Archive for January, 2008

‘સપ્તક’નો દુનીયાનો નંબર વન જલસો ! 45 રાગો !

ભાઈબંધ વીનોદ,

આમ તો તને ડૉ. વીનોદ લખવું રયું ! ગુજરાતીભાષા-સાહીત્યમાં ડૉક્ટરેટ થયા પછી આગળ ડૉ. લગાડાય તે સારું લાગે જ. પણ આપણી ભાઈબંધીમાં ઈવડું ઈ આડું આવે હૉ ! નકામું વચાળે આવીને નડે; છેવટ કનડે તો  ખરું.

ગયા વખતે તને આંયાં અમદાવાદમાં સંગીતનો જે જલસો થૈ ગ્યો એની વાત માંડી’તી. ઈમાં તેરે તેર દી’નો કારયકરમ  તને લખી મેકલ્યો હતો. તને ઈ ગમ્યો ‘તો એવો ઈસારો તારા ટેલીફોનમાં હાંભળીને હવે આજ આ બીજો ભાગ પણ તને મેકલી દઉં છું.

13 દીવસ લાગલગાટ સાસ્ત્રીય સંગીતના જલસા દુન્યામાં ક્યાંય થાતા નથી એવું તો ઈ જલસામાં આવેલા મોટા કલાકારોય કે’તા’તા હો, ભાઈ વીનુ ! હંધાયે એક વાત તો વારે વારે કીધી’તી કે આવો જલસો દુન્યાના કોઈ દેસમાં નથી થાતો. એટલું જ નહીં હંધાયે એય કીધું’તું કે અમદાવાદ જેવા હાંભળનારાંય બહુ ઓછી જગ્યાએ હોય છે !

મારી વાત તને ખોટી લાગતી હોય ને તો પુછી જોજે અમેરીકાથી આવેલા ડૉ.રાજેન્દ્રભાઈ ત્રીવેદીને ! ઈવડા ઈ ઠેઠ અમેરીકાથી આવીને આંયકણે આ જલસામાં ઠેઠોઠેઠ લગણ બેશીને જલસો માણતા’તા !  ઈ શીવાય, હમણા અમદાવાદ-મુંબઈમાં નાનકડા જલસાઓ ગોઠવીને આ નેટજગતનું ધ્યાન ખેંચનારા ‘ધબકાર’ના જુવાનીયાઓનેય પુછી જોજે, કે આ જુગલભાઈની વાતું હાવ ગપ્પાષ્ટક તો નથી ને ?! ઈવડાં ઈ માળા આગલી લાઈનું રોકીને જલસો માણતા’તા, બોલો ! ઈ ‘ધબકાર’ના જુવાનોનેય મઝો તો પડી ગયો હશે કારણ કે  ઈમાંના કેટલાક તો પાછા તબલચી છે ! જબરું વગાડે હો, ભાઈ વીનુ !

પણ હું તો આ આડી વાતે સડી ગ્યો. આજ તો મારે તને આ 13 દી’ના જલસામાં જે બધા રાગ ગવાયા કે વગાડાયા ઈ હંધાય તને વંચાવી દઉં એમ થાય છે. ઓહોહો, ભાઈ ! આ 13 દી’માં ગાયનવાળા ને વાજીંત્રું વગાડનારાં હંધાયે મળીને તને નવાઈ લાગશે પણ 44 રાગ-રાગીણીઉં વગાડી’તી !! એમાં 20 તો બબ્બે-ત્રણત્રણ વાર બજાવાયેલી, એટલે બધી થઈને 64 આઈટેમું હતી, બોલો.  આજ તો ફકત ઈની યાદી જ કરીને મોકલવા વચાર છે. બાકી તો ઈમાંનું ઘણુંય છે, તને લખવાનું. પણ આજ તો આ યાદી જ ફકત. લે જોઈલે ઈ હંધાય રાગ :
—————————————————————
‘સપ્તક’માંના કુલ રાગો :
 
