સ્વ. સ્નેહરશ્મીના હાઈકુ-ખજાનામાંથી કેટલાંક !!

મારા પ્રીય ગુજરાતી મીત્ર જુ,

તારો પત્ર મને મળ્યો જેમાં તેં હાઈકુ અંગે ઘણી વાતો ટુંકાણમાં આપી છે. પણ તને ખ્યાલ ન રહ્યો હોય તો જણાવું કે હું જાપાની માનવ હોઈ મારા આ અતી પ્રીય સાહીત્યસ્વરુપ વીષે ઘણું જાણું છું. એની સાબીતી રુપે આજે હું જ તને એક સરસ માહીતી મોકલી રહ્યો છું જે જાણીને તને ખુબ જ આનંદ થશે. 

 માર્ચ ‘69ના ‘સંસ્કૃતિ’ માસીકમાંથી મને પણ એક લેખ શ્રી ચંન્દ્રશંકર ભટ્ટનો મળી આવ્યો છે જેમાં એમણે સ્નેહરશ્મીના હાઈકુસંગ્રહ “સોનેરી ચાંદ…..”નું રસદર્શન જેવું વીવેચન કરીને એમનાં હાઈકુઓનો આપણને તરબતર કરી મુકે એવો ખજાનો ખોલી આપ્યો છે ! આ લેખને જ આધારે એની કેટકીલ બાબતો સાવ સંક્ષેપમાં તને મોકેલીને તારા પ્રેમનો બદલો વાળવા ઈચ્છું છું !!  

સાંભળ, ભાઈ જુ ! [ તારું આખું નામ તો જાણતો નથી પણ અમારે જાપાનમાં અમારા કદની જેમ નામો પણ ટુંકાં જોવા મળે છે. તારું આ જુ નામ જાપાની જેવું જ લાગ્યું એટલે આત્મીયતાય વધી !]  

આ લેખમાં શ્રી ભટ્ટે સ્નેહરશ્મીનાં હાઈકુસંગ્રહમાંથી વીણી વીણીને સુંદર હાઈકુઓનો પરીચય કરાવ્યો છે તેને ફક્ત શીર્ષક આપીને જ તારી અમક્ષ મુકી રહ્યો છું. એમણે સ્નેહરશ્મીનાં હાઈકુઓને અનેક વીભાગમં વહેંચીને અપણા માટે સરળતા કરી આપી છે, આ હાઈકુઓની અનેકવીધ ખુબીઓ સમજવા માટે. [ હવે આ બધાં હાઈકુને ત્રણ પંક્તીમાં રજુ કરવાં સહજ નથી તેથી એને તમારા અક્ષરમેળ છંદની જેમ સીધી લીટીમાં લખીને મુકીશ. દરેક લીટીને અંતે / આવું હાઈફન મુકીને પંક્તી છુટી વાચાવાની તકલીફ તારે લઈ લેવાની, સમજ્યો ભાઈ જુ ?! ]

——————————————————————————————– 

હાઈકુસંગ્રહનું સૌથી પ્રથમ હાઈકુ જાણે સંગ્રહનું ઉદ્ઘાટન કરતું હોય તે :

“હિમશિખરે / ફૂટે પરોઢ : અહો ! / સૂર્ય હાઈકુ ! ”

સ્નેહરશ્મીના કુમાશભર્યા જીવનનું દર્શન આ હાઈકુમાં થાય છે. તેઓની કવીસહજ કુમાશ વ્યક્ત કરતાં આ હાઈકુ જો :

નાજુક તારી / આંગળી ચૂંટે ફૂલ - / ઘવાય નેણ

પરોઢે ચૂંટું / ફૂલ હું ; ફૂલછાબ / બનતી ભીની

વર્ષા અને ચંન્દ્રનાં વીવીધ રુપો :

ઝાપટું વર્ષી / શમ્યું; વેરાયો  ચન્દ્ર / ભીના ઘાસમાં

પવન  દોડે — /  ઝીંકાય  પીઠે તાતાં  / વર્ષાનાં તીર

ગયું  ઝાપટું  / વર્ષી  : કીરણો  ભીનાં / હવે હવામાં
 ચન્દ્રનાં વીવીધ  રુપો  :

ભૂલી ગૈ ચંદા / મોગરાની  કુંજમાં  / ઓઢણી એની

ડુંગર  ટોચે / ચાંદો : ખીણે ચાંદની  /  રહી વીંધાઈ

ખંડ ખંડમાં / ભાંગી તળાવે  લસે  / ચંન્દ્ર અખંડ [વીરોધી સંયોજન દ્વારાઉપસતું ચીત્ર] ચઢે  આકાશે /  ચંન્દ્ર: પર્ણે ઝીલાતી  / ચાંદની  કૉળે  [પાંદડાં  પર  ચારુતાનું દર્શન]

