Archive for February, 2008

સ્વ. સ્નેહરશ્મીના હાઈકુ-ખજાનામાંથી કેટલાંક !!

મારા પ્રીય ગુજરાતી મીત્ર જુ,

તારો પત્ર મને મળ્યો જેમાં તેં હાઈકુ અંગે ઘણી વાતો ટુંકાણમાં આપી છે. પણ તને ખ્યાલ ન રહ્યો હોય તો જણાવું કે હું જાપાની માનવ હોઈ મારા આ અતી પ્રીય સાહીત્યસ્વરુપ વીષે ઘણું જાણું છું. એની સાબીતી રુપે આજે હું જ તને એક સરસ માહીતી મોકલી રહ્યો છું જે જાણીને તને ખુબ જ આનંદ થશે. 

 માર્ચ ‘69ના ‘સંસ્કૃતિ’ માસીકમાંથી મને પણ એક લેખ શ્રી ચંન્દ્રશંકર ભટ્ટનો મળી આવ્યો છે જેમાં એમણે સ્નેહરશ્મીના હાઈકુસંગ્રહ “સોનેરી ચાંદ…..”નું રસદર્શન જેવું વીવેચન કરીને એમનાં હાઈકુઓનો આપણને તરબતર કરી મુકે એવો ખજાનો ખોલી આપ્યો છે ! આ લેખને જ આધારે એની કેટકીલ બાબતો સાવ સંક્ષેપમાં તને મોકેલીને તારા પ્રેમનો બદલો વાળવા ઈચ્છું છું !!  

સાંભળ, ભાઈ જુ ! [ તારું આખું નામ તો જાણતો નથી પણ અમારે જાપાનમાં અમારા કદની જેમ નામો પણ ટુંકાં જોવા મળે છે. તારું આ જુ નામ જાપાની જેવું જ લાગ્યું એટલે આત્મીયતાય વધી !]  

આ લેખમાં શ્રી ભટ્ટે સ્નેહરશ્મીનાં હાઈકુસંગ્રહમાંથી વીણી વીણીને સુંદર હાઈકુઓનો પરીચય કરાવ્યો છે તેને ફક્ત શીર્ષક આપીને જ તારી અમક્ષ મુકી રહ્યો છું. એમણે સ્નેહરશ્મીનાં હાઈકુઓને અનેક વીભાગમં વહેંચીને અપણા માટે સરળતા કરી આપી છે, આ હાઈકુઓની અનેકવીધ ખુબીઓ સમજવા માટે. [ હવે આ બધાં હાઈકુને ત્રણ પંક્તીમાં રજુ કરવાં સહજ નથી તેથી એને તમારા અક્ષરમેળ છંદની જેમ સીધી લીટીમાં લખીને મુકીશ. દરેક લીટીને અંતે / આવું હાઈફન મુકીને પંક્તી છુટી વાચાવાની તકલીફ તારે લઈ લેવાની, સમજ્યો ભાઈ જુ ?! ]

——————————————————————————————– 

હાઈકુસંગ્રહનું સૌથી પ્રથમ હાઈકુ જાણે સંગ્રહનું ઉદ્ઘાટન કરતું હોય તે :

“હિમશિખરે / ફૂટે પરોઢ : અહો ! / સૂર્ય હાઈકુ ! ”

સ્નેહરશ્મીના કુમાશભર્યા જીવનનું દર્શન આ હાઈકુમાં થાય છે. તેઓની કવીસહજ કુમાશ વ્યક્ત કરતાં આ હાઈકુ જો :

નાજુક તારી / આંગળી ચૂંટે ફૂલ - / ઘવાય નેણ

પરોઢે ચૂંટું / ફૂલ હું ; ફૂલછાબ / બનતી ભીની

વર્ષા અને ચંન્દ્રનાં વીવીધ રુપો :

ઝાપટું વર્ષી / શમ્યું; વેરાયો  ચન્દ્ર / ભીના ઘાસમાં

પવન  દોડે — /  ઝીંકાય  પીઠે તાતાં  / વર્ષાનાં તીર

ગયું  ઝાપટું  / વર્ષી  : કીરણો  ભીનાં / હવે હવામાં
 ચન્દ્રનાં વીવીધ  રુપો  :

