Archive for the 'ક્ષમાના પત્રો' Category

ઠરી રહેલો જઠરાગ્ની જ્વાળામુખી બની શકશે ?!

ક્ષમાનો પત્ર : 10 
જુગલકીશોર===============================================  
વ્યથીત નીખીલ,
તારી વ્યથા ગયા પત્રમાં વાંચી. ભુખ્યાં જનોના જઠરાગ્નીને હવે જાગવાપણું જ રહ્યું નથી !! એ હવે ઠરી ગયો છે. જ્વાળામુખી બની શકે એવો એ જઠરાગ્ની હવે ધીમે ધીમે બુઝાઈ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં ભુખ અને વેદના જ જોવા મળે છે. દરરોજ છાપામાં કોઈ ને કોઈ આત્મહત્યા કરીને જઠરાગ્નીમાં આહુતી - પોતાની સ્તો ! - આપી રહ્યાના સમાચાર આવતા રહે છે. આટલી આત્મહત્યા આ દેશમાં ક્યારેય સાંભળી નહોતી. ગરીબ માણસ આત્મહત્યાને પાપ ગણીને એનાથી આવનારા અનેક જન્મો દુ:ખમાં જાય એવી માન્યતા ધરાવતો જ હોય છે. ને છતાં હવે એ જાણી ગયો છે કે આવતા ભવની કોને ખબર છે ? આજે તો હવે બાળકોનું પેટ ભરવાનીય તાકાત કે તક રહી નથી પછી આવતા અવતારની ક્યાં માંડવી ?

પરીણામે એક પછી એક આ સૌ દુખીયારાંઓ જીવન ત્યજીને કોઈ અગોચર સુખના સ્વપ્ન સારુ થઈને ચીરનીદ્રાને વશ થઈ જવામાં છે !

આ દેશમાં આજે બધે જ એક ચર્ચા છે, મોંઘવારીની. પરંતુ “એ તો વૈશ્વીક સમસ્યા છે એટલે ભારત પણ એમાંથી બાકાત શી રીતે રહી શકે ?” એમ કહીને આ દેશના શાહમૃગો પોતાનું મોં સંતાડી દેશે. અને એમા જ રાજકીય - સામાજીક - શૈક્ષણીક - આર્થીક અને એવી એવી જે જે ઈક-ઈક-ઈક સંસ્થાઓ છે તે બધીયું કાગારોળ કરી મુકીનેય છેવટે તો પોતાનું ભાણું જ ભરતી રહેશે….

નીખીલ, આપણી ચામડી હવે સંવેદનશીલતા ખોઈ બેઠી છે. કોઈ ને કોઈ નશો પીવડાવતાં રહેતાં સામજીક અને રાજકીય બ્યુટી પાર્લરોમાં હવે ચામડીને ગોરી અને સુંવાળી બનાવાતી નથી ! ત્યાંય હવે ચામડીને સખ્ખત અને નઠોર બનાવી દેવાનો જ કાર્યક્રમ ચાલે છે. સૌને હવે ફાવી ગયું છે. છાપાં હવે સહેજ પણ ગરમી પડે એટલે મધ્યમ વર્ગને ઘરમાં બેઠાં બેઠાં વળતા પરસેવાની ફરીયાદ કરે છે, કારણ કે એના ઘરાકોય મધ્યમ વર્ગીય લોકો જ વધુ હોય છે.

ગરીબી નહીં પણ ગરીબો એ આ દેશનો માથાનો દુખાવો છે એમ ગણીને જેમ બને તેમ એને જલદી ખતમ કરી નાંખવાની પેરવી એ આજની છેલ્લામાં છેલ્લી કવાયત છે. નીખીલ, તું હવે છાપાં વાંચવાનાં બંધ કરી દે. એમાં હવે કાંઈ નથી. એ સૌને એમના ભાગ્ય ઉપર છોડી દેવામાં આવ્યાં છે.

હા, હજીય કેટલુંક પત્રકારત્વ કેવળ આ શ્રમજીવીઓ અને સબડી રહેલાંઓની વાતો કરવાનો ધર્મ બજાવીને મારા તારા જેવાની શ્રદ્ધા ટકાવી રહ્યાં છે. આપણે એમની વાત સૌમાં ફેલાવીને કંઈક કરી શકીશું. આપણે ગામડે જઈએ કે શહેરમાં જ રહીએ પણ આપણું કાર્ય અને ધ્યેય બસ, અહીં જ આસપાસમાં છેલ્લા શ્વાસે જીવી રહેલાંઓ માટે જ વીચારવા-જીવવામાં રહેલું છે.