1]  ગોરખ કલ્યાણ (ત્રણ વાર )
2]  પુરીયા કલ્યાણ
3]  શામ કલ્યાણ (બે વાર)
4]  પરજ
5]  ખમાજ અને મીશ્ર ખમાજ
6]  ઝીંઝોટી
7]  દુર્ગા (મારો પ્રીય રાગ, હો !)
8]  કૌશી કાનડા (માલકંસ-દરબારીનું મીશ્રણ) બે વાર
9]  માંજ ખમાજ
10] ભૈરવી (રાગોની રાણી કેવાય છે; ત્રણ વાર)
11] ભુપાલી
12] નારાયણી
13] રસીકપ્રીયા (કર્ણાટકી)
14] જોગ અને જોગકૌંસ (ત્રણ વાર)
15] શંકરા (વીરરસપ્રધાન રાગ)
16] સોહીણી અને વસંત સોહીણી
17] સરસ્વતી (કર્ણાટકી)
18] ખરાડી
19] બીહાગ,હેમબીહાગ, મારુબીહાગ( છ વાર )
20] નંદ
21] અભોગી અને અભોગી કાનડા
22] મીશ્ર પહાડી (બે વાર)
23] ગુર્જરી તોડી (સવારનો રાગ હોઈ રવીવારની સવારની સભામાં)
24] જોનપુરી ( ઉપર મુજબ )
25] બ્રીન્દાવની સારંગ (બપોરનો પણ રવીવારે સવારે મોડેથી ગવાયેલો)
26] આદી વસંત
27] દરબારી (બે વાર)
28] અડાણા
29] તીલકશામ (પંડીત રવીશંકરે સર્જેલો; તીલકકામોદ-શામકલ્યાણનું મીશ્રણ)
30] રાજેશ્વરી (ભીન્નકૌંસ)
31] ચન્દ્રનંદન (પાચેક જાણીતા રાગોનું મીશ્રણ)
32] કાફી (ટપ્પા)
33] પુરીયા ધનાશ્રી
34] બાગેશ્રી ( મારો વહાલુડો ને ત્રણ વાર !)
35] પીલુ
36] યમનકલ્યાણ
37] જનસંમોહીની
38] ભીન્નષડજ
39] માલકૌંસ (રાગોનો રાજા)
40] મારવા
41] નટભૈરવ
42] મીશ્ર માંડ
43] બસંત-બહાર
44] પુર્વી
45] પ્રાદેશીક લોકસંગીત આધારીત ગીતો-ભજનો (પાંચેક) 

—————————————————————
બસ તો ભાઈ વીનુ, આજ તો આટલું જ. પણ યાદ રાખજે, ટેમ મળશે તો આ જલસાની એવી કેટલીક વાતું છે જેને સાંભળીને મઝો જ પડી જાય ! પણ ઈ હંધુ આજ નૈં !
હંભારીને ક્યારેક જવાબ દેજે. પોસ્ટકાર્ડ પચ્ચી ફદીયાનું જ આવે છે હો !! તારો ભાઈભંધ, જુ.

સંગીતજગતનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય સમારોહ !!

‘સપ્તક’ : આંતરરાષ્ટ્રીય સંગીત સમારોહ : 1

પ્રીય વીનુ,

આજે તને ઘેર બેઠાં મળી રહે એવા સંગીત સમારોહની વાત કરવા આ લખી રહ્યો છું. તને નીમંત્રણ તો વારંવાર આપીને મારું મોં દુખી ગયેલું પણ તા.1 થી 13 જાન્યુઆરી દરમીયાન રજા લઈને અમદાવાદ મારે ઘેર ધામા નાખવાનું તને ન સુઝ્યું તે ન જ સુઝ્યું ! એટલે છેવટે પછી આમ રીપોર્ટ લખીને મારા જીવને સંતોષ અને તારા જીવને ‘હાશ, અમદાવાદનો ધુમાડો ખાવામાંથી બચ્યાં’નું સુખ આપવા વીચારીને ‘સપ્તક’ના વીશ્વપ્રસીદ્ધ સંગીત સમારોહની વાતો એક પછી એક લખી મોકલીશ. છેવટે તું જીત્યો એનુંય ગૌરવ કરીશ, એમ માનીને કે તેં એટલા દીવસના રોટલા મારા બચાવ્યા !!

આજે પ્રથમ હપ્તામાં ફક્ત આ 13 દીવસોના કાર્યક્રમની યાદી જ આપીશ પરંતુ આગળ જતાં હું તને એ સમારંભની કેટલીક અદ્ભુત વાતો પણ પીરસીશ જે વાંચીને તું મંત્રમુગ્ધ ન થાય તો જ નવાઈ ! તો સાંભળ આ 13 દીવસીય, વીશ્વના સૌથી લાંબા શાસ્ત્રીય સંગીત સમારોહના કાર્યક્રમની વીગતો : [આ યાદીમાં જેમના નામની ઉપર * આવી ફુદડી હોય તેઓ કાં તો ‘સપ્તક’ના વીદ્યાર્થીઓ હશે કે કાર્યકરો-અધ્યાપકો હશે]

આ સમારોહ શાસ્ત્રીય સંગીતની દુનીયાનો સૌથી લાંબાગાળાનો અને મોટો સમારોહ ગણાય છે તેવો અભીપ્રાય મારા ખીસ્સાનો નથી હોં, વીનું !! સમારંભ દરમીયાન ઓછામાં ઓછાં પાંચેક આંતરરાષ્ટ્રીયમહાન કલાકારોએ આ વાત જાહેરમાં કહી છે !! હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે છેલ્લાં સાતેક વરસથી આ અલભ્ય લાભ લઈ શકું છું. પરંતુ આપણામાં ગમતાંનો ગુલાલ કરવાની જે વૃત્તી રહેલી છે તેના કારણે જ આ લાભ કમસે કમ રીપોર્ટ દ્વારા તો સૌમાં વહેંચી શકું એ ભાવ આ પત્ર પાછળ રહેલો છે.
===============================================================


તારીખ : 1-1-’08
  (દરરોજ  8.30 પી.એમ.થી 2.00 એ.એમ.)