ભૂલી ગૈ ચંદા / મોગરાની  કુંજમાં  / ઓઢણી એની

ડુંગર  ટોચે / ચાંદો : ખીણે ચાંદની  /  રહી વીંધાઈ

ખંડ ખંડમાં / ભાંગી તળાવે  લસે  / ચંન્દ્ર અખંડ [વીરોધી સંયોજન દ્વારાઉપસતું ચીત્ર] ચઢે  આકાશે /  ચંન્દ્ર: પર્ણે ઝીલાતી  / ચાંદની  કૉળે  [પાંદડાં  પર  ચારુતાનું દર્શન]

પોયણી  વચ્ચે / તરે  હંસલો : ચંન્દ્ર /  ચઢ્યો  હિલ્લોળે [નાનકડા હાઈકુમાં ચાંદની-પોયણી-હંસની ધવલતા દ્વારા આભ અને જલરાશીનો વ્યાપ ગુંથાયો છે.]
મૃગની આંખે ચન્દ્ર :
બે ડાળ વચ્ચે / ઝલાયો ચન્દ્ર: જુએ / કૌતુક મૃગ

ચીત્રાત્મકતા :

સાગરે ઓટ / ચિતરામણ કાંઠે /  કરચલાનાં 

પર્ણ વિનાની / ડાળીઓમાં  સૂરજ / ટીંગાતો જાય

પંચેન્દ્રીયો દ્વારા અનુભવાતાં ચીત્રો :

ઊડી ગયું કો / પંખી કૂજતું : રવ  /  હજીયે  નભે

ઝૂંપડીઓના / ધૂમાડે  નંદવાયાં   /  રવિકિરણો  (ધુમાડાની ગતીલીલા)

ચડતી  પ્હાડે  / ગાડી : નીચે ખેતર  / ચગતાં  રાસે  ( ગતી)

ઠીંકરી  જળે /  ઠેકતી  જાય: સરે / ઝાંઝર  એનાં  (ગતી-ધ્વની : ગુજરાતીનું બહુ જાણીતું/માનીતું  હાઈકુ)

વીજ ગોખમાં  /  ચીતરી  ગૈ  ટહુકો /  કોક  અદીઠો (કાન-આંખ/ધ્વની-રંગોનું સંયોજન) લીલુડાં વૃક્ષ, / શ્યામ  પંખી : રૂપેરી  /  વાદળી : સૂર્ય (રંગલીલા)

નીલ આકાશે  / તરે  હંસલો : નીચે  / સાગર  નીલ  (આકાશ-સાગર-ને સાંધ્યાં રંગ/હંસથી !)

શ્યામ જલધિ  / ઊગે  ચન્દ્ર : રૂપેરી  /  છલકે  મોજાં ( રંગવીરોધ)

ભાવસ્પર્શથી આલેખાતાં વીવીધ  હાઈકુઓ :

પૂર્ણિમા મથે  / સમાવા  અબ્ધિ-હૈયે — / ચૂંદડી  લ્હેરે

નવવધૂએ  /  દીપ  હોલવ્યો : રાત  /  રૂપની  વેલ

પડે  ઊપડે  / પાંપણ  તારી  : જંપ / ન મારાં  નેણે

દેવદર્શને  / ગયો  મંદિરે : જુએ / વેણીનાં  ફૂલ  !

ઘરથી  વને  / ગયો  તો રસ્તે  વેલ / લજામણીની

જાગ્યું  બાળક /  પેખી  માને, મલકી /  ફરીથી  પોઢ્યું

પંખીનું  યુગ્મ / બાંધે ખંડેરે  માળો / બિસ-તંતુનો

ખખડે  સૂકાં  / પર્ણો નીચે;  ઉપર  /  કૂંપળ  ફૂટે

વ્હેરાય  થડ ; /  ડાળે માળા  બાંધતાં  /  પંખી કૂજતાં  [ આપણે  અહીં કૂજતાંની જગ્યાએ 'ધ્રૂજતાં' કરી શકીએ !]

