Archive for October, 2007

ટ્રાન્સ્પરન્સીના ચમત્કારો, ક્ષમાની પત્રપંક્તીઓમાં !

નીખીલ,

તારી સંવેદનશીલતા તારા પત્રની સોંસરી મને વીંધી ગઈ. કોઈ અજાણ્યાને પાછો વાળ્યાનું સુખ છેક મનેય અહીં અડી ગયું. કેવી પરીસ્થીતીનો માર્યો એ યુવાન ટાંકી ઉપર ચડ્યો હશે ! વીદાય લઈને માવતરને છોડવાનો નીર્ણય કરતાં એને શું શું નહીં થયું હોય !! એમાંય પાછાં પ્રામાણીક અને મહેનતુ માણસોને જ આવું થાય ત્યારે વધુ વેદના આવી વળગે.

જોકે અપ્રામાણીક અને ડઠ્ઠર માણસોને પણ દુ:ખો તો પડતાં જ હોય છે પણ એમની સંવેદના બુઠ્ઠી થઈ ગઈ હોય છે એટલે તેઓ આપઘાત કરે નહીં. બાકી દુ:ખ તો આજે ઝુંપડાંઓમાં સાવ સામાન્ય બાબત બની ગઈ છે. મારા ઘરની આજુબાજુ ફુટપાથને આશરે રહેતાં સૌને જોઉં છું ત્યારે જીવનની આત્યંતીક વીરોધાભાસી વ્યવસ્થા સામે મન બંડ પોકારી ઉઠે છે. અલબત્ત તારી પારદર્શીતા જે સમસંવેદન અનુભવીને સક્રીય આચાર રુપે ઉગી નીકળે છે એ કક્ષા મારી નથી. તું તો તારી પારદર્શીતાએ કરીને પરકાયા પ્રવેશ કરી આવ્યો !

નીખીલ, મારી વાતને અતીશયોક્તીમાં ન લઈશ પણ તેં એ છોકરાને ટાંકી ઉપરથી ઉતાર્યો એ બનાવને હું જરા જુદી રીતે પણ સત્યકામની વાત સાથે જોડી દઉં છું. એને મૃત્યુના મુખમાંથી છોડાવનારી એની પત્ની હતી; તેં તો એક સાવ અજાણ્યાને પાછો વાળ્યો ! નસીબવાદીઓ તો આવા બનાવને જોકે ‘પાંચમની છઠ થતી નથી’ એમ કહીને છોકરાનું આયુષ્ય હતું તે બચી ગયો એમ કહીને વેડફી નાખશે; પરંતુ તારી પાસે જે પારદર્શીતા,સંવેદના, સમસંવેદન અને એને આચરણમાં મુકવાની તાલાવેલી છે તેને તો વંદવી જ રહી.

તારા આ પત્રના અનુસંધાને એક બાજુ મોતના મુખમાંથી કોઈને છોડાવ્યાની વાત છે તો બીજી બાજુ મારા મોટાભાઈને મૃત્યુને સોંપ્યાંની વાત પણ એક વાસ્તવીકતા જ હતી, આ જ દીવસોમાં ! આજે જ્યારે બધી વીધી પુરી થઈ ગઈ છે ત્યારે એના સમાચાર પણ આપવાના આવ્યા છે ! હું કાંઈ સાત સાત દાયકા ઓઢી વળેલા એવા એમને પાછા વાળી શકવાની નહોતી પણ એક મરણ સાવ નજીકથી જોવાનું આવ્યું એ બીના જીવનની અવીસ્મરણીય ઘટના બની રહેશે…

મોટાભાઈ બહુ જ પ્રેમાળ અને પીતાનો ખાલીપો દેખાવા ન દે એવા હતા. મારે તો તેઓ જ મોભ હતા. બાને એમણે જે રીતે સાચવી જાણ્યાં હતાં તે અમારા કુટુંબની એક દંતકથાશી વાત હતી. કુટુંબમાં એક એવો અવકાશ ઉભો થઈ ગયો જે પુરવાની કોઈનીય તાકાત નથી…

છેવટે મૃત્યુ પણ આપણા જીવનનો જ એક ભાગ છે એ સમજવાની તક આ પ્રસંગે મળી. વેદનાથી ચીસ પડાઈ જાય એવા નાજુક સમયે પણ ભાભીને હું સ્વ-સ્થ અને તટ-સ્થ રાખી શકી એ બાબત પણ મારા આ બનાવનું એક મોંઘું પાસું બની રહેશે. એટલું ચોક્કસ કે ભાઈની મહાનતાનો સ્પર્શ પામી શકેલાં ભાભીએ એમના મૃત્યુને સહજતાથી ઝીલી લીધું અને સૌ સંતાનોને ટેકો પણ આપ્યો.