1]   શહેનાઈવાદન : ઉસ્તાદ અલી એહમદ હુસેન ખાન [મદદરુપ],એહમદઅબ્બાસ અને હસન હૈદર [તબલાં]  સન્દીપબેનરજી[સુર મંડલ] એહમદ અલી  [સુર પેટી] પલ્લબચેટરજ[દુક્કડ] બીરીશ્વર ભોમીક.
2] ગાયન  : વીકાસ પરીખ* [તબલાં] માતંગ પરીખ*  [હાર્મોનીયમ] કીશોર કુંતે [સારંગી] અલ્લા રખા કલાવંત*.                
3] તબલા :  [જુદાજુદા ઘરાણાના] પંડીત વીજયશંકર મીશ્રા[કંડક્ટર] ; સર્વ શ્રી પ્રવીણ કરકરે  [અજ્રાણા]; અમીત કુમાર [પંજાબ]; સચીન શર્મા[લખનૌ]; ઝાકીર અખ્તર [ફરુખાબાદ]; હેતલ મહેતા* [બનારસ]; ઉમેશ મોઘે [દીલ્હી]; હાર્મોનીયમ : શીશીરચન્દ્ર ભટ્ટ* ; સારંગી : સરવર હુસૈન.
4] ગાયન  : શુભા મુદ્ગલ તબલા : અનિશ પ્રધાન; હાર્મોનીયમ : વલવાલ્કર
—————————————————————
તા. 2–1-’08


1] સિતાર  :  ઉસ્તાદ સુજનખાન તબલાં : સંદીપ દાસ.
2] ગાયન  : રુપાંદે  શાહ* ; તબલા : વિનોદ વૈષ્નવ* ; હાર્મોનીયમ: રાજુ ગંધર્વ*.
3] બાંસુરી વાદન  :  પંડીત હરિપ્રસાદ ચોરસિયા  ; તબલા : વિજય ઘાટે.
—————————————————————
તા. 3-1-’08

1] ગાયન : શ્રીમતીઅલકનંદા પલ્નીતકર ; તબલા :રામસ્વરુપરાતોનીયા;હાર્મોનીયમ: યામીનખાન* ; સારંગી : ફારુખ લતીફખાન.
2] સંતુર  : રાહુલ શર્મા ; તબલાં : આદીત્ય કલ્યાણનપુર.
3] ગાયન  : પંડીત જસરાજ ; સહાયક: રતન મોહનશર્મા ; તબલાં : નંદન  મહેતા*[સપ્તકના સ્થાપક-સંચાલક] તબલાં-સહાયકકુ. હેતલ મહેતા* ; પખવાજ : હેમંત ભટ્ટ* ; હર્મોનીયમ : મુકુન્દ પેટકર.
—————————————————————
તા.4-1-’08

1] સારંગી : ઉસ્તાદ સુલ્તાન ખાન ; સારંગી-સહાયક : દીલશાદ ખાનઅને સબીરખાન ; તબલાં : નંદન મહેતા *; તબલાં સહાયક : પ્રવીણ શીંદે *.
2] ગાયન : પંડીત ઉલ્હાસ કાશલકર  ; તબલાં : ગોપાલ મીશ્રા ; હાર્મોનીયમ : પુરુષોત્તમ વલ્વલકર.
3] સીતાર : ઉસ્તાદ નીશાત ખાન ; તબલાં : ઉસ્તાદ રશીદ મુસ્તફા થીરકવા
—————————————————————
તા. 5-1-’08

1] ગાયન : કુ. કલાપીની  કોમકલી  ; તબલાં : સંજય દેશપાંડે ; હાર્મોનીયમ : અમીત ઠક્કર *
2] સીતાર-જુગલબંધી : શ્રીમતી મંજુ મહેતા * (સપ્તકનાં સ્થાપક-સંચાલક) ;  અને ક્રીષ્નમોહન ભટ્ટ ; તબલાં : અક્રમખાન
3] ગાયન : પંડીત અજય ચક્રવર્તી ; તબલાં : ગોપાલ મીશ્રા ; હાર્મોનીયમ : બ્રીજેશ્વર મુખર્જી
—————————————————————
તા. 6-1-’08  રવીવાર ( સવારની સભા 9.30 થી )