ખબર નથી, આપણે શું કરી શકીશું. કઈ રીતે આગળ વધી શકીશું, પણ હવે વહેલી તકે આવી જ કામગીરી કરતી સંસ્થાઓમાં જોડાઈને જ આપણને હાશ થશે…

જેમને સાંજનું વાળુ મળવાનું નથી એમની ‘હાશ’ આપણે ક્યારે સાંભળીશું  ?!!!!!
–ક્ષમાની વેદના ભરી ને અસહાય યાદ !

ગઈ કાલે પબ્લીશ થયેલા ક્ષમાના પત્રના અનુસંધાને આજના જ સંદેશમાં વાંચેલા એક મુખ્ય સમાચારોમાના આ એક સમાચાર વાંચો !!! :

ફક્ત અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ જ માસમાં આત્મહત્યાના બનાવોની જાણકારી :

જાન્યુઆરી-08 પુરુષોની  : 34 સ્ત્રીઓની : 19 કુલ 53

ફેબ્રુઆરી-08માં પુરુષોની : 23 સ્ત્રીઓની: 19   કુલ 42

માર્ચ-08માં     પુરુષોની :34 સ્ત્રીઓની : 20   કુલ 54 

ત્રણ માસમાં       કુલ પુ. : 91   સ્ત્રીઓ : 58   કુલ :149   

 

હાઈકુમાં કેટલા અક્ષરો ?

ગુજરાતીના બે સમર્થ કવીઓનાં હાઈકુ અંગે સ્નેહરશ્મિ.
–સંકલન : જુગલકીશોર.
——————————————————————————————————-
 (હાઈકુ : 4)
[ પ્રીય મીત્ર ! શ્રી સ્નેહરશ્મિએ બે સમર્થ કવીઓનાં હાઈકુનો આધાર લઈને સરસ અને સભર વાતો એમના હાઈકુસંગ્રહમાં કરી છે. આજે એમાંની કેટલીક અહીં રજુ કરી રહ્યો છું, તને અવશ્ય ગમશે જ....: ]

હાઈકુને એક જ ઉદ્ગારમાં પુરી થતી કૃતી તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક એને એક પંક્તીની ઉક્તી પણ કહે છે. સદીઓથી એનું પંક્તીમાપ નક્કી થયેલું જ છે. એના અક્ષરો તો સત્તર જ હોય છે તે જાણીતી વાત છે. એ અક્ષરો 5-7-5 પ્રમાણે ત્રણ પંક્તીમાં વહેંચાય છે એ પણ નીશ્ચીત જ છે.

આપણા મંદાક્રાંતા,પૃથ્વી, શીખરીણી જેવા સત્તરાક્ષરી છંદો પણ જાણે હાઈકુની જ અવીભાજીત પંક્તી હોય એવું લાગે છતાં એમાં ફેર એ છે કે હાઈકુમાં ગણોની વ્યવસ્થા કે માત્રામેળના નીયમો લાગુ પડતા નથી. યતી પણ નક્કી કરેલી જગ્યાએ આવતી નથી.

શ્રી સ્નેહરશ્મી પોતાની પ્રસ્તાવનામાં નોંધે છે કે  હાઈકુમાં 17 અક્ષરો અનીવાર્ય છે શું ? એવો પ્રશ્ન થતો જ રહ્યો છે એટલું જ નહીં આ સત્તરાક્ષરો સામે બળવો પણ થયો છે. છતાં આ બંધારણ બદલાયું નથી એ જ એની સધ્ધરતા બતાવે છે. એકાદ અક્ષર ઓછો-વધુ થાય તો ચલાવી લેવામાં આવ્યો છે એ પણ હકીકત રહી છે. અને 15 કે 18 અક્ષરોના હાઈકુ જોવા મળે જ છે. આપણી માતૃભાષામાં પણ આ જ નીયમ યથાવત્ રહ્યો જણાય છે.

આટલી મર્યાદીત અક્ષરસંખ્યામાં આખી કાવ્યકૃતી સર્જી દેવી  એ બહુ સંયમ અને વીવેક માગી લેનારી બાબત છે. આ મર્યાદા અંગે ગુજરાતીના બે વીદ્વાનો સાથે સ્નેહરશ્મીને જે લાંબી વીચારણા થઈ એના ફળસ્વરુપે એમણે બે હાઈકુનો દાખલો આપીને એક બહુ જ ઉપયોગી સામગ્રી પ્રસ્તાવનામાં પીરસી છે. આ આખી ચર્ચા આપણ સૌને ઉપયોગી થાય એમ માનીને અહીં મુકવા મન છે.
‘ઉંડી અને સુક્ષ્મ સમજવાળા’ બે કવીઓની સાથે સ્નેહરશ્મીએ જે પ્રયોગો કર્યા હતા તેની વાત પણ કરી લઈએ. આ બન્ને કવીઓ તે શ્રી હસમુખ પાઠક  અને શ્રી નિરંજન ભગત.  બન્નેના એક એક હાઈકુ કે જે સત્તરથી વધુ અક્ષરોનાં હતાં તેને  અંગે બહુ વીગતે અને અર્થસભર વાતો લખી છે. આપણે પણ તેમાં ડુબકી મારી જોઈએ !