નવાં  ફૂલોએ  /  ગયા  ઢંકાઈ   કાંટા /  જૂની  વાડના

પુરાણુ  ઘર : /   લ્હેરે  મધુમાલતી  /  આંગણે  નવી

એ જ પોલાદી  / ટેંક : રમે  છે  નીચે /  અળશિયાં  ત્યાં. (અળશીયાં  માટીના નવસર્જન માટે  જાણીતાં  છે)

હીરોશીમાની  /  રજ  લઈ  જનમાં /  ઘૂમે  વસંત (અતીત સાથે વર્તમાનનો મેળ/દરેક  કાંઠે  ખંડેર : /નદી  પુરાણી : વ્હેણ/જળનાં  તાજાં         પદાર્થપ્રતીક બને છે)

કૂંપળ  તાજી — / જુએ  યૌવના  આંસું  / આંખનાં  ખાળી
આશા-નીરાશા : મૃત્યુનું માંગલ્ય :  મુલ્યહ્રાસ વગેરે :
કપાયો  નભે / કનકવો : ફીરકી  / કરે  ભરેલી
અજાણ્યાં  ગયાં /  ખૂલી દ્વાર : કલગી  /  મૃત્યુને  કરે !
પેપરવે’ટ  /  સામે  મારી;  કાગળ / ચોગમ  ઊડે
પરોવાયા  આ /  મણકા  સૂત્રે :  છેડા / બે  હજી જુદા
ચન્દ્ર  નભમાં /  ફૂલ  લતાએ  : કુંજે / ટહુકો  નહીં !

નવી અભીવ્યક્તી :

વિપર્ણ  વૃક્ષ : / શાખાઓમાં વિલસે  / કલા શૂન્યની

પતંગિયું  ત્યાં / થયું  અલોપ : શૂન્ય / ગયું  રંગાઈ  ( ગુજ.નું જાણીતું-માનીતું  હાઈકુ) છાતીએ  શીલા / વદને  વજ્ર : નેણે /  છલકે  વાણી

અમાસ  ઘોર  / પ્રકાશ-છોળે હૈયાં  /  ઝાકમઝોળ

ગીચ  ઝાડીમાં  / અમાસ  મૂંગી ફરે  /  બોલે તમરાં

શિખરે  વેરે  / સૂરજ  સોનું : નીચે  / ખીણ અંધારી    (જાણીતાં હાઈકુ)

ભરું  પાણીડાં  / સવા  લાખની  મારી /  ચૂંદડી  કોરી     (            ) 

જુએ  હરિણી /  આંખ  સિંહની : હિમ /  વસંત-પુષ્પે

નિષ્કંપ કુંજે /  ફૂલ : શાંત સાગરે  / તરણી  મારી

સમાપન :

કલગી  આ મેં  / ગૂંથી  અન્યને  ફૂલે;  /  સૂત્ર    મારું 

( હાઈકુને ગુજ.માં લઈ આવનાર- સૂત્ર જ મહત્ત્વનું  હોય ને !!)
                                           —====000====—

  

હાઈકુ-વીશ્વની ટુંકી સફરે… : 1

જાપાની કાવ્યપ્રકાર હાઈકુની અલૌકીક દુનીયામાં…..!

