Archive for November, 2007

ઉત્તમ રચનાઓનું ઉત્તમ રસદર્શન !!

આપો

તેડવા  દોડું  ને ચૂલે  ઊભરાતાં  દૂધ
      ભલે, પાંગરાંનો કિચૂડાટ આપો !
કંઠે     હાલરડાંનાં     રૂંધ્યા     કપોત,
       એને ઊડવા ગગન થોડું આપો !

લઈ લ્યો સુગંધ જેવું ફરવાનું આમતેમ,
             દઈ દ્યો સુવડાવે એવી શૂળ !
પોલાં   પગલાંને   હવે અડક્યા વિનાની
        રોજ વલખે છે આંગણાંની ધૂળ !
        એમાં કમળ ઉગાડી એક આપો !

કોરાકડાક  મારા  પાલવની ભાત્યમાં
                  પડવા દ્યો પચરંગી ડાઘ !
એનાથી ફળફૂલે ઝૂમશે આ બાંધણીના
              વણમ્હોર્યા બાવન સૌ બાગ !
                   ખાલીપો કાંખનો ઉથાપો.

                            –ભાનુપ્રસાદ પંડ્યા
=======================
કાવ્યનું રસદર્શન                 

–સ્વ. જયંત કોઠારી

જોઈ શકાય છે કે અહીં દોહ્યલાં વાંઝીયા-મેણાંનું દુ:ખ નથી, ‘ખાલીપો કાંખનો ઉથાપો’ એવી કેવળ માતૃત્ત્વ-ઝંખના છે. આંગણું તો છે, પણ આંગણાંનું લીંપણ નથી, કેવળ ધુળ છે, જેમાં પોલાં પગલાં પડવાની અપેક્ષા વ્યક્ત થઈ છે. સાડલો મેલો થવાની વાત અહીં પણ છે, પણ અહીં એ સીધી કહેવાયેલી છે, લોકગીતમાં ‘ખોળાનો ખુંદનાર’માં એનું સુચન હતું. ‘ખોળાનો ખુંદનાર અને પગલીનો પાડનાર અહીં નથી ને એને સ્થાને ‘ડાઘ’ અને ‘પગલાં’ જ છે તેથી બાળક પરોક્ષ થઈ ગયેલ છે ને પુત્ર, પુત્રી બન્નેને સમાસ મળે એવી સ્થીતી સર્જાઈ છે.લોકગીતમાં ધોયોધફોયો સાડલો હતો, અહીં ‘કોરોકડાક’છે એ ફરક પણ સુચક છે. ધોયોધફોયો સાડલો સ્ત્રીની ક્રીયાશીલતાનો નીર્દેશ કરતો હતો તે હવે રહેતું નથી. આંગણું લીંપવાની ક્રીયા ગઈ તેમ કપડાં ધોવાની પણ ગઈ. લોકગીતમાં સ્ત્રીના રોજીંદા જીવનની ઘટમાળ સાથે માતૃત્ત્વઝંખના વણાઈને આવતી હતી તે હવે અહીં રહેતું નથી.

ઉપરાંત, લોકગીત બાલચેષ્ટાઓની અપેક્ષાના એકમાત્ર દોરથી રચાયેલું છે. અહીં એવું નથી. હાલરડાં ગાવાની ને સુઈ જવું પડે એવી અપેક્ષા વ્યક્ત થઈ છે. એ સ્ત્રીની ચેષ્ટાઓ છે ને પાંગરાંનો કીચુડાટ એ તો વળી જુદી જ ક્રીયા છે. લોકગીતમાં બાળકની છબી સતત આપણી સામે રહે છે તેને સ્થાને અહીં જુદીજુદી રીતે વ્યક્ત થતો માતૃત્ત્વનો મનોભાવ આપણી સામે રહે છે.