પોયણી  વચ્ચે / તરે  હંસલો : ચંન્દ્ર /  ચઢ્યો  હિલ્લોળે [નાનકડા હાઈકુમાં ચાંદની-પોયણી-હંસની ધવલતા દ્વારા આભ અને જલરાશીનો વ્યાપ ગુંથાયો છે.]
મૃગની આંખે ચન્દ્ર :
બે ડાળ વચ્ચે / ઝલાયો ચન્દ્ર: જુએ / કૌતુક મૃગ

ચીત્રાત્મકતા :

સાગરે ઓટ / ચિતરામણ કાંઠે /  કરચલાનાં 

પર્ણ વિનાની / ડાળીઓમાં  સૂરજ / ટીંગાતો જાય

પંચેન્દ્રીયો દ્વારા અનુભવાતાં ચીત્રો :

ઊડી ગયું કો / પંખી કૂજતું : રવ  /  હજીયે  નભે

ઝૂંપડીઓના / ધૂમાડે  નંદવાયાં   /  રવિકિરણો  (ધુમાડાની ગતીલીલા)

ચડતી  પ્હાડે  / ગાડી : નીચે ખેતર  / ચગતાં  રાસે  ( ગતી)

ઠીંકરી  જળે /  ઠેકતી  જાય: સરે / ઝાંઝર  એનાં  (ગતી-ધ્વની : ગુજરાતીનું બહુ જાણીતું/માનીતું  હાઈકુ)

વીજ ગોખમાં  /  ચીતરી  ગૈ  ટહુકો /  કોક  અદીઠો (કાન-આંખ/ધ્વની-રંગોનું સંયોજન) લીલુડાં વૃક્ષ, / શ્યામ  પંખી : રૂપેરી  /  વાદળી : સૂર્ય (રંગલીલા)

નીલ આકાશે  / તરે  હંસલો : નીચે  / સાગર  નીલ  (આકાશ-સાગર-ને સાંધ્યાં રંગ/હંસથી !)

શ્યામ જલધિ  / ઊગે  ચન્દ્ર : રૂપેરી  /  છલકે  મોજાં ( રંગવીરોધ)

ભાવસ્પર્શથી આલેખાતાં વીવીધ  હાઈકુઓ :

પૂર્ણિમા મથે  / સમાવા  અબ્ધિ-હૈયે — / ચૂંદડી  લ્હેરે

નવવધૂએ  /  દીપ  હોલવ્યો : રાત  /  રૂપની  વેલ

પડે  ઊપડે  / પાંપણ  તારી  : જંપ / ન મારાં  નેણે

દેવદર્શને  / ગયો  મંદિરે : જુએ / વેણીનાં  ફૂલ  !

ઘરથી  વને  / ગયો  તો રસ્તે  વેલ / લજામણીની

જાગ્યું  બાળક /  પેખી  માને, મલકી /  ફરીથી  પોઢ્યું

પંખીનું  યુગ્મ / બાંધે ખંડેરે  માળો / બિસ-તંતુનો

ખખડે  સૂકાં  / પર્ણો નીચે;  ઉપર  /  કૂંપળ  ફૂટે

વ્હેરાય  થડ ; /  ડાળે માળા  બાંધતાં  /  પંખી કૂજતાં  [ આપણે  અહીં કૂજતાંની જગ્યાએ 'ધ્રૂજતાં' કરી શકીએ !]

નવાં  ફૂલોએ  /  ગયા  ઢંકાઈ   કાંટા /  જૂની  વાડના

પુરાણુ  ઘર : /   લ્હેરે  મધુમાલતી  /  આંગણે  નવી

એ જ પોલાદી  / ટેંક : રમે  છે  નીચે /  અળશિયાં  ત્યાં. (અળશીયાં  માટીના નવસર્જન માટે  જાણીતાં  છે)

હીરોશીમાની  /  રજ  લઈ  જનમાં /  ઘૂમે  વસંત (અતીત સાથે વર્તમાનનો મેળ/દરેક  કાંઠે  ખંડેર : /નદી  પુરાણી : વ્હેણ/જળનાં  તાજાં         પદાર્થપ્રતીક બને છે)

કૂંપળ  તાજી — / જુએ  યૌવના  આંસું  / આંખનાં  ખાળી
આશા-નીરાશા : મૃત્યુનું માંગલ્ય :  મુલ્યહ્રાસ વગેરે :
કપાયો  નભે / કનકવો : ફીરકી  / કરે  ભરેલી
અજાણ્યાં  ગયાં /  ખૂલી દ્વાર : કલગી  /  મૃત્યુને  કરે !
પેપરવે’ટ  /  સામે  મારી;  કાગળ / ચોગમ  ઊડે
પરોવાયા  આ /  મણકા  સૂત્રે :  છેડા / બે  હજી જુદા
ચન્દ્ર  નભમાં /  ફૂલ  લતાએ  : કુંજે / ટહુકો  નહીં !