ઈશ્વરની સૃષ્ટીનો એક અનીવાર્ય અંશ એવો આ પ્રસંગ અમને સૌને બચેલા જીવન[માટે]નો મોટો પાઠ ભણાવી ગયો ! નીખીલ, આ દીવસોમાં તારી યાદ બહુ જ આવી. કોઈના ટેકાની તાતી જરુરીયાત મહેસુસ થઈ. મને હુંફ આપનારાં તો ઘણાં હતાં. પણ આ ‘કોઈ’નું મહત્ત્વ આ દીવસોમાં સમજાયું…

તને આ સમાચાર મોડા આપવા પાછળ કોઈ ભાવ નહોતો. ક્ષતી કહી શકાય જરુર. પણ રહી રહીનેય મનમાં થયાં કર્યું કે તારી હાજરી મારા મનને મક્કમ નહીં રહેવા દે. હું ઢીલી પડીશ તો ભાભીને જે આપી શકી તે આપી ન જ શકી હોત. તારી હાજરીમાં હું તારી છાયા ગોતીને એમાં ઢબુરાઈ જવા મથેત ! મારે તો ભાભીને અને સૌને બાથમાં લેવાનાં હતાં. હું ઉંમરે તો ઘણી નાની પણ મારું સ્થાન ઘરમાં જે છે તેણે કરીને હું ‘પીઢ’ ગણાતી રહી છું ! અને ખરેખર હું એ કાર્ય કરી શકી…

તારા કાર્યને બીરદાવીને આ પત્ર પુરો કરીશ. અનુકુળતાએ ભાભીને મળી જજે.

ગયા પત્રમાં ઉપાલંભો આપી આપીને તને ચીડવ્યો હતો તેના બદલામાં ઉલટાની તેં ક્ષમા માગીને મને શરમીંદી કરી મુકી ! ક્ષમા તો મારે તારી માંગવાની રહી. પણ તું જો ખરેખર ક્ષમા માંગીનેય આ ક્ષમલી[મારું ઘરમાંનું નામ],ક્ષમાને મેળવી શકતો હો તો મેળવી લેજે ! હું ક્ષમા રુપે નહીં, ધન્યતા બનીને તને મળીશ.

તારી ક્ષ.

‘ઓપિનિયન’વાળા વિપુલભાઈને પત્ર.

‘પરમ સનેહી’  વિપુલભાઈ, 

 ‘ઓપિનિયન’ અને વિપુલ કલ્યાણી એ બંને નામો મને એક સાથે મળ્યાં હતાં.. એની અભીન્નતા તો પછી સમજાઈ. એક દીવસ ઉત્તમભાઈ ગજ્જરનો મેઈલ મળ્યો .મારું નેટ ઉપર હજી તો પદાર્પણ જ હતું એ સમયની એ વાત. એમણે અમેરીકાથી મને લખેલું કે તમારો એક લેખ ‘નયા માર્ગ’માંથી લઈને લંડનથી પ્રકાશીત થતા માસીક ‘ઓપિનિયન’માં વિપુલભાઈએ પ્રગટ કર્યો છે !  

સમાચારની ઉત્તમતા, સમાચાર આપનાર ઉત્તમભાઈની ઉંચાઈને આંબવા મથતી હોય એવું લાગ્યું ! પણ વિપુલભાઈ, સાચું કહું તો તમારા વીષે એ વખતે હું તો અજ્ઞ જ. અજ્ઞોત્તમ જ કહોને ! એટલે લંડનેથી પ્રકાશતા સામયીકમાં આપણું કાંક છપાણું [એ વખતે ઉ.ભાઈને ય લેખનું નામ યાદ નહોતું.] એ વાતના પોરહમાં હું તો આનંદના ઓઘ ઘુઘવતો મનથી ઉત્તમભાઈને વંદી રહ્યો….એમણેય બચાડાજીવે લેખનું નામ શોધી આપવા માટે ઘણું અહખ વેઠેલું.  

