Archive for December, 2007

રૅશનલધારાનાં બે સામયીકોને ઓળખાવતો પત્ર.

સહયોગીઓ,
ગઈકાલે એક સામયીકનો પરીચય કરાવતા એક પત્રની કૉપી મેં અહીં મુકી હતી. આજે આપણા જાણીતા ને માનીતા રૅશનાલીસ્ટ શ્રી રમણ પાઠક આપ સૌને લખે છે, વાંચી જવા વીનંતી અને શુભેચ્છાઓ સાથે, –જુ.  
—————————————————– 
રૅશનલ ચમત્કાર

 –પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

દેશ–વીદેશના આદરણીય હમસફર મીત્રો, 

આજે અમે આ વૅબસાઈટ શરુ કરી રહ્યા છીએ. એનો મંગલ ઉદ્દેશ, અમે અહીં ગુજરાતમાં જે વાંચીએ–વીચારીએ, તેના આપ સૌને હમસફર અને હમદર્દ બનાવવાનો છે. આ તો ગુજરાતની એક નવી જ દીશા અને નવી જ શુભ દશા, અર્થાત્ પ્રગતીશીલ તથા વૈજ્ઞાનીક વીચારો તેમ જ જીવનાભીગમની ધીમી છતાં મક્કમ આગેકુચ.

 રૅશનાલીઝમ એટલે વીવેકબુદ્ધીવાદ. માટે જ મુંબઈના મીત્રોએ પોતાના મુખપત્રનું નામકરણ કર્યું છે, ‘વીવેકપંથી’. એની સત્ત્વશીલ સામગ્રી દ્વારા મુંબઈ–ગુજરાત પ્રદેશમાં રૅશનાલીઝમનો જે પ્રચાર–પ્રસાર થઈ રહ્યો છે એમાં પાયાના પુરુષ છે, શ્રી. ગુલાબ ભેડા** –‘વીવેકપંથી’ના તંત્રી અને દૃષ્ટીવંત સંપાદક. આર્થીક તંગી અતી તીવ્ર હોવા છતાંય દરમાસે આ સામયીક આજે તો નીયમીત પ્રગટે, અચુક વહેંચાય–વંચાય–ચર્ચાય. વળી, એની નેત્રદીપક સામગ્રીને કારણે તે અતી લોકપ્રીય પણ બન્યું છે.

 હવે આપ સૌને, મતલબ કે વીશ્વભરના લાખો ગુજરાતી વાચકોને પણ નેટ પર તે નીયમીત જાણવા–વાંચવા મળશે. આ છે વીજ્ઞાનનો ચમત્કાર ! ચીલાચાલુ ચમત્કારના વીરોધી એવા રૅશનાલીસ્ટો વીજ્ઞાનના આવા ચમત્કારને તો વધાવે છે. વધુમાં, નોંધપાત્ર તથા આવકાર્ય ઘટના તે એ કે, ‘વીવેકપંથી’ શરુઆતથી ‘ઉંઝાજોડણી’માં જ છપાય છે. મીત્રો, ‘ઉંઝાજોડણી’ને ‘રૅશનલજોડણી’ તરીકે માન્ય કરવામાં આવી છે, એ કદાચ આપ જાણતા જ હશો.

 બીજું એવું જ એક સામયીક છે, ‘વૈશ્વીક માનવવાદ’ અને તેના તંત્રી છે મહેમદાવાદ સ્થીત શ્રી. બીપીન શ્રોફ. તેઓ પણ પ્રતીમાસ આવા પ્રગતીશીલ તથા તંદુરસ્ત વીચારો, એટલે કે રૅશનલ વીચારો જનતા સમક્ષ નીયમીત મુકે જ છે. આ માસીક પણ પ્રગટે છે ‘ઉંઝાજોડણી’માં. મીત્રો, આવાં ‘ઉંઝાજોડણી’માં પ્રગટતાં અને રૅશનલ વીચારધારા પ્રસરાવતાં અન્ય સામયીકો પણ આ વેબસાઈટ પર મુકવાની અમારી નેમ છે.

 એ ઉપરાંત, જુદાં જુદાં સામયીકોમાં પ્રગટતાં લેખો–કાવ્યો આદી સામગ્રીમાંથી પણ રૅશનલ વીચારધારા પ્રસારક સામગ્રી આપને જાણવા–માણવા આ વેબસાઈટ પર અમે મુકીશું.

 આવી સમગ્ર યોજનાનો અર્થાત્ રૅશનલ વીચારોને વેબસાઈટનું સ્વરુપ આપવાનો ઉત્તમ વીચાર, ‘સન્ડે ઈ–મહેફીલ’ના સંપાદકો પૈકીના સુરતના શ્રી. ઉત્તમ ગજ્જરને આવ્યો, જેઓ સુરતના નીવૃત્ત ભાષાશીક્ષક છે અને ‘ઉંઝાજોડણી’ના મીશનરી ધગશવાળા સમર્થક અને પ્રચારક છે. આ વીચાર તથા યોજનાને ટૅકનીકલ સ્વરુપ આપવાના ‘ધર્મકાર્ય’માં, મુળ સુરતના અને હાલ ચેન્નાઈસ્થીત સોફ્ટવેર કંપનીમાં કાર્યરત એવા નવયુવાન મીત્ર ભાઈ શ્રી. હીમાંશુ મીસ્ત્રીનો બહુમુલ્ય સાથ–સહકાર સાંપડ્યો છે.