1] સીતાર : નરેન્દ્ર મીશ્રા ; તબલાં : સંદીપ દાસ
2] પંડીત રાજન મીશ્રા/ સાજન મીશ્રા ; તબલાં : અરવીંદ આઝાદ ; હાર્મોનીયમ : ઉસ્તાદ મહમુદ ધૌલપુરી
—————————————————————
(સાંજની સભા : 8.30 પી.એમ. થી )


1] ગાયન  : શ્રીમતી સુમીત્રા ગુહા
; તબલાં : નીહાર મહેતા* ; હાર્મોનીયમ: યામીન ખાન* ; સારંગી : કમાલ સાબ્રી
2] સીતાર : ગૌરવ મજમુંદાર ; તબલાં : પંડીત પુરન મહારાજ*
3] ધ્રુપદ-ગાયન : ઉસ્તાદ વસીફુદ્દીન ડાગર ; પખવાજ : મોહન શ્યામ શર્મા
—————————————————————
તા. 7-1-’08

1] ગાયન  : શ્રીમતી મોનીકા શાહ ;  તબલાં : વીનોદ વૈષ્ણવ* ; હાર્મોનીયમ : રાજુ ગાંધર્વ*
2] સમુહ-સીતાર વાદન  (17 સીતાર, એક સરોદ)  : સપ્તકનાં કલાકારો–વીદ્યાર્થીઓ* : તબલાં : સપન અંજારીયા *
3] ગાયન  : ઉસ્તાદ શૌકત હુસૈન ખાન *; તબલાં : પંડીત પુરન મહારાજ* ; હાર્મોનીયમ : ઉસ્તાદ મહમુદ ધૌલપુરી ; રમેશ મીશ્રા : સારંગી      
4] સંતુર : પંડીત શીવકુમાર શર્મા  ; તબલાં : ઝાકીર હુસેન
—————————————————————
તા. 8-1-’08

1] સરોદ : સુનીલ મુખરજી ; તબલાં : અકરમ ખાન
2] ગાયન  : શ્રીમતી મીતા પંડીત  ; તબલાં : વીનોદ લેલે ; હાર્મોનીયમ : અમીત ઠક્કર * ; સારંગી : રમેશ મીશ્રા
3] તબલાં-સોલો : ઉસ્તાદ સાબીર ખાન ; સહાયક : અરીફ ખાન ; સારંગી : મુરાદ અલી
4] ગાયન : ઉસ્તાદરશીદખાન;તબલા: સત્યજીત તલ્વલકર; હાર્મોનીયમ :ઉસ્તાદમહમુદધૌલપુરી ;સારંગી:ઈકરામખાન
—————————————————————

તા. 9-1-’08

1] ગાયન  : કુ. નીના વીર્દી (લંડન) ; તબલાં : શબ્બીર હુસૈન* ; હાર્મોનીયમ: અજય જોગલેકર; સારંગી:અલ્લારખાકલાવંત*
2] તબલાં-સોલો : ધ્રુવ કોઠારી* ; હાર્મોનીયમ : જાજ્વલ્ય શુક્લ*
3] ગાયન : હરીચરન વર્મા ; તબલાં :સુધીર પાંડે ; હાર્મોનીયમ : મયંક વર્મા ; સારંગી : મોઈનુદ્દીનખાન
4] સીતાર : ઉસ્તાદ શહીદ પર્વેઝ ; સહાયક: શકીરખાન ; તબલાં : પંડીત કીશન મહારાજ; સહાયક: શુભ શંકર
—————————————————————
તા.10-1-’08

1] ગાયન : મહેન્દ્ર તોકે ; તબલાં : નકુલ મીશ્રા ; હાર્મોનીયમ : શીષીરચન્દ્ર ભટ્ટ *
2] સીતાર : પુરબીયાન ચેટરજી ; તબલાં : ફઝલ કુરેશી
3] ધ્રુપદ-ગાયન : ઉમાકાંત ગુંડેચા અને રમાકાંત ગુંડેચા ;  પખવાજ : અખીલેશ ગુંડેચા
——————————————————

તા. 11-1-’08

1] સંતુર : અભય રુસ્તમ સોપોરી ; તબલાં : મીથીલેશ ઝા
2] ગાયન : રીતેશ / રજનીશ મીશ્રા ; તબલાં : વીનીત વ્યાસ ; હાર્મોનીયમ : રાજુ ગાન્ધર્વ*
3] મોહન વીણા : પંડીત વીશ્વમોહન ભટ્ટ ; સહાયક : સલીલ ભટ્ટ ; તબલાં : રામકુમાર મીશ્રા
—————————————————————
તા. 12-1-’08