શ્રી પાઠકનું હાઈકુ આ પ્રમાણે હતું :

તળિયે સ્વસ્થ ચંદ્રમા
ભાંગતો ચંચળ સપાટી પર
ઓચિન્તી કોઈ લ્હેરમાં.
શ્રી ભગતનું હાઈકુ આ પ્રમાણે હતું :

હું ને મારો પડછાયો–
પણ રાતે જ્યાં દીપક બુઝ્યો
હું ત્યાં એકલવાયો.

આ બન્ને હાઈકુ વીષે શ્રી સ્નેહરશ્મિ ઉંડી વીચારણાને અંતે જે ફેરફારો સુચવે છે તેમાં રહેલી હાઈકુના સ્વરુપ વીષેની વીભાવના આપણને  ખુબ જ ઉપયોગી થશે….તેઓ કહે છે :


” જેમ જેમ આ કાવ્ય ઘુંટાતું ગયું તેમ તેમ પ્રશ્નો ઉઠવા લાગ્યા કે એની ત્રીજી પંક્તિ ન હોય તો કાવ્યના સ્વરૂપમાં કંઈ ફેર પડે ખરો ? બીજી પંક્તિમાંનો ચંચળ શબ્દ ત્રીજી પંક્તિને  પોતાનામાં સમાવી નથી દેતો ? જો ત્રીજી પંક્તિ ન હોય તો વ્યંજનાને વધુ  અવકાશ મળે એવું લાગતું નથી ? જો એ સાચું હોય  તો ત્રીજી પંક્તિના આઠ અક્ષરો આપોઆપ ઓછા થઈ જાય, બાકી રહેલા 19માંથી ‘ચંદ્રમા’ની જગ્યાએ ‘ચંદ્ર’ અને ‘ભાંગતો’ની જગ્યાએ ‘ભાંગે’ પ્રયોગ થાય તો સત્તર અક્ષરોનું માપ જળવાઈ રહે અને અર્થને અનુલક્ષીને 5-7-5 મુજબ ત્રણ પંક્તિમાં વિભાજન પણ થઈ શકે.

“શ્રી પાઠક સાથે ચર્ચા થતાં તેમણે નીચે પ્રમાણે પાઠ યોજ્યો. હાઈકુના સ્વરૂપને સમજવામાં એમનો મૂળ પાઠ (ઉપર દર્શાવ્યો છે તે ) અને આ નવા પાઠનો તુલનાત્મક અભ્યાસ ઉપયોગી જણાશે. એ આ પ્રમાણે છે :
તળિયે ચંદ્ર
સ્વસ્થ ભાંગે સપાટી
ઓચિન્તી લ્હેર.
” શ્રી ભગતની (ઉપર જણાવી છે તે ) કૃતિ ઉપર હું રટણ કરતો ગયો તેમ તેમ એમાં રહેલું હાઈકુ બહુ સુરેખ રીતે મારા મનમાં આકાર લેતું થયું. અહીં પણ પેલો પ્રશ્ન મને ઉદ્ભવ્યો, એના 25ની જગ્યાએ 17 અક્ષરમાં એ ન સમાઈ શકે ? બીજી વાત જે મારા ધ્યાનમાં આવી તે  “હું ત્યાં એકલવાયો”ના વિધાનને લગતી હતી… હાઈકુમાં વસ્તુ બોલે છે, કવિ બોલતો નથી. હાઈકુનો કવિ “હું ત્યાં એકલવાયો” કહેવાને બદલે તે એકલવાયો છે એવું આપણને લાગે એવી પરિસ્થિતિ સર્જતો હોય છે. શ્રી પાઠક સાથે ચર્ચા નીકળતાં તેમને નીચે પ્રમાણેનો પાઠ યોજ્યો :
હું — પડછાયો
તિમિરે બુઝ્યો દીપ…
એકલવાયો.
આશા રાખું છું કે આ વીગતો તને કંઈ કોમેન્ટ કરવા પ્રેરશે. વધુ હવે પછી….!
============================================================

જનેતાનેય ભુલી જતો માનવી પ્રકૃતીને ભુલી જાય તો શી નવાઈ ?!

–જુગલકીશોર.