 વેબસાઈટની  સામગ્રીના સંપાદનની જવાબદારી, મુળ સુરત જીલ્લાના બારડોલીની પાસેના આફવા ગામના અને હાલ અમેરીકા નીવાસી એવા યુવાન ભાઈ શ્રી. દીપક પટેલ તથા સુરતના આવાં સેવાકાર્યમાં રત એવા બે શીક્ષકો ઉત્તમ ગજ્જર અને ભાઈ સુનીલ શાહ સંભાળવાના છે. સુનીલભાઈ વીજ્ઞાન શીક્ષક છે, યુવાન છે અને વળી ઉભરતા કવી છે.

 આમ, નર્મદનગરી સુરતથી જ રૅશનાલીઝમની માનવીય વીચારધારાને ઈલેક્ટ્રોનીક પાંખે ઉડતું કરવાનો ઉત્તમ યજ્ઞ આરંભાય છે, એ આનંદની ઘટના છે. ગુજરાતમાં, ભારતવર્ષમાં અને દુરસુદુર દેશાવરમાં વસતાં લાખો ગુજરાતી પરીવારોમાં હવે ગુજરાતના રૅશનાલીસ્ટ આંદોલનની જાણકારી જન્મશે અને રૅશનલ વીચારો પહોંચશે; જેને આપ સૌ વીચારો, ચર્ચો અને એક માનવવાદી પુરુષાર્થ તરીકે યથાશક્તીમતી અનુસરો, બસ એ જ અમારો આનંદ.

 હવે મીત્રો, રૅશનાલીઝમ એટલે શું ? એય અમે આપને સંક્ષેપમાં જણાવીએઃ રૅશનાલીઝમને ગુજરાતીમાં ‘વીવેકબુદ્ધીવાદ’ કહેવાય છે; કારણ કે રૅશનાલીસ્ટ જીવનાભીગમનો પાયો જ છે વીવેક. ‘વીવેક’ એટલે એના મુળ સંસ્કૃત ભાષાકીય અર્થમાં સાર–અસારને, સત્ય–અસત્યને, શુભ–અશુભને, હીતકર–અહીતકરને યથાર્થ પારખવાની બુદ્ધીશક્તી. જેમ કે ‘નીરક્ષીર વીવેક’ એટલે દુધ અને પાણીને અલગ અલગ ઓળખી છુટાં પાડવાની વીવેકબુદ્ધી. આ કાર્યનાં ત્રણ પગથીયાં છેઃ તર્કવીવેક, નક્કર અનુભવ અને વૈજ્ઞાનીક પ્રયોગ. આ ત્રણેય પ્રક્રીયામાં અચુક તથા એક પણ અપવાદ વીના જ એકધારું ટકીને પાર પડે તે સત્ય–વૈજ્ઞાનીક સત્ય.

 આવો, વૈજ્ઞાનીક અભીગમ પ્રાપ્ત થતાં જ એવી વ્યક્તીને વહેમો, અંધશ્રદ્ધાઓ, મીથ્યા માન્યતાઓ, અર્થહીન કર્મકાંડો, ગુરુગ્રંથોની વણસમજી, એકપક્ષી, નીરર્થક અને ઘણી વાર તો ગંભીર હાનીકર્તા એવી નાગચુડમાંથી બસ મુક્તી જ મુક્તી ! પછી તો જે વૈજ્ઞાનીક સત્ય છે, એના જ આધાર પર, એને જ માન્ય એવાં નીતી, આચારસંહીતા તથા ‘ધર્મ’ને અનુસરતાં, બસ મુક્ત અને નીર્ભય, સ્વચ્છ અને સ્વસ્થ જીવન જીવવાનું. બોલો, કેટલી શાંતી !

 દોસ્તો, રૅશનાલીઝમની વ્યાખ્યા જ એવી છે કે, એમાં તર્કવીવેક (રીઝન)ની સર્વોપરીતાનો બીનશરતી સ્વીકાર અને એ જ પ્રમાણેનાં નીતી–આચાર મુજબનું જીવન, અર્થાત વૈજ્ઞાનીક જીવનાભીગમ. આમ, રૅશનાલીઝમ એ કોઈ વીચાર કે વાદ માત્ર નથી; જીવન પદ્ધતી છે, જીવનકલા છે. 

 રૅશનાલીઝમ એ સત્ય પામવાની વીચાર–તર્કયુક્ત પદ્ધતી તો છે જ, ઉપરાંત એ તો સત્ય જીવવાની પણ ઉત્તમ વ્યવસ્થા છે અને શાસ્ત્રો પણ કહે છે કે સત્યની સાધના જીવનનાં અને સમાજનાં સર્વ અનીષ્ટોને હણી નાખે છે, અસ્તુ..

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’
એ–૪, નટરાજ એપાર્ટમેન્ટ, સરદાર બાગ, બારડોલી–૩૯૪ ૬૦૧ ફોનઃ ૦૨૬૨૨–૨૨૨ ૧૭૬

————————

           ** શ્રી. ગુલાબ ભેડા, તંત્રી, ‘વીવેકપંથી’

         2-C/1, Asmita Mogra, Datta Jagdamba Marg, Sher-E-Punjab Colony, Andheri-East

        Mumbai-400 093 Phone : (022) 2838 8891

                                                                           ♦♦♦   ♦♦♦   ♦♦♦   ♦♦♦  

         “હે લોકો,
          હું જે કંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં.
         તમારી પુર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં.
         આવું હશે એમ ધારી ખરું માનશો નહીં.
         તર્કસીદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં.
         લૌકીક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.
         સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં.
         તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં.
         હું પ્રસીદ્ધ સાધુ છું, પુજ્ય છું, એવું જાણી સાચું માનશો નહીં.
         પણ તમારી વીવેકબુદ્ધીથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો,”
         –ગૌતમ બુદ્ધ

 

For your comment and opinion write to
Sunil Shah : vivekpanthi@gmail.com

  વીવેકપંથીના જુના અંકો વાંચવા નીચે Archive-01 અને ‘વૈશ્વીક માનવવાદ’ ના જુના અંકો વાંચવા Archive-02 ઉપર ક્લીક કરો….