–જુગલકીશોર====================

નોંધ : 
[મીની વેકેશન દરમ્યાન ઉ.જોશી સંપાદીત 'સંસ્કૃતિ'ના 1965-67ના અંકો --કનુભાઈ જાનીના આશીર્વાદથી -- મળી ગયા હતા. 1965ના ઓગસ્ટનો સંસ્કૃતિનો અંક હું સણોસરા ભણતો ત્યારે મેં વાંચ્યો હતો. એ અંકમાં સૌથી પ્રથમ વાર સ્નેહરશ્મીનાં 9 હાઈકુ પ્રગટ થયેલા તે આજેય યાદ છે. ગુજરાતમાં હાઈકુનો જન્મ આ રીતે થયો હતો !! [એ વાતનો જોકે વીરોધ પણ થયેલો] પણ સ્નેહરશ્મીને ગુજ.હાઈકુના જનક કહેવાય. એનો હાઈકુસંગ્રહ 365 રચનાઓ સહીત પ્રગટ થયો તેમાં એમણે અદ્ભુત કહી શકાય એવી અભ્યાસપુર્ણ પ્રસ્તાવના આપી છે. મારી આ લેખમાળા એના જ આધારે લખી છે. મારું તો ફક્ત લખાણ જ છે.
 
આશા છે, આ લેખમાળા કે જે મેં મારી ભાષા-શૈલીમાં મુકી છે તે સૌને ગમશે. –જુ.]

===============================================================
 
મારા પ્રીય કાલ્પનીક મીત્ર કાસુબાવા, 

તને થશે કે આ કોણ વળી નીકળ્યો, મને પ્રીય મીત્ર કહેનારો ઈંડીયન !! પણ જો ભઈલા, મારે તારી ગરજ પડી છે. વાત જાણે એમ છે કે મારે ચચ્ચાર બ્લોગ છે પણ એમાંના આવા પ્રકારનાં લખાણો માટે એક જ બ્લોગ હોઈ અને એ બ્લોગ પર લખાણોનો મારો ચાલતો હોઈ આ ‘પત્રમ પુષ્પમ’ બ્લોગનો  ઉપયોગ કરવો પડે એમ છે. અને એના પર લખવું હોય તો ટપાલ રુપે જ લખાય ને ! એટલે પછી પત્ર રુપે જ આખી લેખમાળા લખવાની છે. મીત્રો તો ઘણાય છે આ લેખમાળા સંબોધવા માટે પરંતુ આ વાત હાઈકુની હોઈ તમારા જાપાની ભાયું હારે વાત કરીએ તો ઠીક રે’ એમ વીચારીને તને આમાં નાખ્યો છે. 

તને કંટાળો આવે ને તોય તું કાંઈ ‘ના’ કહી શકવાનો નથી. મારા કેટલાય વાચકોની જેમ તુંય આ લેખમાળાને સહન કરજે, બીજું શું ?!! 

તો આપણે હવે મુળ વાત પર આવીએ.
આ હાઈકુ સમગ્ર વીશ્વમાં જે માન્યતા પામ્યું અને એમાં સૌએ જે રસ લીધો એમાં એની અનેકાનેક વીશેષતાઓ જણાઈ આવે છે. હાઈકુ એક ચમકારો-ઝબકારો હોય એટલું નાનું કદ ધરાવે છે. કાવ્યવીશ્વમાં એ સૌથી નાનું સ્વરુપ છે. છતાં એમાં અપાર શક્તી રહેલી જણાય છે. 1904-05ની સાલમાં રશીયા સાથે તમારે જાપાનીઓને જે લડાઈ થઈ એમાં તમે રાષ્ટ્રની રીતે ને શરીરના કદથીયે નાના હોવા છતાં રશીયાને જે સ્વાદ તમે ચખાડ્યો હતો તે યાદ આવી જાય છે, આ હાઈકુના કદ અને તેની વ્યાપક શક્તીઓની વાત કરતાંવેંત  જ ! 

તમે જાપાની લોકો હાથીદાંત પરના  મીનાકારી કામ અને ધાતુ પરના નકશીકામથી  જાણીતા છો જ. અને બોન્સાઈ તો તમારી જ પહેચાન છે, દુનીયાભરમાં ! આવી નાજુક કામગીરી જો હાઈકુ જેવા કાવ્યસ્વરુપમાં ન ઉતરે તો જ નવાઈ !! તમે લોકોએ સાહીત્યવીશ્વને આ હાઈકુ ( એને હાઈગા પણ કે’ છે ને ?)  આપીને મોટું કામ કર્યું છે. 