આળસુઓમાં ઉત્તમ એવો હું, ક્યાંકથી નામ મળી રહેશે એમ માનીને અઠવાડીયું બેસી રહ્યો.. છેવટે ‘નયામાર્ગ’ની ઓફીસેથી જ એ મળવામાં હતું ત્યાં ઈન્ગ્લાંડની મુકુટધારી રાણીસાહેબાની ટીકીટ પહેરીને એક મોટું કવર જ ટપાલમાં આવી પડ્યું. અને એક સાથે ‘ઓપિનિયન’ અને વિપુલ કલ્યાણી બંનેને મારે ઘેર મેં અનુભવ્યાં.

વિપુલભાઈ, મારા લેખ કરતાંય આ બે મહેમાનોનું મારે હૈયે થયેલું આગમન મારે મન બહુ મોટી વાત હતી.  વચ્ચે બે વાત ટુંકાવીને કહું તો, ઉંઝા જોડણીના પ્રથમ ઝંડાધારી રામજીભાઈએ તો મને એ બંને મહેમાનોનો પરીચય આપી જ દીધો હતો. અને ઈમેઈલ દ્વારા તમારી સાથે અલપઝલપ વાતુંય માંડી દીધી હતી. એટલે પછી રાણીછાપ ટીકીટો સહીત તમે અને તમારા વ્યક્તીત્વના ભાગરુપ મેગેઝીનને મારે ઘેર આવકારવાનો આનંદ કોઈ ઑર જ હોય ને ! 

આ આપણા અનુબંધનો પ્રથમોધ્યાય.

ઉઘાડીને જોઉં છું તો મારી વીચીતર શૈલીમાં લખાયેલો સ્વચ્છતા અંગેનો લેખ જોવા મળેલો. પણ વાત ભલે સફાઈની હતી, શીર્ષક કોઈનું પણ નાકનું ટેરવું બગાડી મુકે એવું હતું : “ગંદકી : નાકના ટેરવા પરથી રોટલી ઉપર !” ગંદકીને શોભે એવી વહરી રીતે મેં ગંદકી નીમીત્તે ઘણાંને ઝાપટ્યાં હતાં એમા. એ લેખ મને બહુ  ગમતા લેખોમાંનો જ એક. એના દ્વારા મારું આપની સાથે અનુસંધાન રચાયું એટલે પણ એ લેખને ચાહું છું.  

પણ મારી ખરી ચાહના તો હંમેશ રહેશે, આવી સમાજોપયોગી વાતોને ડંકેકી ચોટ રજુ કરનારા વિપુલભાઈ માટે; સમાજના સાવ નાના માણસોની વાતને ‘નયા માર્ગ’ સામયીક દ્વારા મોટી ક્ષીતીજે મુકી આપનારા ઈન્દુભાઈ જાની માટે અને ‘નિરીક્ષક’ જેવા મોટ ગજાના અઠવાડીક દ્વારા ભલભલા ચમરબંધી પ્રશ્નોની બાલકી ખાલ ઉતારી મુકનારા મારા આદરણીય પ્રકાશભાઈ શાહ માટે !  

આજે વિપુલભાઈ, આ પત્ર, મારી ભીતર પડેલી કંઈ કેટલીય વાતોને ઉલેચવાનો એક નાનકડો આરંભ છે. ’ઓપિનિયન’માં સૌથી પ્રથમ પ્રકાશીત એ લેખ પછી તો તમે પાંચ અંકોમાં મારી મોકલેલી દસ સામગ્રીઓને પ્રકાશીત કરીને મને ઋણી કરી મુક્યો છે. છેલ્લે આ મહીનાના આરંભે જ મારું ગાંધી-વારસદારોને સંબોધીને લખાયેલું સોનેટ પ્રગટ કરીને આપે મારી ભીતરે ભરેલી ભાવનાઓને બળ આપ્યું છે.  

આજનો આ પત્ર એક નવી આરંભાઈ રહેલી શ્રેણીનું પ્રથમ સોપાન છે. આશા છે કે આ શ્રેણી કશુંક ઉપયોગી આપી છુટશે. કલ્યાણકારી એવું આ વીશ્વમાં વિપુલ પડ્યું છે; વિપુલભાઈને નામે આ કલ્યાણકાર્ય બની રહે એવી શ્રદ્ધા તો છે જ, પ્રાર્થના પણ બનીને ક્યાંક સંભળાઈ પણ રહો.  