પ્રીય નીખીલ,

તેં આકાશની વાત કરી, ગ્રહોનીય વાતો કરી. પણ ગ્રહોની સાથે તેં આગ્રહોનેય જોડીને તો વાતને એક સ્થાનેથી સાવ નવા જ સ્થાને લાવી મુકી દીધી. બાકી હતું તે મારી કુંડળીમાં કયા ગ્રહો [ને આગ્રહો પણ !] પડ્યા છે એની ઈન્ક્વાયરીય કરી લીધી !

ભઈ, આપણે તો માંગલીકેય નથી અને અમાંગલીકેય નથી. શબ્દોની કેવી રામાયણ છે ! મંગળના ગ્રહને નામથી આપણે મંગલ કહીએ, એનું સ્થાન કુંડળીમાં અમુક ચોક્કસ જગ્યાએ હોય તો એ વ્યક્તીને માંગલીક પણ કહીએ અને છતાં કુંડળીમાં એ પડ્યો હોય એટલે એને પરણનાર વ્યક્તીનું અમંગળ જ થાય એવુંય માની લઈએ, મનાવતાં રહીએ અને એવી વ્યક્તીને કોઈ પોતાની પસંદગીની વ્યક્તી સાથે પરણવાય ન દઈએ !!

આપણાં કેટલાંક શાસ્ત્રોએ, કહો કે મોટાભાગનાં શાસ્ત્રોમાંનાં કેટલાંક પ્રકરણોએ આપણને સાવ જ પછાત રાખ્યાં છે. પોતાની પસંદગીનો વર કે ગમતી વહુ લઈ આવવાનુંય આપણા હાથમાં નહીં ! આપણને તો ટીપણીયો જ્યોતીષી બતાવે તેની સાથે ચાર ફેરા ફરી લેવાના. લગ્ન પછી એ બન્ને સુખી થયાં કે દુ:ખી તેની તપાસ કરવા એ કદી આવવાનો નહીં. એને તો એની શી પડીય હોય ?!

આકાશે વીહરતા રહેતા આ બધા ગ્રહોની આપણા શરીર પર તો અસર થતી જ હશે. કારણ કે જો સાગરમાં પણ છેક આકાશે રહેતો ચન્દ્ર પુનમની ભરતી લાવી શકે તો આપણા શરીરમાં આટલો મોટો પાણીનો ભાગ હોય ત્યારે ભલે નાનકડી પણ ભરતી તો લાવતો જ હશે ને ! [ એ સ્ટોર્મ ઈન એ કપ ઑફ ટી ] પરંતુ આ મંગળ, શની અને અન્ય રાહુ-કેતુ જેવા આકાશી ભમરડાઓ આપણને એટલાં બધાં હેરાન કરી નાખે ખરા ? અને કદાચેય અસરો કરી શકે તો આપણામાં દૈવી તત્ત્વોએ મુકેલી અપાર શક્તીઓનું શું ? આપણા મનુષ્યપણાનું શું ? આપણે તો, ‘न मानुषात् श्रेष्ठतरं हि किंचित् |’ મનુષ્યથી ના અદકું કંઈય !’ માનનારાં છીએ. અને છતાં આ ગ્રહોનાં બંધાયાં [ અને બંધાવ્યાં પણ ! ] બંધાઈ જઈએ છીએ.

કાકાસાહેબના લેખો તો જેમણે માણ્યા હોય તે જ જાણે કે પ્રકૃતીની લીલાઓમાં માણસ ધારે તો કેટલો રમમાણ થઈ શકે ! આપણો શહેરી સમાજ કોઈને કોઈ બહાનુ કાઢીને પ્રકૃતીથી અલગ થવાના પસ્તાવા રજુ કરતો રહે છે. આકાશી દર્શનની તો વાત જ શી કરવી ! શહેરી સમાજમાં હવે પ્રકૃતી એ સમય વેડફવાનું નકામું પરીબળ ગણાય ! પૈસો અને પ્રતીષ્ઠા કમાવામાં માણસને આપણને સદાય જીવાડનારી આ પ્રકૃતી પાસે જવાનો સમય નથી ! કેવી છે આ જીંદગી ! પોષનારું જ હવે અકારું બની ગયું છે.

આ જ વાત, માણસના બદલાઈ ચુકેલા સ્વાભાવમાંય પડઘાતી રહે છે. જે રીતે એણે પોષનારી પ્રકૃતીને તરછોડી છે એ જ રીતે આજનો માણસ પોતાના ઉપર અનેક ઉપકારો કરનારાં માણસો અને સંસ્થાઓનેય તરછોડી દેતાં અચકાતો નથી. સગી જનેતાનેય જાકારો દઈ શકતો માણસ પ્રકૃતીને ભુલી જાય એમાં શી નવાઈ ?!