Home :: Archive-01 ::Archive-02::Additional Articles :: Contact Us
website created by Himanshu Mistry ; maintained by Uttam Gajjar and Sunil Shah

એક ઉત્કૃષ્ઠ સામાજીક મેગેઝીન નેટ ઉપર !!

સહયોગીઓ,

આજે એક એવા સામયીક વીષે માહીતી આપવી છે જેણે 30 વરસથી સમાજના સાવ સામાન્યજનની વાતો હૃદયના ઉંડા ભાવથી પીર્સ્યાં કરી છે !

ખાસ જણાવવાનું તો એ છે કે આ સામયીક ‘નયા માર્ગ’ આ નવા વર્ષથી નેટ પર પણ ઉપલબ્ધ થઈ રહ્યું છે !! હવે આપણા દેશના સામાન્યજનની વાત આપ પણ ઘેર બેઠાં મેળવી શકશો.

આ સીવાય પણ બીજાં બે સામયીકો આ વર્ષથી જ નેટ પર આવી રહ્યાં છે જેનો પરીચય પણ હવે પછી અહીં જ આપીશ.

આપ સૌ એને વાંચી-માણીને જે આનંદ લેશો તેમાં દેશનાં કરોડો સામાન્યજનની વાતને પ્રકાશ પ્રાપ્ત થશે એ વીષે ની:સંશય છું.

તો, સયોગીઓ,લો આજથી જ કરો શરુઆત !

આપનો, જુગલકીશોર.

‘નયામાર્ગ ‘ દ્વારા એક નવો આરંભ

વંચીતો–રહીતો માટેનો અવાજ હવે વીશ્વભરમાં સંભળાશે

–ડૉ. યોગેન્દ્ર વ્યાસ

 આપણો સમાજ કાયમ માટે બે વર્ગોમાં વહેંચાયેલો જોવા મળે છે : ભણેલો અને અભણ; શાહુકાર અને ગરીબ; સહીતો (have) અને રહીતો (have not); શેઠ અને નોકર; ઉંચો અને નીચો. આ બંને વર્ગોમાંનો પ્રથમ હંમેશાં બળવાન અને બોલકો રહ્યો છે. આપણો સમાજ પૌરાણીક સંદર્ભમાં ભારતીય સંસ્કૃતીની કે આજના સંદર્ભમાં લોકશાહીની ગમે તેટલી દુહાઈ દે; પણ આપણો બીજો વર્ગ ઉપેક્ષીત જ રહ્યો છે. કરુણતા તો એ છે કે પ્રથમ વર્ગ દ્વારા જ એવી સામાજીક વ્યવસ્થાઓ ગોઠવાતી રહી છે કે જેને કારણે આ બીજા વર્ગને ક્યારેય ઉંચે આવવાની તક મળતી નથી !

 આપણું સાહીત્ય,  આપણું મીડીયા, આપણા ધર્મ-સંપ્રદાયો અને ક્યારેક તો શીક્ષણપ્રથાઓમાં પણ જોઈશું તો, સમાજના પ્રથમ વર્ગને જ જાણ્યે–અજાણ્યે વીશેષ મહત્ત્વ અપાતું જોવા મળશે ! આ બધામાં સંખ્યાની દૃષ્ટીએ સમાજનો ખરેખર જે વીશાળ વર્ગ છે–બલકે સમાજના વીકાસમાં જેનાં અત્યંત મહત્ત્વનાં પરીશ્રમ–પ્રદાન છે તે, આ બીજો વર્ગ જ ‘ઉંચો’ ગણાવો જોઈએ . એને બદલે એ જ વર્ગ ઉપેક્ષીત રહે છે !

 આ બધાં પાછળનું એક મહત્ત્વનું કારણ એ છે કે, આ વર્ગ વીશાળ અને મહત્ત્વનો હોવા છતાં એ બોલકો નથી. એને પોતાની વાત સમાજ પાસે રજુ કરવાની કાં તો જરુર જણાઈ નથી, કાં તો એની પાસે એ માટે સમજ - સગવડ – સજ્જતા નથી કે પછી તાકાત જ નથી. આપણા સાંસ્કૃતીક - ધાર્મીક આગેવાનો, શીક્ષણાચાર્યો અને કેટલાક રાજા-મહારાજાઓએ પણ આપણને આ મોટા છતાં નબળા વર્ગ તરફ વધુ ધ્યાન આપવાનું સુચવ્યું છે.

 આવા સંજોગોમાં આજે જે કાંઈ કામો આ નબળા મોટા વર્ગના લાભાર્થે થઈ રહ્યાં છે તેની સંખ્યા બહુ નાની છે. આ વર્ગનો અવાજ બુલંદ કરીને સૌ સમક્ષ મુકવાનું કાર્ય સૌથી વધુ જરુરી અને તાકીદનું છે . આવાં કામોમાં દૈનીકો - સામયીકો ઘણાં મોટાં અને હકારાત્મક પરીણામો લાવી શકે છે .

