{સંસ્કૃતિ-ફેબૃઆરી,૧૯૬૭}
—————————————————————————————————————–
કાશ્મીરના મમ્મટે ‘અનલંકૃતી પુનઃક્વાપી’ કહીને અલંકાર વગરની કવીતા માટે જાણે તે દોષ હોય તેમ માફી માગી જણાય છે. પણ એવું શા માટે ? અલંકાર એ કાંઈ કાવ્યનું સર્વસ્વ નથી-કેવળ ઘરેણાં છે. હું તો માનું છું કે ક્ષમા યાચીને નહીં પણ પુરા અધીકાર સાથે સાહીત્યક્ષેત્રમાં પોતાનું ઉંચું સ્થાન છે એમ જાહેર કરવા જ હાઈકુનો અવતાર છે. તમે હાઈકુનો કેવળ છંદપ્રકાર અપનાવ્યો નથી પણ હાઈકુ પાછળનો આત્મવીશ્વાસ પણ અપનાવ્યો છે….
તા.૯-૩-૬૬.
…બધા સાહીત્યકારો કહે છે કે ઉત્તમ કાવ્યમાં ધ્વની એટલે કે વ્યંજના હોવી જોઈએ. શબ્દો કે જે સીધો અર્થ આપે છે તે અભીધા…પણ કવીઓને, સીધી રીતે ન કહેતાં, આડકતરી રીતે કહેવામાં મઝા આવે છે. તે એટલે સુધી કે કાવ્ય માટે એ લોકોએ ‘વક્રોક્તિ’ નામ પસંદ કર્યું. ‘વક્રોક્તિ કાવ્ય-જીવિતમ્’ કહીને એમણે કહ્યું કે “કવીઓ વક્રોક્તી-માગ-નીપુણ” હોવા જોઈએ.
હવે, “સાદા શબ્દો વાપરીને ધ્વની અથવા વ્યંજના ઉત્પન્ન કરવી” એમાં વીવીધ અર્થો સુચવવાની જેટલી શક્તી કવીની હોય તેટલી જ શક્તી એ સુચનોને સમજવાની વાચકમાં પણ હોવી જોઈએ, નહીં તો ભેંસ આગળ ભાગવત થવાનું.
૨) મારા શબ્દોમાં જે સુચન હશે તે ઝીલવાની શક્તી મારા વાચકોમાં હશે તેવો વીશ્વાસ…આ બન્ને પ્રકારના વીશ્વાસને હું આસ્તીકતા કહું છું……
કાવ્યશાસ્ત્રનું જ ઉદાહરણ લઈએ તો, એક જણે કહ્યું, ” ગતો અસ્તં અર્કઃ !” (સુર્ય આથમ્યો) આ વાક્ય હાઈકુનો નમુનો ગણું છું. આનો અર્થ બ્રાહ્મણોએ કર્યો, “સંધ્યાવંદનનો સમય થયો.” ચોરોએ કર્યો, ” હવે ખાતર પાડવાની તૈયારી કરવી જોઈએ.” બાળકોએ અર્થ કર્યો, “ઘેર જઈ મા પાસેથી પ્રમોદી મેળવી શકાય.”
તમારા હાઈકુઓમાં ઓછામાં ઓછા શબ્દો વાપરી..નોંધ જ કરવામાં આવે છે.પણ તે એવી ખુબીથી કે એમાંથી અનેક જાતની વ્યંજનાઓ કાઢી શકાય……
હાઈકુના છંદ વીષે મેં તમને કહ્યું જ છે કે જુના વખતમાં જાપાની છંદનું અનુકરણ કરી કોકે અંગ્રેજીમાં પાંચ લીટીઓના નમુના આપ્યા હતા એ મને ખુબ જ ગમ્યા હતા. તમે કહ્યું હતું કે તેને તાન્કા કહે છે. અને એમાંથી જ હાઈકુની ઉત્પત્તી થઈ છે…. અર્થાન્તરન્યાસમાંથી છેલ્લી લીટીની કહેવત બને છે તેમ જ તાન્કામાંથી હાઈકુ આવ્યાં.
પ્રતીપત્રો