મને તો લાગે છે, નીખીલ, કે માણસજાત વૃક્ષો, પર્વતો, નદીઓ, જળાશયો વગેરેથી જેટલો દુર જશે એટલો એ નીષ્ઠુર થવાનો. પ્રકૃતીના ખોળે રહેતો માનવી અને આસફાલ્ટ રોડ પર ટાંટીયા ઘસતો રહેતો મનુષ્ય સાવ અલગ અલગ જ જણાવાના. પ્રકૃતીથી દુર જવામાં કોઈ સાર આપણે કાઢી શકવાનાં નથી, જોજે, નીખીલ.   આપણે દુ:ખી - બહુ દુ:ખી થઈ જવા માટે ઉત્સાહથી ક્યાંક અગોચર તરફ, અનીષ્ટ તરફ જઈ રહ્યાં છીએ.

થાય છે કે હવે કોઈ ગામડે જઈને બેસી જઈએ. આમેય હવેની સરકારોને શહેરીકરણથી બચીને ગામડાંઓને યાદ કરવાનું સુઝ્યું તો છે જ ! આપણેય ક્યાંક કોઈ ગામડું ખોળીને  પલાંઠી વાળી લઈએ એવું બહુ મન થાય છે.

પણ આપણા ગ્રહો [ ને ક્યાંય કદાચ આગ્રહોય ] કામ કરતાં હશે તો ?!! એનેય પુછવું તો પડશે જ ને ???!

તમે શું કહો છો અખીલમ્ ?
સર્વ મંગલકામના સાથે, ક્ષમાની પ્રકૃતીવંદના.

                                 —===000===—

ટ્રાન્સ્પરન્સીના ચમત્કારો, ક્ષમાની પત્રપંક્તીઓમાં !

નીખીલ,

તારી સંવેદનશીલતા તારા પત્રની સોંસરી મને વીંધી ગઈ. કોઈ અજાણ્યાને પાછો વાળ્યાનું સુખ છેક મનેય અહીં અડી ગયું. કેવી પરીસ્થીતીનો માર્યો એ યુવાન ટાંકી ઉપર ચડ્યો હશે ! વીદાય લઈને માવતરને છોડવાનો નીર્ણય કરતાં એને શું શું નહીં થયું હોય !! એમાંય પાછાં પ્રામાણીક અને મહેનતુ માણસોને જ આવું થાય ત્યારે વધુ વેદના આવી વળગે.

જોકે અપ્રામાણીક અને ડઠ્ઠર માણસોને પણ દુ:ખો તો પડતાં જ હોય છે પણ એમની સંવેદના બુઠ્ઠી થઈ ગઈ હોય છે એટલે તેઓ આપઘાત કરે નહીં. બાકી દુ:ખ તો આજે ઝુંપડાંઓમાં સાવ સામાન્ય બાબત બની ગઈ છે. મારા ઘરની આજુબાજુ ફુટપાથને આશરે રહેતાં સૌને જોઉં છું ત્યારે જીવનની આત્યંતીક વીરોધાભાસી વ્યવસ્થા સામે મન બંડ પોકારી ઉઠે છે. અલબત્ત તારી પારદર્શીતા જે સમસંવેદન અનુભવીને સક્રીય આચાર રુપે ઉગી નીકળે છે એ કક્ષા મારી નથી. તું તો તારી પારદર્શીતાએ કરીને પરકાયા પ્રવેશ કરી આવ્યો !

નીખીલ, મારી વાતને અતીશયોક્તીમાં ન લઈશ પણ તેં એ છોકરાને ટાંકી ઉપરથી ઉતાર્યો એ બનાવને હું જરા જુદી રીતે પણ સત્યકામની વાત સાથે જોડી દઉં છું. એને મૃત્યુના મુખમાંથી છોડાવનારી એની પત્ની હતી; તેં તો એક સાવ અજાણ્યાને પાછો વાળ્યો ! નસીબવાદીઓ તો આવા બનાવને જોકે ‘પાંચમની છઠ થતી નથી’ એમ કહીને છોકરાનું આયુષ્ય હતું તે બચી ગયો એમ કહીને વેડફી નાખશે; પરંતુ તારી પાસે જે પારદર્શીતા,સંવેદના, સમસંવેદન અને એને આચરણમાં મુકવાની તાલાવેલી છે તેને તો વંદવી જ રહી.