 આવા જ મહત્ત્વના હેતુસર ગુજરાતનું એક સામયીક (પાક્ષીક)  યથાશક્તી કાર્ય કરી રહ્યું છે જેનું નામ છે ‘નયામાર્ગ’.  આ સામયીકે આજદીન સુધી વંચીતોને માટે જે કર્યું છે તેવું બહુ ઓછાં સામયીકો કરી શકે. સ્વ. ઝીણાભાઈ દરજીના પ્રબળ પુરુષાર્થે કરીને જે કેટલીક સામાજીક પ્રવૃત્તીઓ ગુજરાતમાં આરંભાઈ તેમાં ‘ગુજરાત ખેતવીકાસ પરીષદ’ સંસ્થાનું નામ બહુ ગણનાપાત્ર  છે. આ સંસ્થાએ વંચીતો અને દલીતો માટે જે પાયાનું અને નક્કર કાર્ય કર્યું છે તેને વાચા આપવા માટે ‘નયામાર્ગ’ નામથી આરંભાયેલા આ સામયીકે જબરો પ્રયત્ન કર્યો છે. સમાજસેવા માટે પોતાની બૅન્કની ઉજ્જવળ કારકીર્દીને ઠુકરાવીને આ મહત્ત્વના કાર્યમાં જંપલાવનાર શ્રી. ઈન્દુકુમાર જાની ** આ પાક્ષીકના વર્તમાન તંત્રી છે. વર્ષોથી આ સામયીકના પ્રકાશન દ્વારા તેમણે સમાજના કચડાયેલા આ મોટા અબોલ વર્ગની વાતને વાચા આપી છે. સામાજીક સંતુલન વીનાની કોઈ સેવાને સમાજસેવા કહી શકાય નહીં . ‘નયામાર્ગ’ પોતાની આ વાત ડંકાની ચોટ પર કહે છે.

 ‘નયામાર્ગ’ની એક બીજી પણ વીશેષતા તરફ ધ્યાન ખેંચવાનું મન થાય છે. કોઈ પણ સામયીક પોતાની વાત સમાજના વીશાળ વર્ગ સમક્ષ રજુ કરવા માટે ભાષાના માધ્યમને અવગણી શકે નહીં. ‘નયામાર્ગ’  એ અર્થમાં ગુજરાતીનાં સામયીકોને સરળ માર્ગ બતાવે છે. આપણી ભાષાના પંડીતોએ પોતાનો કક્કો ખરો રાખવા માટે જોડણીના જે અંધાધુંધ નીયમો કરી રાખ્યા છે તેને અતીક્રમીને ‘નયામાર્ગ’ નવો માર્ગ ચીંધી રહ્યું છે. આ સામયીક એવી જોડણીમાં લખાય છે જે ગુજરાતીમાં લખનારા - વાંચનારાને અનુકુળ હોય અને સૌને હાથવગી હોય.

 1999ના જાન્યુઆરીમાં ઉંઝા ખાતે પહેલી જોડણીપરીષદ ભરાઈ ત્યારે તેમાં હાજર રહેલા વીદ્વાનો, કર્મશીલો, સાહીત્યકારો, શીક્ષકો-અધ્યાપકો, તંત્રીઓએ બહુમતીથી જે અત્યંત મહત્ત્વનો નીર્ણય કર્યો, તેમાં ગુજરાતી ભાષાની જોડણીની અરાજકતાની સામેના એક આંદોલનને અવકાશ મળ્યો છે. આપણી ભાષા આજે અઘરી, અતાર્કીક અને અરાજકતાભરી જોડણીએ, સમાજના બહુ મોટા વર્ગને ગુજરાતી લેખન–વાચનથી દુર રાખ્યો છે. તેથી ઉંઝાના એ સંમેલનમાં ઠરાવાયું કેઃ– “ગુજરાતીમાં ‘ઈ-ઉ’ની જોડણીના વીદ્યાપીઠના કોશના નીયમો અતાર્કીક અને ઘણી અસંગતીઓથી ભરેલા છે, તેમ જ ગુજરાતી ભાષામાં ‘ઈ-ઉ’નું હ્રસ્વત્વ-દીર્ઘત્વ અર્થભેદક ન હોઈને એ અવાસ્તવીક પણ છે. તેથી એ નીયમો હવે છોડી દેવા અને લેખનમાં સર્વત્ર એક  ‘ઈ’ અને ‘ઉ’ યોજવા.”

 આ ઠરાવ જેવો મંજુર થયો કે તરત જ એને અનુસરવાનો દૃઢ સંકલ્પ કરનાર અને પુરી નીષ્ઠાથી અમલમાં મુકનાર તે શ્રી . ઈન્દુકુમાર જાની ! ‘નયામાર્ગ’ નો અંક પ્રેસમાં તૈયાર થઈને પડ્યો હોઈ સંમેલન પછીના તરતના બીજા જ અંકથી એમણે આ નવી  ‘ઉંઝાજોડણી’માં અંકો છાપવાનું શરુ કરી દીધું જે અવીરતપણે આજે પણ ચાલી રહ્યું છે. શ્રી. ઈન્દુકુમારે તો સંમેલનનીય પહેલાંથી આ અંગેનો નીર્ણય મનોમન કરી જ લીધો હતો,  બલકે એમણે તો એકવાર હળવાશથી એમ પણ કહ્યું હતું કે, આ આંદોલનના પ્રણેતાઓ પણ જો આમાંથી ડગે તોય  ‘નયામાર્ગ’ તો આ ઠરાવને જ વળગી રહેશે ! આજે ઈન્દુભાઈના સંચાલનથી કાર્યરત ‘ગુજરાત ખેતવીકાસ પરીષદ’ની ઓફીસ પર જ, જેને કોઈ પણ પ્રકારનું ભંડોળ નથી એવી આ ‘ગુજરાતી ભાષાપરીષદ’ની કામગીરી ચાલી રહી છે. એટલું જ નહીં, આ પરીષદની કામગીરીના પ્રસાર-પ્રચારના સમાચાર તેમ જ ભાષા વીષયક કટલાક મુદ્દાઓ ચર્ચવાના હેતુસર વીદ્વજ્જનોના લેખો સમાવતી, દર બે મહીને એક વધારાની આઠ પાનાંની  ‘ભાષાવીચાર પુર્તી’ (સંપાદકઃ મનીષી જાની અને કીરણ ત્રીવેદી) પણ ‘નયામાર્ગ’માં એમના સૌજન્યથી નીયમીત પ્રકાશીત થાય છે.