તને ખબર તો હશે જ ભાઈ કાસુબાવા, કે આ હાઈકુને લોકો 700 વરસનું જુનું ગણે છે પણ બહુ ઓછાને ખબર હશે કે એનાં મુળીયાં તો છેક 17મી સદીમાં નીકળે છે ! 1644-94 વચ્ચે થઈ ગયેલા હાઈકુના મહાન સર્જક બાશોની કૃતીઓ જોઈએ તો એનું યથાર્થ સ્વરુપ છેક ત્યાં જાતું નીકળે છે !

પણ ભાઈ બાવા, તેં મને એક વાત કીધેલી તે યાદ આવી ગઈ એટલે વચ્ચે જ કહી દઉં કે ગઈ સદીના 1957 આસપાસ જાપાનમાં “ધંધાકીય સફળ” ગણાય એવાં 50 સામયીકો ફક્ત (રીપીટ, ફક્ત) હાઈકુના પ્રકાશન માટે જ છપાતાં હતાં !! કમાલ છે ને ! પણ એનાથીય કમાલ તો એ મને લાગ્યું કે એમાંના કેટલાંક સામયીકો તો દર મહીને 1500 હાઈકુ પ્રગટ કરતાં હતાં ! ( આ 50 સીવાયનાં બીજાં મેગેઝીનો તો જુદાં હો ! ) અંદાજે દસ લાખ હાઈકુ વરસે દહાડે છપાતાં હતાં ! ( આ તો મનેય ગપ્પું લાગે છે પણ મેં તો વાંચેલું કહ્યું છે, તારા નામે !) અને હા, ‘તાંકા’ નામનો હાઈકુનો પ્રકાર પણ બહુ પ્રચલીત હતો પણ કાવ્યનાઆ બટુકસ્વરુપ જેવું અને જેટલું તો નહીં જ. 

હવે જો, કેવી મઝા થઈ છે; ઓચીંતાં જ આ તાંકાજીની ય વાત વચ્ચે આવી જ ગઈ છે તો ચાલને એનીય ભેગાભેગી કરી લઈએ વાત. આ તાન્કાની ય વાત જાણવા જેવી છે. ઈ તાન્કા વળી આ હાઈકુની મા થાય ઈ તને ખબર છે ?!  જો વાત એમ છે કે આરંભમાં 5-7-5-7-7 એમ કુલ પાંચ લાઈનોમાં અક્ષરોની ગોઠવણી થતી અને એને તાન્કા કહેતાં. આપણે ત્યાં ઘણા સમય પહેલાં વીદ્વાનોની વીદ્વત્તા માપવા અને એકજાતની સર્જનાત્મક પ્રવૃત્તીરુપે કાવ્યમાં પાદપુર્તી કરવાનું જાહેર આમંત્રણ અપાતું. એ માટે એકાદ લાઈન જાહેર થાય અને બાકી આગળની લાઈનો પુરી કરવા  જાહેર આમંત્રણ / ચેલેન્જ આપવામાં આવે. અથવા ત્રણ પંક્તી જાહેર કરીને છેલ્લી એક પંક્તી ઉમેરીને શ્લોક પુરો કરવા આહ્વાન આપાતાં.  મુશાયરાઓમાં તો આજે પણ એક પંક્તી જાહેર કરીને સૌ કવીઓને નીમંત્રણ અપાય છે જેને કાવ્યસંમેલનમાં રજુ કરાય છે.
[આપણામાંનો એક જાણીતો બ્લોગ 'સર્જન સહીયારું' તો આ કાર્ય નીયમીત રુપે કરે જ છેને.] 

હવે પાછો હું મુળ વાત ઉપર આવું. [જો ભાઈ કાસુબાવા, મને તો આમ વીષયાન્તર કરવાની ટેવ (કટેવ કે ?) છે જ. માસ્તર ખરોને ! એનાથી એકમાંથી બીજી વાતોય જાણવા મળી જાય એ લાભ-લોભ ખરો એટલે.]