તારા આ પત્રના અનુસંધાને એક બાજુ મોતના મુખમાંથી કોઈને છોડાવ્યાની વાત છે તો બીજી બાજુ મારા મોટાભાઈને મૃત્યુને સોંપ્યાંની વાત પણ એક વાસ્તવીકતા જ હતી, આ જ દીવસોમાં ! આજે જ્યારે બધી વીધી પુરી થઈ ગઈ છે ત્યારે એના સમાચાર પણ આપવાના આવ્યા છે ! હું કાંઈ સાત સાત દાયકા ઓઢી વળેલા એવા એમને પાછા વાળી શકવાની નહોતી પણ એક મરણ સાવ નજીકથી જોવાનું આવ્યું એ બીના જીવનની અવીસ્મરણીય ઘટના બની રહેશે…

મોટાભાઈ બહુ જ પ્રેમાળ અને પીતાનો ખાલીપો દેખાવા ન દે એવા હતા. મારે તો તેઓ જ મોભ હતા. બાને એમણે જે રીતે સાચવી જાણ્યાં હતાં તે અમારા કુટુંબની એક દંતકથાશી વાત હતી. કુટુંબમાં એક એવો અવકાશ ઉભો થઈ ગયો જે પુરવાની કોઈનીય તાકાત નથી…

છેવટે મૃત્યુ પણ આપણા જીવનનો જ એક ભાગ છે એ સમજવાની તક આ પ્રસંગે મળી. વેદનાથી ચીસ પડાઈ જાય એવા નાજુક સમયે પણ ભાભીને હું સ્વ-સ્થ અને તટ-સ્થ રાખી શકી એ બાબત પણ મારા આ બનાવનું એક મોંઘું પાસું બની રહેશે. એટલું ચોક્કસ કે ભાઈની મહાનતાનો સ્પર્શ પામી શકેલાં ભાભીએ એમના મૃત્યુને સહજતાથી ઝીલી લીધું અને સૌ સંતાનોને ટેકો પણ આપ્યો.

ઈશ્વરની સૃષ્ટીનો એક અનીવાર્ય અંશ એવો આ પ્રસંગ અમને સૌને બચેલા જીવન[માટે]નો મોટો પાઠ ભણાવી ગયો ! નીખીલ, આ દીવસોમાં તારી યાદ બહુ જ આવી. કોઈના ટેકાની તાતી જરુરીયાત મહેસુસ થઈ. મને હુંફ આપનારાં તો ઘણાં હતાં. પણ આ ‘કોઈ’નું મહત્ત્વ આ દીવસોમાં સમજાયું…

તને આ સમાચાર મોડા આપવા પાછળ કોઈ ભાવ નહોતો. ક્ષતી કહી શકાય જરુર. પણ રહી રહીનેય મનમાં થયાં કર્યું કે તારી હાજરી મારા મનને મક્કમ નહીં રહેવા દે. હું ઢીલી પડીશ તો ભાભીને જે આપી શકી તે આપી ન જ શકી હોત. તારી હાજરીમાં હું તારી છાયા ગોતીને એમાં ઢબુરાઈ જવા મથેત ! મારે તો ભાભીને અને સૌને બાથમાં લેવાનાં હતાં. હું ઉંમરે તો ઘણી નાની પણ મારું સ્થાન ઘરમાં જે છે તેણે કરીને હું ‘પીઢ’ ગણાતી રહી છું ! અને ખરેખર હું એ કાર્ય કરી શકી…

તારા કાર્યને બીરદાવીને આ પત્ર પુરો કરીશ. અનુકુળતાએ ભાભીને મળી જજે.

ગયા પત્રમાં ઉપાલંભો આપી આપીને તને ચીડવ્યો હતો તેના બદલામાં ઉલટાની તેં ક્ષમા માગીને મને શરમીંદી કરી મુકી ! ક્ષમા તો મારે તારી માંગવાની રહી. પણ તું જો ખરેખર ક્ષમા માંગીનેય આ ક્ષમલી[મારું ઘરમાંનું નામ],ક્ષમાને મેળવી શકતો હો તો મેળવી લેજે ! હું ક્ષમા રુપે નહીં, ધન્યતા બનીને તને મળીશ.

તારી ક્ષ.

ઉપાલંભોથી નીખીલને નવડાવતી ક્ષમા !!

શ્રીમાન્ નીખીલજી !

તમે નળના પાણીને બદલે છતથી અવતરીત જલથી નાહ્યાની વીગતો જાણી. તમારી ઉંઘને પણ જાણી. તમારી રહેવાની સંકડાશ પણ જાણી.