 ‘નયામાર્ગ’ હંમેશ સૌને માર્ગ બતાવી રહ્યું છે ત્યારે   વંચીતો માટેના તેના આ પાયાના અને અતી મહત્ત્વના કાર્યનું વધુ ને વધુ પ્રસારણ થાય અને વંચીતો માટેનો અવાજ વીશ્વસમસ્તના વીશાળ વર્ગને સંભળાય તે પણ એટલુ જ તાકીદનું છે.

 આના જ અનુસંધાને સૌ કોઈ એવું ઈચ્છતા હતા કે ‘નયામાર્ગ’ ઈન્ટરનેટ ઉપર પણ ઉપલબ્ધ થાય. આ સમગ્ર યોજનાનો અર્થાત્ ‘વંચીતલક્ષી વીકાસપ્રવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજરચના’ માટે જેની પ્રતીબદ્ધતા છે તેવા ‘નયામાર્ગ’ને વેબસાઈટનું સ્વરુપ આપવાનો ઉત્તમ વીચાર, ‘ સન્ડે ઈ–મહેફીલ’ના સંપાદકો પૈકીના સુરતના નીવૃત્ત ભાષાશીક્ષક શ્રી. ઉત્તમ ગજ્જરને આવ્યો, જેઓ ‘ઉંઝાજોડણી’ના મીશનરી ધગશવાળા સમર્થક અને પ્રચારક છે . આ વીચાર તથા યોજનાને ટૅકનીકલ સ્વરુપ આપવાના ‘ધર્મકાર્ય’માં, મુળ સુરતના અને હાલ ચેન્નાઈસ્થીત સોફ્ટવેર કંપનીમાં કાર્યરત એવા નવયુવાન મીત્ર ભાઈ શ્રી. હીમાંશુ મીસ્ત્રીનો બહુમુલ્ય સાથ–સહકાર સાંપડ્યો છે.

 વેબસાઈટની સામગ્રીના સંપાદનની અને અંકોને અપલોડ કરવાની જવાબદારી, સુરતના બે શીક્ષકો શ્રી ઉત્તમ ગજજર અને શ્રી સુનીલ શાહ સંભાળવાના છે. સુનીલભાઈ વીજ્ઞાન શીક્ષક છે, યુવાન છે અને ઉભરતા કવી છે.

 આમ, ગુજરાતમાં, ભારતવર્ષમાં અને દુરસુદુર દેશાવરમાં પણ વસતાં લાખો ગુજરાતી પરીવારોમાં હવે ગુજરાતની આ વીચારધારા અને પ્રવૃત્તી વીશેની જાણકારી પહોંચશે. આપ સૌ તે વાંચો, વીચારો, ચર્ચો અને એક માનવતાવાદી પુરુષાર્થ તરીકે યથાશક્તીમતી વંચીતો માટેના આ અવાજને બુલંદ બનાવવા સારુ સમર્થન બક્ષો, બસ એ જ અમારો આનંદ.

 ‘નયામાર્ગ’ના આ નવા માર્ગને હું અંતરના ઉમળકાથી વધાવું છું.

–ડૉ. યોગેન્દ્ર વ્યાસ

પુર્વ નીયામક, ભાષા–સાહીત્યભવન, ગુજરાત યુનીવર્સીટી, અમદાવાદ

સંપર્કઃ ૩૪૭–સરસ્વતીનગર, અમદાવાદ–૩૮૦ ૦૧૫ ફોનઃ (૦૭૯) ૨૬૭૫ ૨૬૭૫

**********************************************************

** શ્રી. ઈન્દુકુમાર જાની, તંત્રીઃ ‘નયામાર્ગ’ પાક્ષીક, અને કાર્યકારી પ્રમુખઃ ‘ખેતવીકાસ પરીષદ’, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, આશ્રમ માર્ગ, અમદાવાદ–૩૮૦ ૦૨૭

ફોનઃ કાર્યાલય–૦૭૯ ૨૭૫૫ ૭૭૭૨   ઘરેઃ–૦૭૯ ૨૬૩૦ ૩૪૧૫

For your comment and opinion write to
Sunil Shah : nayaamaarg@gmail.com

  ‘નયા માર્ગ’ ના જુના અંકો જોવા–ડાઉનલોડ કરવા નીચે જુના અંકો પર કલીક કરવું.

તમારી કુંડળીમાં કયા ગ્રહો-આગ્રહો પડ્યા છે, ક્ષમાજી ?!