આધુનીક કવીએ પોતા તરફથી કેટલીક વીગતો પુરી છે એમાં હાલરડાં ગાવાની ઈચ્છા એક સુંદર ઉમેરો કરે છે, પણ બાળક આવતાં સ્ત્રીના મુક્ત વીહાર પર અંકુશ આવે પણ સુવડાવે એવી શુળ શું ? પ્રસુતીની ઘટનાનો આમાં નીર્દેશ છે ? તો એનું ઔચીત્ય શંકાસ્પદ છે. કાવ્યની બાકીની પંક્તીઓ બાળકના જન્મ પછીની સ્થીતીને વર્ણવે છે તેના કરતાં બાળકના જન્મ સમયની વેદનાની વાત કંઈક જુદો અનુભવપ્રદેશ ને અનુભવનું સ્વરુપ દર્શાવે . કાવ્યની એકલક્ષીતા એથી ખંડીત ન થાય ? ‘તેડવા દોડું ને ચુલે ઉભરાતાં દુધ’ તો બરાબર છે પણ એની સાથે પાંગરાંના કીચુડાટને શો સંબંધ ? હા, બાળકના રડવાને સંબંધ હોઈ શકે.

આધુનીક કવીની રચનામાં આ રીતે આયાસ વરતાય છે તે ઉપરાંત એમાં પ્રૌઢ વીદગ્ધ કવીત્ત્વની મુદ્રા પણ પડેલી છે. ‘કંઠે હાલરડાંનાં રુંધ્યાં કપોત’માં એક નુતન ચમત્કૃતીભરી રુપકરચના છે, તો પગલાંને કમળ ને પચરંગી ડાઘને ફળફુલે મ્હોરેલાં ભાગ રુપે કલ્પીને પગલાં અને ડાઘને માત્ર સ્વીકાર્ય નહીં પણ શોભાની વસ્તુઓ બનાવી દીધી છે અને એ રીતે લોકકવીતાના વર્ણનને નવી રસાત્મકતા અર્પી છે. લોકકવીતાએ અભીધાથી કામ લીધું છે, એમાં ભાવવ્યંજના છે પણ એ અભીધામુલક છે; આધુનીક કવીએ લક્ષણાથી કામ લીધું છે, એની ભાવવ્યંજના લક્ષણામુલક છે. લોકકવીતા મનોહર બની છે - એનાં અભીધાચીત્રોથી, એની સરલ તળપદી અભીવ્યક્તીથી, એની સંવાદી વાક્યભાતોથી, એનાં ટુંકાં ચરણોની લયબદ્ધ ગતીથી; આધુનીક કવીતા પ્રભાવક બની છે - એના અલંકારચીત્રોથી, એ અલંકારચીત્રોની વીગતબહુલતાથી, દીર્ઘસંકુલ વાક્ય-રચનાઓથી અને પ્રલંબ ગીતલયથી.

પણ નવા જીવનસંદર્ભની વીગતો લઈને માતૃત્વઝંખનાને વ્યક્ત કરતા કાવ્ય માટેની આપણી અપેક્ષા હજુ ઉભી જ રહે છે. (તા. 24-2-’95)

કાવ્યની ઉંચી ઉડ્ડાન ભરતું જાણીતું લોકગીત !!

[NET-ગુર્જરી પર કાર્યભાર વધી જતાં આવાં બહુ જ કીમતી રસદર્શનો હવે પછી પત્ર રુપે પ્રગટ કરીશું જેથી એને 'પત્રમ્ પુષ્પમ્' બ્લોગ પર મુકીને જગ્યાના ભારણને ઉકેલી શકાય -જુ.]

—————————————————–

વાંઝીયા-મેણાં માતા, દોહ્યલાં.
(એક લોકગીતનું રસદર્શન) 

                                                   –સ્વ.જયંત કોઠારી.
લીંપ્યું   ને ગુંપ્યું  મારું  આંગણું,
પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે !
    વાંઝીયા-મેણાં,માતા દોહ્યલાં.

દળણાં   દળીને   ઉભી   રહી,
પાળ્યુંનો પાડનાર દ્યોને,રન્નાદે !
   વાંઝીયા-મેણાં, માતા દોહ્યલાં.