વર્ષામાં કોણ, ક્યાં અને કઈ રીતે નહાય તે સૌની અલગ અને પોતીકી બાબત છે. તમે તમારી સ્થીતી જાતે કરીને જ સ્વીકારી હોય પછી એને વીષે વધુ તો શું કહીએ ? તમને તમારા અભ્યાસ દરમીયાન અને હવે અભ્યાસ બાદ પણ મારા બાપુજીએ અવારનવાર ત્યાંના અમારા સાવ ખાલી પડી રહેલા મકાનમાં રહેવાની વારંવાર રજુઆતો કરી હતી. પરંતુ કોઈ અગમ્ય કારણસર આપે એ રજુઆતોને ડાબે હાથે એક બાજુ મુકી દઈને અમને સૌને આશ્ચર્યમાં જ આજ દી સુધી રાખ્યાં કર્યાં છે…!

આપને અમારા ખાલી પડેલા ઘરમાં રહેવામાં શી તકલીફ હતી તે તો આપ જ જાણો, પણ આટાઅટલી તકલીફ લઈને  આટઆટલા હેરાન જાતે થવાનું અને પાછું આવા દુ:ખદ રીપોર્ટ આપીને અમને સૌને હેરાન કરવાનાં એમાં શી મઝા આવતી હશે તે સમજાતું નથી….હું તો વાંછટ વગરની બારીએ બેઠી બેઠી મોઝ માણતી હતી એવી આપને કલ્પના આવે તે સહજ છે;

પણ એ જ દીવસે જ્યારે વરસાદ તમારી પથારી સુધી પોતાનો પાશ લંબાવવા પ્રવૃત્ત હતો ત્યારે હું શું કરતી હતી તેની ખબર આપશ્રીને નહોતી એ જણાવવા જ આ પત્ર લખી રહી છું !! એ રાત્રે આપના શહેરથી અમુક અમુક કીલોમીટર દુરી પર હું આપની દીશાનાં ઘનઘોર વાદળાંને જોઈને કેટકેટલી વેદના અનુભવતી હતી તેની આપને શી ખબર હોય ?! આખી રાત કહું તો એને અતીશયોક્તી અલંકાર ગણીને મઝાક ન કરશો, શ્રીમાન્ ! એ રાત આખી મેં એ જ ચીંતામાં વીતાવી હતી કે ત્યાં ભાડાના ઘરની ઘોલકીમાં આપશ્રીની શું સ્થીતી હશે ! હું બારીમાં બેઠી હતી તે ખરું પણ આપના શહેરની દીશાનાં વાદળાં, સવારના છાપાંમાંની આગાહીઓ ઉપરાંત સાંજના ટીવી પરના અહેવાલો જોઈને બીરીમાં ઝાઝુ બેસી શકી તો નહીં પણ પછી તો સુઈ પણ શકી નહીં. [અલબત્ત એ કાંઈ મારે આપને લખવાનું ન હોય, કારણ એ તો મારો સવાલ ગણાય. અને અમારા મકાનમાં ન રહેવાના આપના નીયમને અંગે વીચારનારી હું વળી કોણ ?!]

હશે, જેવી જેમની ઈચ્છા…

હવે આપને ત્યાં સૌ સારાં વાનાં હશે. આપનાં કીમતી પુસ્તકોને સુકવવાની મદદે  આવવાની હીંમત નથી. પડોશીની જેમ આપને સારી મસાલાવાળી ચા બનાવીને પીવડાવવાની પણ આ ઝરુખે બેસનાર અમારી કશી લાયકાત નથી. એટલે આ પત્ર લખીને જ ખબર પુછી લઈશું !! [હવે ભીંજાઈ ગયેલું ગાદલું તડકે નાખવાનું પડોશી લોકો આપને સંભારી આપે તો સારું નહીંતર એનું રુ બધું ગંઠાઈ જશે એમ જણાવ્યા વગર રહી શકાતું નથી, તે દરગુજર કરશોજી અને વહેલીતકે ગાદલાને તડકે નાંખી દેજો. બાકી તો હરી ઈચ્છા બળવાન !]

આપની તબીયત સાચવવાનું પણ કહેવાની શી જરુર ? સુંઠ-ગૉળ-ઘીની લાડુડી બનાવીને ખાવાનું કહેનાર પણ અમે કોણ ભલા ? વીક્સની શીશી જમણી બાજુના કબાટના ખુણે લાવી મુકી છે તે વાપરવાનું યાદ પણ શી રીતે કરાવીએ, અમે ભલા? બાજુમાંથી અવારનવાર ફ્રીજનું પાણી માંગીને પીવાની આપની ટેવ હમણાં કાબુમાં રાખશો એવી સુચના આપને પડોશીઓ આપે એવી સલાહ પડોશીને આપવાનું લખું છું તે એમને જણાવશો જેથી તેઓ આપને સમજાવે !! બાકી અમારાથી તો કાંઈ સલાહબલાહ અપાય નહીં !