**********************************************************************************
મંગલમય આકાશમાં શીતળ શીતળ ચાંદલીયો.
–જુગલકીશોર.
**********************************************************************************
સ્નેહલ ક્ષમા,

તારો પત્ર મળ્યાને ઘણો સમય વીતી ગયો. જવાબવાનું શક્ય જ નહોતું. હુંય બબ્બે મરણોને સાવ નજીકથી જોઈ આવ્યો. બંને અત્યંત વૃદ્ધત્વ સાથે પનારો પાડનારાં હતાં. પણ આજે એની વાત કરવી નથી.

વચ્ચે ચુંટણીઓય આવીને જતી રહી. લોકશાહીને નામે જે કાંઈ જોયું -સાંભળ્યું એણે પણ ખાસ્સો સમય માંગી લીધો, મનના સમાધાન માટે. આજકાલમાં હવે એનાં પરીણામોય પ્રગટશે ત્યારે વળી બધું ડહોળાયું ડહોળાયું થઈ રહેશે…

પણ આજકાલ આકાશમાં જોવા મળી ગયેલો મંગળનો ગ્રહ મારા અસ્તીત્વને ઝણઝણાવી ગયો. આટલો સાવ નજીક આવીને એ, ધરતીના પુત્ર તરીકે આપણો સગ્ગો ભાઈ, આપણી બાજુમાં આવી ગયો એટલે એનો રોમાંચ પણ માણી લીધો. આકાશ આખું એના અસ્તીત્વથી શોભી ઉઠ્યું લાગ્યું મને તો. એને હંમેશાં અ-મંગળ તરીકે જ જોવા ટેવાયલાં સૌ પ્રારબ્ધવાદીઓને લપડાક મારી દે એવું એનું વ્યક્તીત્વ મને ગમી ગયું. અહીંની વેધશાળામાં જઈને જોવા મન થયું ન થયું ત્યાં તો ટીવીવાળાંઓએ એનાં સરસ દર્શન પણ કરાવીને મને મજો કરાવી દીધો.

આ આકાશ કેવી અદ્ભુત ચીજ છે ! અબજો સુર્યમાળાઓને પોતાના ઉદરમાં સંઘરીને બેઠેલું આ આકાશ આમ તો સાવ નીંભર લાગે નહીં ક્ષમા ! બધ્ધું જ બધ્ધું હજમ કરી જવાની ઉદર-ક્ષમતા ધરાવતું આ આકાશ પણ આપણે માટે તો, ક્ષમા સાવ હાથવગું હોય છે ! આપણે એને એ રીતે જોવા ટેવાયલાં નથી, બાકી કાકાસાહેબ કાલેલકરે જેલની કોટડીમાંથી એને નીરખી નીરખીને જે વર્ણવ્યું છે એનો જોટો ગુજરાતી સાહીત્યમાં જડતો નથી. એ આકાશના એક ટુકડાના દર્શન કરવા જેલની કોટડીમાં આઘા-પાછા ને ઉંચા-નીચા થતા એમને કલ્પીને હું તો  એમનો દીવાનો થઈ ગયો. ત્યાર પછી આવું આકાશદર્શન ક્યાંય કોઈએ કરાવ્યાનું સાંભળ્યું નથી. મને આકાશગામી કંઈક અંશેય કરવામાં એમનાં પુસ્તકો ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ વગેરેનો બહુ મોટો ફાળો છે. એમાંય ‘દેવોનું કાવ્ય’ નામક એક લેખ તો કાકાસાહેબના પરીચય માટેનો મહત્વનો લેખ છે. તને યાદ છે ને આપણે સાથે બેસીને એ લેખોને પીધા હતા !

આજકાલ આકાશે ચન્દ્ર વીલસી રહ્યો છે. પુનમ નજીકમાં જ છે. શીયાળાની શીતળતાને એકદમ વધારી મુકતા આ ચન્દ્રભાઈ, આમ તો આપણા મામા, આખી રાત માથા ઉપર ઝળુંબી રહે છે. જ્યારે પણ ઉંઘ ઉડી જાય ત્યારે ઓશરીમાં બહાર નીકળીને એને હલો કહી લઉં. મધ્યરાત્રીએ મારા સીવાય એને હલ્લો કહેવાવાળું કોઈ ન હોય એટલે એય એકદમ રાજી થઈને મને એકાદ કીસ ગાલ ઉપર મોકલી આપે. અમે બે જ આ વાત જાણીએ.

મને તો ક્ષણીક એમને કહેવાનુંય મન થઈ જાય, કે મામા, એક બીજી છોડી પણ છે, મારા ગામથી ઓતરાદી; એનેય એકાદી  બચી ભરી આપોને ! પણ ક્ષમા, તારા એવા નસીબ ક્યાંથી ?! તું તો એ..યને મઝાની રજાઈમાં ઢબુરાઈને કોને ખબર કેવાંય સ્વપ્નોમાં રાચતી હઈશ ! તારા નસીબમાં આવો શીતળ શીતળ ચાંદલીયો ક્યાંથી હોય ! હું તો શીયાળાની હીમ જેવી કાતીલ રાતમાંય મામાને નીરખતો નીરખતો અનીર્વચનીય એવી અનુભુતીમાં ખોવાઈ-ઢબુરાઈ જાઉં…

લો કરો વાત, ક્ષમાજી ! આજે તો આમ જ બસ આકાશી સફર થઈ ગઈ. મંગળના ગ્રહે મને આ મંગળમય કાર્ય કરાવ્યું. મારા માટે કન્યાનું માગું લઈને કોઈ દીકરીનો બાપ ભવીષ્યમાં પુછશે, કે ભાઈ તમારે જન્મકુંડળીમાં શની-મંગળ છે ? તો હું તો કહીશ કે હાજી, હું માંગલીક જ છું !! મંગળના આજકાલનાં દર્શને હું તો મંગલમ્ મંગલમ્ જ છું !