તાન્કાની આ પાંચ લાઈનોમાં 5-7-5-7-7 અક્ષરો રહેતા. પણ ઘણીવાર આરંભની આ ત્રણ લાઈનો 5-7-5ને પ્રગટ કરીને બાકીની બે માટે પુર્તી કરવા ચેલેન્જ અપાતી હતી. એટલે પેલી ત્રણ મુળ પંક્તીઓનો પતંગ ઉડે અને બીજી બે પંક્તીઓનાં પુંછડાં ઉમેરાતાં જાય !! 

હાઈકુ શબ્દનું મુળ “હોક્કુ”માં છે. હોક્કુનો અર્થ થાય છે, “પ્રારંભીક કડી”. હોક્કુને માટે ‘હાઈકાઈ’ શબ્દ પણ યોજાતો. કોઈ અંગ્રેજી સાહીત્યકારે એને માટે સચોટ શબ્દ વાપર્યો છે, “Stop-short”  ! અર્થાત અહીં જ અટકો. અહીં આ ત્રણ પંક્તીમાં જ બધું આવી જાય છે, ને કાવ્ય પુર્ણતાને પામી જ ગયું છે ! જો કે ત્યાં સ્ટોપ થતાં જ એક ઈમેજ પ્રબળતાથી ભાવકચીત્તમાં ઝબકી ઉઠે છે જે એને ક્યાંનો ક્યાંય લઈ જાય છે. શાંત જળમાં પડતી એક કાંકરી જેમ અનેક વર્તુળો ઉભાં કરી દે કે આકાશમાં થતો એક તેજલીસોટો એની પાછળ ગડગડાટ સર્જી દે તે રીતે હાઈકુના સત્તર અક્ષર પુરા થતાં જ એક ઈમેજ, એક કલ્પન પ્રગટીને વાચકના મનમાં ભાવશૃંખલા જગવી જાય છે. 

જાહેર થયેલી ત્રણ પંક્તીઓ મહત્ત્વની બની રહેતી. વળી બનતું એવું કે સીદ્ધહસ્ત સર્જકો દ્વારા મુકાતી આ ત્રણ પંક્તીઓ એવી સચોટ રહેતી કે પાછલી પંક્તીઓ ફક્ત પુંછડી જ બની રહેતી. બીજી રીતે કહીએ તો ત્રણની પાંચ પંક્તીઓ કરવાનું કામ છાશમાં પાણી રેડવા જેવું બની રહેતું !! એટલે જ તો તાન્કાનું ચલણ સાવ નગણ્ય બની રહ્યું ને ! એ પુંછડી પછી (માણસની માફક) લગભગ નામશેષ થઈ, ને રહી ગયું કેવળ હાઈકુ; સંપુર્ણ અને સ્વતંત્ર - સુક્ષ્મ છતાં સશક્ત-સક્ષમ ! 

અને મીત્ર મારા, આ ત્રણ પંક્તીઓ જ વામનનાં વીરાટ ત્રણ પગલાં જેવી સાબીત થઈ. વામન કદ છતાં વીશ્વભરમાં એ સૌનું માનીતું કાવ્યસ્વરુપ થઈ ગયું. [ એ ભલે માનીતું થયું પણ સર્જકની આકરી કસોટી કરાવનારું જ બની રહ્યું કારણ કે એની સુક્ષ્મ અને સંકુલ રચનારીતી છે જ એવી. દુનીયાભરમાં એની આ અનન્યતા અંગે બહુ લખાયું છે. હવે પછી આગળ ઉપર એનીય વાત તને કહીશ.] 

તો, મીત્ર ! આજે તો આટલેથી જ સંતોષ લેજે. ( તને થશે કે આ કાંઈ ઓછું છે ! પણ હજી સહન કરવાને વાર છે. કેટલુંક તો અજાયબ છે,  આમાં.)

આવજે ! લી. તારો મીત્ર.


પત્રોમાં પુષ્પોની ફોરમ !

વાચક સંખ્યા :

  • 1,672 hits

પત્રમંજુષા

February 2008
M T W T F S S
« Jan   Mar »
 123
45678910
11121314151617
18192021222324
2526272829