આપનો, જુગલકીશોર.   
 

હૃદયના કોમળ-તીવ્ર તારોને ઝંકૃત કરનારાં શબ્દવાદ્યો !

પત્રો.                                             –જુગલકીશોર.        

પત્ર-અરીસામાં વાંચનારને પત્ર લખનારનો ચહેરો દેખાય છે. વ્યક્તી-વ્યક્તી વચ્ચેના પત્રો ક્યારેક રુ-બ-રુથીય અદકેરો તોષ-પરીતોષ આપી જાય છે.

વ્યક્ત થવા માટે પત્રોનું માધ્યમ ઋજુ, સંવેદનશીલ અને સ્પંદનશીલ હોય છે. એ લચકીલું પણ ખુબ છે. એમાં વ્યક્ત થવા માટે ભાષા કોઈ અડચણ કે અટકાયત કરતી નથી. ખુબ જ સરળતાથી, સહજતાથી સંવેદનોના ઋજુ તાર પર સવાર થઈને સામે પાર, લક્ષીત વ્યક્તી સુધી જ નહીં, એની ભીતર પણ જઈ પહોંચી શકાય છે !

પત્રો ઉર્મીકાવ્યનું સ્થાન પામી શકે છે. આવા પત્રોમાં લડાઈ-ઝઘડા કે વ્યવહારોના દારુગોળાનો ભાર લાદીને એના નજાકતભર્યા પોત-ટેક્ષ્ચર-ને નુકસાન પહોંચાડવાની ચેષ્ટા ફુલ ઉપર ધગધગતા અંગારા છાંટવા જેવી બની રહે છે.

ખેપીયા દ્વારા કે પક્ષીઓની ચાંચે-પાંખે મોકલાવાતા સંદેશાઓનો એક સમય હતો. સંદેશો લઈ જનાર ખેપીયો હોય કે પક્ષી; જળપ્રવાહ હોય કે સંકેતો; સંદેશવાહક તરીકે એનું સ્થાન સંદેશો મોકલનાર અને મેળવનાર બંને માટે અત્યંત વહાલભર્યું હોય છે. આજનો ટપાલી પણ સૌનું માનીતું પાત્ર રહ્યો છે. મહાકવી  કાલીદાસે અષાઢના મેઘને દુત બનાવીને સંસ્કૃતસાહીત્યમાં જ નહીં, વીશ્વસાહીત્યમાં પણ કાવ્યસંદેશાને બહુ જ ઉંચાઈ અપાવી દીધી છે.

પત્રોમાં જેનું અત્યંત મહત્ત્વ છે તે સંદેશા ઉપરાંત પત્રની ભાષા, એમાંના સંકેતો, પત્ર કે સંદેશો મોકલવાની રીત કે શૈલી, પત્રનું સ્વરુપ વગેરે પણ ઓછું મુલ્ય ધરાવતાં નથી. વનસ્પતીમાં થતી ફલીનીકરણની પ્રક્રીયામાં પવનનું સ્થાન કેવું અદકેરું ને કાવ્યમય હોય છે ! પવનની લહેર ઉપર સવાર થઈને માઈલો દુર પહોંચી જતાં સુક્ષ્મ પુંકેસરો કે પછી પવનની પાંખે બેસીને પુષ્પોની ને ધુપસળીની સુગંધ જે રીતે ફરી વળે છે, પત્રો પણ એવી જ રીતે સ્પંદનો, પ્રેરણાઓ, ઉર્મીઓ, સંવેદનાઓનો પમરાટ ફેલાવનારાં બની રહે છે.

પત્ર મોકલનાર કે મેળવનારના હૃદયતાર હલાવી મુકનારા પત્રો તો શબ્દવાદ્યો છે, જે વીણા કે સારંગીના તારની જેમ હૃદયના કોમળ-તીવ્ર સ્વરોને અલંકૃત-ઝંકૃત કરી મુકે છે !


પત્રોમાં પુષ્પોની ફોરમ !

વાચક સંખ્યા :

  • 1,672 hits

પત્રમંજુષા

October 2007
M T W T F S S
« Sep   Nov »
1234567
891011121314
15161718192021
22232425262728
293031