નવી અભીવ્યક્તી :

વિપર્ણ  વૃક્ષ : / શાખાઓમાં વિલસે  / કલા શૂન્યની

પતંગિયું  ત્યાં / થયું  અલોપ : શૂન્ય / ગયું  રંગાઈ  ( ગુજ.નું જાણીતું-માનીતું  હાઈકુ) છાતીએ  શીલા / વદને  વજ્ર : નેણે /  છલકે  વાણી

અમાસ  ઘોર  / પ્રકાશ-છોળે હૈયાં  /  ઝાકમઝોળ

ગીચ  ઝાડીમાં  / અમાસ  મૂંગી ફરે  /  બોલે તમરાં

શિખરે  વેરે  / સૂરજ  સોનું : નીચે  / ખીણ અંધારી    (જાણીતાં હાઈકુ)

ભરું  પાણીડાં  / સવા  લાખની  મારી /  ચૂંદડી  કોરી     (            ) 

જુએ  હરિણી /  આંખ  સિંહની : હિમ /  વસંત-પુષ્પે

નિષ્કંપ કુંજે /  ફૂલ : શાંત સાગરે  / તરણી  મારી

સમાપન :

કલગી  આ મેં  / ગૂંથી  અન્યને  ફૂલે;  /  સૂત્ર    મારું 

( હાઈકુને ગુજ.માં લઈ આવનાર- સૂત્ર જ મહત્ત્વનું  હોય ને !!)
                                           —====000====—

  

3 Responses to “સ્વ. સ્નેહરશ્મીના હાઈકુ-ખજાનામાંથી કેટલાંક !!”


  1. 1 સુરેશ જાની February 21, 2008 at 3:59 pm

    નીશંક બધાં જ ઉત્તમ હાઈકુ છે.
    શિખરે વેરે / સૂરજ સોનું : નીચે / ખીણ અંધારી — આ તો બહુ જ ગમ્યું. દીવા તળે અંધારું !!!

    અમુકમાં સમજ ન પડી
    દા.ત.
    જુએ હરિણી / આંખ સિંહની : હિમ / વસંત-પુષ્પે

    નિષ્કંપ કુંજે / ફૂલ : શાંત સાગરે / તરણી મારી
    ઈમેલ કરીને સમજાવશો?

  2. 2 J Sani February 22, 2008 at 11:50 pm

    આ નવો વળાંક ગમ્યો. આ જાપાની કાસુબાવા તો જબરા છે! એમને ગુજરાતી આવડે છે,માર્ચ ‘69ના ‘સંસ્કૃતિ’ માસિકનો પરિચય પણ છે અને અક્ષરમેળ છંદ શું છે એ પણ જાણે છે. આ બાવા ચોક્ક્સ કલ્ચરલ એક્શચેન્જ પ્રોગ્રામ દરમ્યાન ગુજરાત યુનિવર્સિટીમાં પધાર્યા હોવા જોઈએ!

    પત્રમ્ પુષ્પમ્ માં લેવા માટે આમ કરીને પત્રનું સ્વરુપ આપવું પડ્યું છે. ગુજ.યુની.માં એક્સેંજ પ્રોગ્રામ ઉપરાંત નાનણથી ગુજ.માં રહ્યો હતો આ બાવો એવી કલ્પના કરવી રહી, બીજું શું ! –જુ.

  3. 3 ધવલ March 7, 2008 at 2:48 pm

    હાઈકુનો સુંદર ખજાનો ખોલી આપ્યો… હાઈકુના ‘ગુજરાતીકરણ’ની પ્રક્રિયા અહીં સૂપેરે જોઈ શકાય છે.


પત્રોમાં પુષ્પોની ફોરમ !

વાચક સંખ્યા :

  • 1,672 hits

પત્રમંજુષા

February 2008
M T W T F S S
« Jan   Mar »
 123
45678910
11121314151617
18192021222324
2526272829