મહીડાં     વલોવી    ઉભી   રહી,
માખણનો માગનાર દ્યોને, રન્નાદે !
   વાંઝીયા-મેણાં, માતા દોહ્યલાં.

પાણી   ભરીને   ઉભી    રહી,
છેડાનો ઝાલનાર દ્યોને, રન્નાદે !
   વાંઝીયા-મેણાં, માતા દોહ્યલાં.

રોટલા   ઘડીને   ઉભી    રહી,
ચાનકીનો માગનાર દ્યોને રન્નાદે !
    વાંઝીયા-મેણાં,માતા દોહ્યલાં.

ધોયોધફોયો મારો  મારો સાડલો,
ખોળાનો  ખુંદનાર  દ્યોને, રન્નાદે !
    વાંઝીયા-મેણાં, માતા દોહ્યલાં.

આ લોકગીતની એક અભીવ્યક્તીરીતીએ મારું હંમેશા ધ્યાન ખેંચ્યું છે. ની:સંતાન સ્ત્રીની પુત્રઝંખનાનો એમાં ઉદ્ગાર છે છતાં ‘પુત્ર’ શબ્દ એમાં ક્યાંય આવતો નથી. સ્ત્રી રન્નાદે પાસે માગે છે પુત્ર નહીં, પણ ‘પગલીનો પાડનાર’,'છેડાનો ઝાલનાર’, ‘ખોળાનો ખુંદનાર’ વગેરે. પુત્રનો સીધો ઉલ્લેખ ટાળીને એની ચેષ્ટાઓથી જ એને મુર્ત કરવાની આ અભીવ્યક્તીરીતી મને મનોરમ અને કાવ્યમયતાભરી લાગી છે.

અને અપુત્ર સ્ત્રીનો આ ઉદ્ગાર હોવા છતાં એમાં એની મનોવેદનાની સીધી અભીવ્યક્તી ક્યાંય નથી એ હકીકત પણ ધ્યાન બહાર ન રહેવી જોઈએ. ‘વાંઝીયા-મેણાં માતા, દોહ્યલાં’માં સામાજીક સંત્રાસે પ્રેરેલી એક દબાયેલી ચીસ છે ને ‘દ્યોને’નો ‘ને’ અહીં રન્નાદે પાસેની માગણીમાં આર્જવનો ઉમેરો કરે છે, પણ સ્ત્રીના મનોભાવની આ અભીવ્યક્તીઓ પણ વાચ્ય રુપે નહીં, વ્યંગ્ય રુપે થયેલી છે. સ્ત્રી ગીતમાં સતત ઉપસ્થીત છે જ, પણ તે ક્રીયાઓ રુપે - આંગણું લીંપવું, દળણાં દળવાં, પાણી ભરવું, રોટલા ઘડવા વગેરે.

તો અહીં સ્ત્રી અને બાળક બન્ને ક્રીયાત્મક રુપે રજુ થયાં છે, એટલું જ નહીં બન્ને ક્રીયાના દોરથી એકબીજા સાથે જોડાયેલાં છે. એક આંગણું લીંપે અને બીજું એમાં પગલું પાડે, એક દળણું દળે અને બીજું લોટની રચાયેલી ઉંચી પાળને નીચે પાડી નાખે વગેરે. એક ઘડે છે, સર્જે છે, બીજું ભાંગે છે,ભુંસે છે,અવરોધે છે.એક પ્રકારની ક્રીયાઓ દ્વારા ખડું થાય છે ગૃહીણીનું ચીત્ર, એનો ધર્મ જતન-સંવર્ધનનો છે. બીજા પ્રકારની ક્રીયાઓ દ્વારા ખડું થાય છે એક શીશુનું ચીત્ર, જેનો સ્વભાવ છે અટકચાળાં, તોફાનમસ્તી, ભાંગતોડ, પજવણી, લાડ કરવાનો. બન્ને ચીત્રો જાણે સજીવ થઈને આપણી નજર સામે તરવરે છે.