1] સરોદ : સૌગતો રોય ચૌધરી  ; તબલાં : દેબજ્યોતી સન્યાલ
2] ગાયન : કુ. શાંતી શર્મા ; તબલાં દેવેન્દ્ર દવે ; હાર્મોનીયમ : સુધીર યાર્ડી
3] વાયોલીન : પંડીત ડી. કે. દાતાર ; સહાયક : રત્નાકર ગોખલે ; તબલાં : અરવીંદ આઝાદ
—————————————————————
તા. 13-1-’08  (પુર્ણાહુતી દીવસ )

1] કથ્થક નૃત્ય : શ્રીમતી માધવી ઝાલા ; તબલાં : પૃથ્વીરાજમીશ્રા* ;પખવાજ: પ્રવીણ શીંદે *; હાર્મોનીયમ-કંઠ : ચીરંજીલાલ તનવર ; સારંગી : ભારતભુશણ ગોસ્વામી ; સીતાર : મનુ સીન
2] ગાયન : પાર્થસારથી દેસીકન ; તબલાં : સુભાશીશ ભટ્ટાચાર્ય ; હાર્મોનીયમ : અજય જોગલેકર
3] સીતાર : મેહબુબ નદીમ ; તબલાં : પૃથ્વીરાજ મીશ્રા *
4] ગાયન : કુ. કૌશીકી ચક્રવર્તી ; તબલાં : સુભાશીશ ભટ્ટાચાર્ય ; હાર્મોનીયમ : અજય જોગલેકર
===============================================================
ભાઈ વીનુ !

તને વાંચીને કાંઈ ખ્યાલ આવ્યો ? આ સમારંભમાં વીશ્વકક્ષાના સંગીતકારોનાં નામો તો છે જ પણ કેટલાંકે તો દર્શાવી દીધું હતું કે તેઓ હવે વીશ્વકક્ષાએ બેસી શકે એવી તૈયારી કરી ચુક્યાં છે !!
આજે તો આટલું ઘણું થઈ ગયું ! સપ્તક સમારોહની વધુ વીગતો આંકડામાં હવે પછી આપીશ. સપરીવાર કુશળ હશો. સમય મળે તો અભીપ્રાય લખજે જરુર. 

–તારો, આજે આ લખીને ખુબ ખુશ મીત્ર, –જુ.

જઠરાગ્નીના મહાયજ્ઞમાં સમીધ ઉમેરી શકીશું, ક્ષમા ?!

કરમની કઠણાઈના કાગડા કાળી કીકીયારીયું કરે છે.       

–જુગલકીશોર. 

*******************************************

સ્નેહલ ક્ષમા,

તારો પ્રકૃતીપ્રેમ મને પહોંચ્યો છે. આ પત્ર એની પાવતી રુપે સ્વીકારજે. આ પ્રકૃતીવંદના મેં જ શરુ કરી હતી, ગયા પત્રથી. એના જ અનુસંધાને આ તારો પત્ર હોઈ એનીય વંદના કરી લઉં તો એને નકારીશ નહીં.

પણ પ્રકૃતીને હમણાંથી નવા જ સ્વરુપે જોવાનું બને છે. આ સખત રીતે જામી ગયેલો શીયાળો એક નવી જ વેદનાને જન્માવી રહ્યો છે. એની અનુભવગાથા પણ આપણા આ પત્રવ્યવહારમાં ડોકીયું ન કરે તો જ નવાઈ…

મારે ઘેરથી થોડેક જ દુરથી રોડની આખી એક વસાહત શરુ થઈ જાય છે. હમણાંથી પાછું રોડના સમારકામની ઋતુ શરુ થઈ ગઈ છે. એમાં કામ કરતાં મજુર કુટુંબોમાં તાજાં જ જન્મેલા બાળકથી માંડીને વૃદ્ધત્ત્વને આરે બેસીને મૃત્યુની આતુરતાથી રાહ જોઈ રહેલાંઓનો સમાવેશ થાય છે. આમાંનાં કહેવાતાં સશક્ત એવાં સૌ દીવસભર કાળી મજુરી કરીને સાંજે ઘેર આવે છે ત્યારે એક નીરાંતની હુંફ સૌમાં ફરી વળે છે. મજુરીએ ન જઈ શકેલાંઓમાંનાં કોઈએ જે કંઈ રાંધવાની શરુઆત કે તૈયારી કરી  હોય તેના સહારે પછી આગળની સાંજના ડીનરની ભવ્યાતીભવ્ય તૈયારીઓ ચાલુ થઈ જાય છે…

