાવવા મથતી રહીશ. ગામડાંથી ખરડાયલાને બીજું તો શું કહું? ગામડિયો સમજી શકે તો ને !! આવજે !

 ખરડાવા મથતી ક્ષમાનાં અનેકાનેક સંભારણાં.

Next Page »


પત્રોમાં પુષ્પોની ફોરમ !

વાચક સંખ્યા :

  • 1,672 hits

પત્રમંજુષા

August 2007
M T W T F S S
    Sep »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031