અહીં ક્રીયાવરોધ છે પણ એ જ  તો આ રચનાનું હાર્દ છે. એ જ તો છે માતૃત્ત્વની દુનીયા. વ્યવસ્થા અવ્યવસ્થામાં ન પલટાય ત્યાં બાળક નથી અને તેથી માતૃત્ત્વ નથી. સ્ત્રીના રોજીંદા જીવનની ઘટમાળમાં બાળકની અનુપસ્થીતી ડગલે ને પગલે ખાલીપો સર્જે છે એનું આ ચીત્ર વણકથી વેદનાથી ભરેલું છે.બાળક હોય તો તે પોતાનાં લાડ, મસ્તી ને અટકચાળાંથી માતાના જીવનને ભરે; એના જીવનની ઘટમાળમાં રસ પુરે. અહીં માતાનાં રોજીંદા જીવનકાર્યો વર્ણવાયાં છે અને બાળકનાં પણ રોજીંદાં જ તોફાનમસ્તી; એથી એ સર્વસામાન્ય માતૃભાવના સરળતાતાથી, સહજતાથી ને સદ્ય વાહક બને છે.સદ્યોગમ્યતા તો લોકકવીતાનું પ્રાણતત્ત્વ છે, એને લોકજીભે ચડાવી જીવાડનાર તત્ત્વ છે.

આ લોકકવીતાની અભીવ્યક્તીમાં એક સહજ ભાષાકર્મ રહેલું છે એ પણ એની સદ્યોગમ્યતામાં પોતાનો ફાળો આપે છે. એની પંક્તીઓમાં સંવાદીતા છે - ચાર પહેલી પંક્તીઓ ‘દળણાં દળીને ઉભી રહી’, ‘મહીડાં વલોવી ઉભી રહી’ એવી સમાન વાક્યરચના વની શબ્દાવલી લઈને આવે છે તો પહેલી બે પંક્તીઓની વાક્યરચના સમાન છે - લીંપ્યું ને ગુઉંપ્યું મારું આંગણું’, ધોયોધફોયો મારો સાડલો’; બીજી પંક્તી તો બધી જ સમાન છે - પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે, પાળ્યુંનો પાડનાર દ્યોને, રન્નાદે  ‘પાળ્યુંનો પાડનાર  દ્યોને, રન્નાદે’ વગેરે. અહીં ‘-નો’વાળી રચના કેવી અર્થવાહક બની છે તે જોવા જેવું છે. ‘પગલી પાડનાર’ ‘પાળ્યુંને પાડનાર’ એમ વાક્યરચના પણ થઈ શકે. પણ એ ચાલશે નહીં. ‘-નો’ વાળી રચના લીંગવાચક છે ને અહીં પુલ્લીંગ એટલે પુત્રને નીર્દેશે છે એ રચનાના અભીપ્રેતાર્થ માટે આવશ્યક છે. તે ઉપરાંત ‘પગલી પાડનાર’ કરતાં ‘પગલીનો પાડનાર’ વધુ સ્પષ્ટ રીતે વ્યક્તીદર્શક પ્રયોગ બની જાય છે અને મુર્તતાની અસર નીપજાવે છે. કાવ્યમાંથી એક જીવંત વ્યક્તીચીત્ર ઉભું થાય છે.’ધન્યસ્તદંગરજસા મલીનીભવંતી’ એમ તો કાલીદાસે પણ કહેલું, એ રીતે આ વાત કંઈ નવી નથી; પરંતુ ‘ધોયોધફોયો મારો સાડલો, ખોળાનો ખુંદનાર દ્યોને, રન્નાદે’ એ પંક્તીઓમાંથી ચંચળ બાળકનું જે મુર્ત વ્યક્તીચીત્ર ઉભું થાય છે તે કાલીદાસના ઉક્ત શબ્દોમાંથી ઉભું થતું નથી,એ ધન્યતાનો એક સુંદર ઉદ્ગારમાત્ર બની રહે છે.