આવા શબ્દ પ્રયોગેને મઝાક ન ગણીશ, ક્ષમા ! ડીનરની આ તૈયારીઓ અનેક રીતે ભવ્યાતીભવ્ય હોય છે ! જે કાંઈ રકમ ખીસ્સામાં કે વીંટો વાળેલાં ગોદડાંમાં પડી હોય કે હોવાની શક્યતાઓ તપાસવાની હોય તે કરીને પછી જે કાંઈ હાથ લાગે તેને વેપારીને ત્યાં કણસતા જીવે મુકી દઈને ‘આજનું મૅનુ’ તૈયાર કરવાનું હોય છે. અથવા તો ઉધાર લાવીને બેવડો માર એ ‘મૅનુ’માં ઉમેરવાનો હોય છે.

ગઈ કાલે બાજુવાળા કોઈ સનીયાની પાસેથી ઉછીનાં લીધેલાં કરગઠીયાં પાછાં આપવાનું બની શકે એમ નથી એટલે સનીયાની વહુનાં મેણાંય આ ‘મૅનુ’માં ભેળવવાનાં હોય છે ! એ પછીય જે કાંઈ શાક કે ચટણીનો મેળ પડે તે પાડવાનો હોય છે.

ગયા મહીને ઘરમાં બેસી રહેતી ઘરડી માએ આજુબાજુની સોસાયટીઓમાંથી ‘વાળુ’માગી લાવવાનો નુસખો એણે પોતે જ સુઝાડ્યો હતો ને બધી શરમ છોડીને ‘બે..ન, વાળુ આલી જાજો, બાપા !’ એવો ક્યારેય ન કર્યો હોય એવો લહેકો શીખીનેય થોડું માગી આવી હતી મા. તે દી’ એમનું ડીનર કંઈક જુદી ભાતનું જ બની રહ્યું હતું ! એક બાજુ જુદી જ જાતની ભાવી જાય એવી વાનગી મળી હતી ને સાથે સાથે કોઈનું એંઠું-વાસી ખાવાની વેદનાય એ ડીનરને જુદી ભાતની બનાવી ગઈ હતી !

પણ અક્કરમીનો પડીયો કાયમ કાણો જ હોય એમ દરરોજ સોસાયટીઓમાં જઈને વાળુ માંગવાનો હક ધરાવતા સફાઈવાળાં કુટુંબીજનોને ખબર પડી જતાં રાડો પાડીને સોસાયટી ગજવી મુકેલી કે “આયાં તમારે માગવા નૈ આબ્બાનું, હમજ્યાં !” [એક બેન બચાડાં વાળુહક્ક ધરાવનારને આપીને વધારાનું માને આપવા ગઈ તો એનોય ઉધડો લઈ નાખેલો.] આવા સંજોગમાં માગી ખાવાનો ચાનસ પણ ઝુંટવાઈ જતાં એ જુદી ભાત્યના ડીનરનુંય છેવટ પડી ભાંગ્યું હતું.

પણ આપણે તો વાત કરતાં હતાં, ક્ષમા,ભવ્યાતીભવ્ય ભોજન-કાર્યક્રમની. દરરોજનું દરરોજ લાવીને ખાનારાં આ કુટુંબોને કાંઈ ફટાફટ વાનગીઓ બનાવી નાખવાની નથી હોતી ! એમને તો પૈસા શોધવાથી માંડીને મેણાં-ટોણાં સાંભળવાનાં; આખો દીવસ માવતરથી દુર રહીને થાકેલાં ને ભુખલ્યાં થઈ ગયેલાં છોકરાંવને ઠપકારીને   છાનાં રાખવાનાં; બળતણના અભાવે કાચું રહી જવાની શક્યાતાવાળું જમવાની માનસીક તૈયારી રાખવાની; એમાંય ઉતાવળમાં માંડ લાવી રાખેલી તેલની શીશી ઉંધી પડી ન જાય તેનુંય ધ્યાન રાખવાનું ને છેવટ જતાંય જો કોઈ આવી ચડ્યું હોય તો એનેય આગ્રહ કરીને પોતાનું પેટ અધુરું રાખવાની તૈયારી…આ બધુંય જોવા કારવવાનું હોય છે.

આ ભવ્ય તૈયારીને કેવળ રસોઈની તૈયારી કહીને મઝાક કરવાની શક્તી કે હીંમત મારામાં નથી. પણ ક્ષમા, ભલે દરરોજ કંઈ આવું બનતું ન હોય તોય મને તો  એ લોકોને સાંજે રસોઈ કરતાં જોઉં એટલે આ બધુંય જાણે દરરોજની ભવ્ય તૈયારી જ લાગે. પાપી પેટને ભરવા માટે કેવી અને કેટલી તૈયારી કરવાની હોય એ તો આ ભવ્ય મહેનતુ લોકોને જ ખબર હોય. ક્ષમાજી ! આપણે ક્યારે આવું અનુભવવાનાં ?!