તમારી કુંડળીયે, ક્ષમાજી, કયા ગ્રહો-આગ્રહો રહેલા છે, કહેશો જરા ?!!
લી. નીખીલમ્, અને [તમારા સાન્નીધ્ય થકી સદા] અખીલમ્.

દવે સાહેબને જુભાઈનો એક પત્ર.

સ્નેહી શ્રી હરીશભાઈ,

અમદાવાદના જ, જીવરાજપાર્કથી લખનાર જુગલભાઈના જય (નેટ)જગત !

તમે અને હું બન્ને અમદાવાદમાં જ શ્વસી રહ્યા હોવા છતાં એની ખબર છેક સુરેશભાઈના બ્લોગમાં મદદરુપ બનવાનું થયું ત્યારે જ પડી ! હું અહીં જીવરાજપાર્કે અને તમે છે…..ક થલતેજે.

જોયું, એક જ ગામમાં છતાં મેં છે…ને લંબાવીને આ નહીંવત્ એવા દુરત્ત્વને કેટલું વધારી મુક્યું !!  અમેરીકામાં બેઠેલા સુરેશભાઈના સંદર્ભે આપણી દુરી તો કાંઈ વીસાતમાં ન ગણાય. છતાં વાતનો રેલો જ્યારે પગ નીચે આવી જાય છે ત્યારે પ્રમાણ- ભાન જતું રહેતું હોય છે…!

આપણે બંને આમ તો એક જ વ્યવસાયી ગણાઈએ, ખરું ને હરીશભાઈ. પણ જ્યારે ખબર પડી કે આપણે હવે આ ઈંન્ટરનેટ પર પણ સરખું અને સાથે જ કામ કરવાનું છે ત્યારે મને ઘણી નીરાંત થઈ ગયેલી. મને તો આ મેઈલ કરવા સીવાય કશું જ આવડે નૈ. તમે આ કામ સરળ કરી મુકેલું.

સુરેશભાઈ જોકે આંગળીને ટેરવે જ હતા; એમની મદદ ગમે ત્યારે અને ગમે તેટલીવાર લઈ શકાય તેમ હતું જ છતાં એક જ ગામમાં હોવાનો અહેસાસ મને તમારી મદદ જ લેવા મજબુર કરતો રહેલો. અને તમે પણ આ નવા નીશાળીયાને સમયની બંધણી વગર હાથટેકો આપતાં જ રહ્યા !

એ દીવસોય વીતી ગયા. એક દીવસ મને થયું કે સુરેશભાઈએ બનાવી આપેલો ‘શાણી વણીનો શબદ’ જેવો બીજો બ્લોગ હું જાતે કેમ ન બનાવી શકું ?! કોમ્પ્યુટરની કોઈ જ પ્રકારની જાણકારી વગર મેં નીર્ણય કરી લીધેલો. પણ અધવચ્ચે જ ગાડું ઘાંચમાં ! આપણા રામ તો મુંઝાઈને બેઠા, દાઢીએ હાથ દઈને ! હવે શું ? અને એક બ્લોગ તો અરધોપરધો બનાવીને ટીંગાડી જ દીધો - નહીં આવડે એમ માનીને !

પણ ઓચીંતા જ તમે યાદ આવ્યા.

         કોઈ તકલીફ પડી ને તમે યાદ આવ્યા; 
         કશો વાંધો પડ્યો ને તમે યાદ આવ્યા !
         મેં તો કીધા કૈં  નુસખા અપાર -   
         બહુ અટવાયો,ત્યાં જ તમે યાદ આવ્યા !
અને એ દીવસે હારીથાકીને તમારા ફોનનું (સદાય હાથવગું) દોરડું ખખડાવ્યું ! આપણા ફોન વીજ્યન આપતા નથી, એટલે તમે કેવી તકલીફ લઈને મારી ભેર્યે આવ્યા હશો એ તો ‘જોઈ’ શક્યો નહોતો, પણ સતત ત્રણેક દી’ સુધી તમે મને મારો નવો સ્વતંત્ર બ્લોગ ‘NET-ગુર્જરી’ બનાવવામાં દીલ દઈને મદદ કરી ! ને એમ, આ માસ્તર પોતાના નવા, સ્વતંત્ર અને ઉંઝા જોડણીમાંના જગતના સૌ પ્રથમ બ્લોગના ધણી થયા !!

એ જ બ્લોગ ઉપર તમે ગુજરાતનો ઈતીહાસ લખ્યો. એના એકપછી એક કેટલા બધા હપ્તા તમે લખી આપ્યા ! આજે એ બ્લોગ ગુજરાતી ભાષા અને સાહીત્યનું કેટલું બધું ભાતું પીરસી શક્યો છે ! આપણી ભાષાનાં અનેક મુલ્યવાન પાસાં એના ઉપર મુકાતાં રહ્યાં છે, ને હજી મુકાતાં જ રહેશે.

પણ જ્યાં સુધી NET-ગુર્જરીને લાગેવળગે છે ત્યાં સુધી એના બાહ્ય નકશીકામ પર તમારાં આંગળાંની છાપ મને સ્પષ્ટ અને સુરેખ દેખાયાં કરી છે.