આ કવીતા પર સમયનાં પદચીહ્ન પડેલાં અવશ્ય જોઈ શકાય. એમાં નીરુપાયેલો જીવનસંદર્ભ કેટલેક અંશે ભુતકાલીન છે. દોહ્યલાં વાંઝીયા-મેણાંનો અનુભવ આજે વીરલ થઈ ગયો કહેવાય. જોકે, છતાં, સ્ત્રીની નૈસર્ગીક પુત્રઝંખના-માતૃત્ત્વઝંખનાના ઉદ્ગાર તરીકે આ કાવ્ય આપણે માટે આજે પણ અર્થ ધરાવે જ છે. આંગણું લીંપવું, ઘંટીએ દળણાં દળવાં (ઘંટીના દળણામાં જ લોટની પાળ બંધાય), મહી વલોવવા વગેરે ક્રીયાઓ આજે ઘણી મર્યાદીત રીતે જોવા મળતી થઈ ગઈ છે. જોકે એ જીવનસંદર્ભ જ હજુ આપણે માટે વધુ કાવ્યમય રહ્યો છે. નવા જીવનસંદર્ભની કાવ્યમયતા પ્રગટાવવી તો હજુ આપણા માટે બાકી છે એમ કહેવાય. આધુનીક કવીને પણ આ પ્રકારના ભાવચીત્રણ માટે આ લોકકવીતાનું અવલંબન લઈને આગળ ચાલવાનું ગમે છે. ભાનુપ્રસાદ પંડ્યાનું ‘આપો’ (’અડોઅડ’)કાવ્ય આનો નમુનો છે.
(જે આવતે અંકે પ્રગટ કરીશું)  

નવા વરહને ઝાંપે !!

ગરવાં ને નરવાં ગુજરાતીઓ !

નવું વરહ બસ હવે હાથવેંતમાં જ છે ! આ બે-પાંચ દી આઘાપાછા થ્યા નથીને દીવાળી આવી નથી ! આખું વરહ આમ ને આમ ક્યારે હાલતું થૈ ગ્યું ઈનો અણહારેય આવ્યો નૈં ! આપણ હૌ ભેળાં થ્યાં,રહ્યાં ને મઝોય કર્યો. આ દીવાળી ને બેહતું વરહ આ વખત કાંક નવી વાતું લાવે ને આપણ હૌ ઈ નવીનવેલી દશ્યે કાંક નવાં પગરણ માંડીઈ એવું આ મનખામાં વલોવાયાં કરે છે.

તમે હૌ હાજાં નરવ્યાં રો; તમારાં હૌનાં બાળ-બચ્ચાં ધુબાકા મારે ને ગલઢા-બુઢ્ઢાંનુંય ઉપરવાળો ધીયાન રાખે એવી પરભુને પરાર્થના !!

આવતું વરહ આપણા આ બલોગજગતમાં હૌને સુવાણ્યે રાખે, ને હૌ હંપી કારવીને રૅ એવોય ઓરતો આ મનમાં ઉંડે ઉંડે રયા કર્યો છે. આપણે હંધાંય એકબીજાંની કાળજી લયીં ને એકબીજાને હામ ભરતાં રયીં એવુંય મનમાં થ્યા કરૅ છે.

આ બલોગજગત આપણું હંધાયનું મળવાહળવાનું એકનું એક, ને સાતખોટનું સાધન રયું છે, એને આપણામાંનાં હૌ જાળવી રાખે એવી મનકામના સાથે,

અમારા પાંચેય બલોગ વતી, જુગલભાયનાં નવા વરહનાં મોટાંવને ઝાઝેરાં પરણામ, ને નાનકાંવને ઢગલોક સુભેસ્છાઉં !!


પત્રોમાં પુષ્પોની ફોરમ !

વાચક સંખ્યા :

  • 1,672 hits

પત્રમંજુષા

November 2007
M T W T F S S
« Oct   Dec »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930