આ શીયાળો આવે એટલે મને એમનાં બાળકોની કાલ્પનીક ચીસો રાત આખી સંભળાયાં કરે. ઉનાળો આવશે એટલે મચ્છરોના ઍક્યુપંક્ચરોથી સારવારાતાં બાળકો સાંભરશે. પણ સૌથી ભુંડું તો ચોમાસું, હો ક્ષમા. એક જગ્યાએથી બીજી જગ્યાએ હડીયાપાટી કરીને ઘરવખરીને અને પ્રાણપ્યારાંઓને સાચવવાના એમના ધખારા તો આપણાથી કલ્પી જ ન શકાય. કઈ સરકાર આ ધખારો સમજવાની છે ?!

આજે કોણ જાણે કેમ પણ મને પ્રકૃતીની આ લીલા પણ સાંભરી ગઈ. કર્મના સીદ્ધાંતમાં મગ્ન રહેનારાંઓ ઘણીવાર શાહમૃગી વૃત્તીનાં પ્રતીકો છે. કોઈનેય આ દયનીય સ્થીતી ગમે નહીં. પણ એ બધાં કરી પણ શું શકે ? આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ક્યાં, કઈ રીતે દઈ શકાશે; કોણ દઈ શકવાનું છે ?! એટલે પછી કર્મના સીદ્ધાંતને આગળ કરીને મન મનાવી લેવાનું, બીજું શું !!

ક્ષમા, તારો ગામડે જઈને બેસી જવાનો વીચાર જો પ્રકૃતીપ્રેમ અને શાંત જીવન પસાર કરવા માટેનો હોય તો તે આત્મવંચના જ ગણવી. જોકે તું એમાંની નથી પણ ગામડે શું કે શહેરમાં શું, કરમની કઠણાઈના કાગડા તો બધે જ કાળી કીકીયારી કરે છે.

આપણે તો આ દેશની જઠરાગ્નીના મહાયજ્ઞમાં કંઈ પણ સમીધ નાખવાનું ભાગ્ય મળે એવી કામગીરી શોધવી રહી. તારી સાથે શક્ય બનશે તો આવા જ કોઈ ભવ્યાતીભવ્ય ભોજનયજ્ઞમાં ભાગ લેવાનું સ્વપ્ન સેવું તો એને સમજવા મથજે.

આજે તો આટલું જ. [ આ ય કાંઈ ઓછું છે ?! ]
–નીખીલ.

                              —===000===—

જનેતાનેય ભુલી જતો માનવી પ્રકૃતીને ભુલી જાય તો શી નવાઈ ?!

–જુગલકીશોર.

પ્રીય નીખીલ,

તેં આકાશની વાત કરી, ગ્રહોનીય વાતો કરી. પણ ગ્રહોની સાથે તેં આગ્રહોનેય જોડીને તો વાતને એક સ્થાનેથી સાવ નવા જ સ્થાને લાવી મુકી દીધી. બાકી હતું તે મારી કુંડળીમાં કયા ગ્રહો [ને આગ્રહો પણ !] પડ્યા છે એની ઈન્ક્વાયરીય કરી લીધી !

ભઈ, આપણે તો માંગલીકેય નથી અને અમાંગલીકેય નથી. શબ્દોની કેવી રામાયણ છે ! મંગળના ગ્રહને નામથી આપણે મંગલ કહીએ, એનું સ્થાન કુંડળીમાં અમુક ચોક્કસ જગ્યાએ હોય તો એ વ્યક્તીને માંગલીક પણ કહીએ અને છતાં કુંડળીમાં એ પડ્યો હોય એટલે એને પરણનાર વ્યક્તીનું અમંગળ જ થાય એવુંય માની લઈએ, મનાવતાં રહીએ અને એવી વ્યક્તીને કોઈ પોતાની પસંદગીની વ્યક્તી સાથે પરણવાય ન દઈએ !!

આપણાં કેટલાંક શાસ્ત્રોએ, કહો કે મોટાભાગનાં શાસ્ત્રોમાંનાં કેટલાંક પ્રકરણોએ આપણને સાવ જ પછાત રાખ્યાં છે. પોતાની પસંદગીનો વર કે ગમતી વહુ લઈ આવવાનુંય આપણા હાથમાં નહીં ! આપણને તો ટીપણીયો જ્યોતીષી બતાવે તેની સાથે ચાર ફેરા ફરી લેવાના. લગ્ન પછી એ બન્ને સુખી થયાં કે દુ:ખી તેની તપાસ કરવા એ કદી આવવાનો નહીં. એને તો એની શી પડીય હોય ?!