આપણે બન્ને શીક્ષકો. બન્નેએ કેટલીક વાતો એકસુરથી મુક્યાં-કહ્યાં કરી છે. આ નેટજગતમાં ઘણું ખુટે છે એમ કહેવા કરતાં ઘણું બધું થઈ શક્યું છે એનો સંતોષ એટલો બધો અને એવડો મોટો છે કે આપણી વાતો બહુ સંભળાતી નથી છતાં એનો ક્ષોભ નથી. આપણા બ્લોગર્સના મોટાભાગનાંઓ ગુજ.ભાષાના માણસો જ નથી ! છતાં એ લોકોની ભાષાની તડપન જ એવડીબધી છે કે એમની પારાવાર ભાષાભુલોય મને તો મોંઢે ચોંટેલા માખણશી અરઘાતી લાગી છે !!

નેટ પર ઉંઝાજોડણી બાબતે યુધ્ધ છેડાઈ પડ્યું ત્યારેય મને એમાં માઠું લાગ્યું નહોતું. મને ખબર હતી કે આ વાત જ અહીં અસ્થાને છે. જોડણી જેવી સાવ છેલ્લે આવતી નાનકડી વાતને આગળ કરીને મારે આ નેટસ્થ લોકો દ્વારા જે કાંઈ ભાષાપ્રેમથી ઉગી-ફુટી નીકળ્યું છે તેને સહેજ પણ લસરકો પડવા દેવો નહોતો….

અને મારો તો એ અધીકાર પણ નહોતો ! હું તો આ જગતમાં બહુ મોડો આવ્યો હતો. ભાષાનો માણસ ખરો, પણ ભુલો કરીનેય મઝાનું ને પારાવાર લખનારાંઓ પાસે તો હું નવોસવો ગણાઉં. મને બહુ જ આનંદ હતો, એ વાતે કે દુનીયાભરમાં સૌ આ નેટડે (નેસડે ?) બેસીને કેવા જલસા કરે છે ! મને પડેલી ગાળો એ આનંદમાં ક્યાંય ભુલાઈ-વીલાઈ ગયેલી હો, હરીશભાઈ.

આ દીવસો યાદ કરું છું ત્યારે હું મને ધન્યતાના શીખરે જોઉં છું. કાલસવારનો આવેલો એક માસ્તર, જુકાકા બનીને, ઘણાંકનો ભાષાશીક્ષક બનીને પોતાનાં કવીતડાંય ઠબકારવા માંડે એનો હરખ અવર્ણનીય છે ને રહેશે…

હરીશભાઈ, તમે અને હું બન્ને, આ ક્ષેત્રે એવું કશું કરી શકવાના ખરા, જેના દ્વારા આવતીકાલની નેટ-ગુજરાતીના વીકાસમાં, એના ભંડોળમાં, એની શુદ્ધીમાં, એની કક્ષામાં અને એની અનેકવીધ શક્યતાઓમાં કાંઈ પણ કીમતી ફાળારુપે આપી શકીએ ?

જો ના, તો ચંત્યા નથી. પણ જો હા, તો જોજો હરીશભાઈ, આપણો ભાષાપ્રેમ કશુંક તો એવું કરી જ શકશે જેને માટે આપણે ગૌરવ લઈ શકીએ. આજે તમારા બ્લોગ પર તમે જે પીરસી શક્યા છો, પીરસી રહ્યા છો એનું મુલ્ય બહુ ઉંચું છે. હુંય પાછો તો નહીં જ પડું. …

પણ હજી પંથ લાંબો - બહુ લાંબો છે. તમારી ફરીયાદોમાં વજુદ છે. આપણે સૌ જે દીશામાં દોડી રહ્યાં છીએ તેમાં માહીતીની દૃષ્ટીએ અપાર હોવા છતાં ભાષાની દૃષ્ટીએ, આયોજનબદ્ધતાની દૃષ્ટીએ અને કંઈક એકતાની દૃષ્ટીએ કશુંક ખુટતું હોવાની ચીંતા રહ્યાં કરે છે…

પણ મારો વીશ્વાસ મને કહે છે કે આપણને આ સ્થીતીએ લાવી મુકનારને જ એ ચીંતા સોંપી દઈએ નહીં ?! મુ.રતીકાકા પાસે એ કીરતાર કેટલું કામ કરાવી શક્યો છે ! રતીકાકાનું કામ, એમનાં દામ અને એમનો દમ (શક્તી), એમની ભાષાપ્રીતી, એમની ખંત અને ચીવટ…કેટકેટલું ગણાવી શકાય એટલું છે !! એમને કીરતારે ગુજ.ભાષાનો ગોવર્ધન ઉપાડવાની આજ્ઞા અને શક્તી બન્ને આપ્યાં. આપણને કીરતાર લાકડીટેકણ કરવાની શક્તી  નહીં આપે શું ?!!

શક્તીની માગણી આપણે કરશું જ; બાકી ભક્તીની વાતે તો આપણેય ટુંકા નહીં જ પડીએ, એટલી ધરપત આજે, આ પત્રનીમીત્તે સૌને આપીશું, હરીશભાઈ ?

આજે આટલું બસ. ( આ કાંઈ થોડું તો નથી જ !)ઝાઝું લખ્યું, થોડું ગણીને વાંચશો !! તમારો સહયોગી,

–જુગલકીશોર


પત્રોમાં પુષ્પોની ફોરમ !

વાચક સંખ્યા :

  • 1,672 hits

પત્રમંજુષા

December 2007
M T W T F S S
« Nov   Jan »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31