આકાશે વીહરતા રહેતા આ બધા ગ્રહોની આપણા શરીર પર તો અસર થતી જ હશે. કારણ કે જો સાગરમાં પણ છેક આકાશે રહેતો ચન્દ્ર પુનમની ભરતી લાવી શકે તો આપણા શરીરમાં આટલો મોટો પાણીનો ભાગ હોય ત્યારે ભલે નાનકડી પણ ભરતી તો લાવતો જ હશે ને ! [ એ સ્ટોર્મ ઈન એ કપ ઑફ ટી ] પરંતુ આ મંગળ, શની અને અન્ય રાહુ-કેતુ જેવા આકાશી ભમરડાઓ આપણને એટલાં બધાં હેરાન કરી નાખે ખરા ? અને કદાચેય અસરો કરી શકે તો આપણામાં દૈવી તત્ત્વોએ મુકેલી અપાર શક્તીઓનું શું ? આપણા મનુષ્યપણાનું શું ? આપણે તો, ‘न मानुषात् श्रेष्ठतरं हि किंचित् |’ મનુષ્યથી ના અદકું કંઈય !’ માનનારાં છીએ. અને છતાં આ ગ્રહોનાં બંધાયાં [ અને બંધાવ્યાં પણ ! ] બંધાઈ જઈએ છીએ.

કાકાસાહેબના લેખો તો જેમણે માણ્યા હોય તે જ જાણે કે પ્રકૃતીની લીલાઓમાં માણસ ધારે તો કેટલો રમમાણ થઈ શકે ! આપણો શહેરી સમાજ કોઈને કોઈ બહાનુ કાઢીને પ્રકૃતીથી અલગ થવાના પસ્તાવા રજુ કરતો રહે છે. આકાશી દર્શનની તો વાત જ શી કરવી ! શહેરી સમાજમાં હવે પ્રકૃતી એ સમય વેડફવાનું નકામું પરીબળ ગણાય ! પૈસો અને પ્રતીષ્ઠા કમાવામાં માણસને આપણને સદાય જીવાડનારી આ પ્રકૃતી પાસે જવાનો સમય નથી ! કેવી છે આ જીંદગી ! પોષનારું જ હવે અકારું બની ગયું છે.

આ જ વાત, માણસના બદલાઈ ચુકેલા સ્વાભાવમાંય પડઘાતી રહે છે. જે રીતે એણે પોષનારી પ્રકૃતીને તરછોડી છે એ જ રીતે આજનો માણસ પોતાના ઉપર અનેક ઉપકારો કરનારાં માણસો અને સંસ્થાઓનેય તરછોડી દેતાં અચકાતો નથી. સગી જનેતાનેય જાકારો દઈ શકતો માણસ પ્રકૃતીને ભુલી જાય એમાં શી નવાઈ ?!

મને તો લાગે છે, નીખીલ, કે માણસજાત વૃક્ષો, પર્વતો, નદીઓ, જળાશયો વગેરેથી જેટલો દુર જશે એટલો એ નીષ્ઠુર થવાનો. પ્રકૃતીના ખોળે રહેતો માનવી અને આસફાલ્ટ રોડ પર ટાંટીયા ઘસતો રહેતો મનુષ્ય સાવ અલગ અલગ જ જણાવાના. પ્રકૃતીથી દુર જવામાં કોઈ સાર આપણે કાઢી શકવાનાં નથી, જોજે, નીખીલ.   આપણે દુ:ખી - બહુ દુ:ખી થઈ જવા માટે ઉત્સાહથી ક્યાંક અગોચર તરફ, અનીષ્ટ તરફ જઈ રહ્યાં છીએ.

થાય છે કે હવે કોઈ ગામડે જઈને બેસી જઈએ. આમેય હવેની સરકારોને શહેરીકરણથી બચીને ગામડાંઓને યાદ કરવાનું સુઝ્યું તો છે જ ! આપણેય ક્યાંક કોઈ ગામડું ખોળીને  પલાંઠી વાળી લઈએ એવું બહુ મન થાય છે.

પણ આપણા ગ્રહો [ ને ક્યાંય કદાચ આગ્રહોય ] કામ કરતાં હશે તો ?!! એનેય પુછવું તો પડશે જ ને ???!

તમે શું કહો છો અખીલમ્ ?
સર્વ મંગલકામના સાથે, ક્ષમાની પ્રકૃતીવંદના.

                                 —===000===—


પત્રોમાં પુષ્પોની ફોરમ !

વાચક સંખ્યા :

  • 1,672 hits

પત્રમંજુષા

January 2008
M T W T F S S
« Dec   Feb »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031