અમે તો બહુ બહુ તો પત્ર લખવાની અને તબીયતની ખબર આપતાં રહેવાની વીનંતી કરી શકીએ, બીજું શું ?!!
લી. ઝરુખે બેસીને ‘વાદળાં વીખેરાવા’ની રાહ જોતી,

કોઈ ક્ષ.

નીખીલને ગામડે પરણાવવા પ્રસ્તાવ મુકતી ક્ષમા !!

મારા વરસાદી મીત્ર !

તારી વરસાદગી માણી, મન ભરીને માણી ! હવે આ એનો જવાબ પણ હાજર કરું છું, અલબત્ત ઘણો મોડો. મેં તો પત્ર દ્વારા વરસી પડીશ એવું વચન પણ તને આપ્યું હતું, પણ સંજોગો ક્યાં આપણું ધાર્યું થવા દે છે !

મારા અક્ષરોને અને મારા પત્રના વર્ષાના આગમને થયેલા વધામણાંને તેં જે રીતે વધાવ્યા તે મને ગમ્યું. અમારે મહીલાઓને માથે એક શાપ છે. અમારાં સૌંદર્યનાં, અમારાં મેકઅપ-વેશભુષાનાં, અમારી રસોઈનાં કે અમારાં સંતાનોનાં વખાણ કોઈ કરે એટલે અમે તરત જ વશ થઈ જઈએ છીએ ! અમારું અરધું જોમ એમ જ હણાઈ જતું હોય છે ! હું તો આમાંનું કશું તને બતાવી શકું એમ નથી, ભૌગોલીક દુરત્ત્વને કારણે, એટલે તેં મારા અક્ષરોને વખાણીને એક વધુ નબળાઈ અમને બક્ષી દીધી !! (કોમ્પ્યુટરમાં આ સગવડ નથી, પણ આપણે બંને તો કોચમેન અલી ડોસાના વંશજો છીએ ને ! એટલે જ તો આપણે આ ‘પોસ્ટઓફીસ’નો ઉપયોગ કરી રહ્યાં છીએ.)

તેં લગ્નની વાત સરસ રીતે મુકી તો દીધી પણ એને હું કઈ રીતે જોઉં ? સંલગ્નતા અને અધ્યાત્મની ફીલસુફીની રીતે જ કે અન્યથા ?! તું હવે લગ્નની ઉંમરનો દેખાવા માગે છે કે શું ?! તારી પાસે લગ્નની આ શૈલીએ વાત સાંભળીને મને થાય છે કે હવે તું પરણવા લાયક થઈ ગયો. તને ‘પરણ’-વા તો ઉપડ્યો નથી ને?!

લગ્નને હું કંઈ આટલી હળવાશથી લઉં નહીં; આ તો મઝાક.

તારા પત્ર પછી હું એક ગામડે જઈ આવી. ત્યાં અમારાં કામવાળાં બહેનનું પીયેર છે. તે ઘણી વાર કહેતાં કે, ‘ખમાબુન, કોક દા’ડો તો અમારાં ઘર જોવા આવો.’ ( મને એ ખમાબુન કહે છે ! કેવો સરસ અપભ્રંશ ! બાળકને ઠેસ વાગે કે છીંક આવે તોય મા તો ‘ખમ્મા’ કહીને એની રક્ષા ઈચ્છે. મારા કામવાળાં બેન તો મને સંબોધનમાં જ ખમાવતાં રહે છે ! જૈનોમાં પોતાની ભુલોને ખમાવવાનું બહુ માહાત્મ્ય હોય છે તે ખબર છે ને ?) હું એમના આગ્રહને વશ વર્તીને એમના ગામે ગઈ તો રાજીના રેડ થઈ ગઈ હતી. ગામની સ્વચ્છતા અને વરસાદી વાતાવરણમાં ગામ તો શું રુપાળું દેખાય ! પણ જેવો ઘરમાંનો માહોલ જોયો કે રડવાનું જ બાકી રહ્યું ! અત્યંત ગરીબીમાં જીવતાં એ લોકોની પરીસ્થીતી જોઈને હું તો ઘડીભર મુંઝાઈ જ ગઈ.  કઈ રીતે મદદ કરી શકું એના વીચારે કશું જ સુઝે નહીં. ને ન સુઝવાથી કંઈ નહીં કરી શકું એ ભયે વેદના ઑર વધી જાય.

સાવ નાનાં બાળકો તો એકાદ બે જ હતાં. પણ યુવાનોની સમસ્યા સહન ન થાય એવી હતી. બેકારી કહે મારું કામ. ગામડાંના ઉદ્યોગો તો મૃત:પ્રાય જ છે. એમાં હવે શહેરમાં મોટા મોટા સ્ટોર થઈ જતાં નાના વેપારીઓનાય ધંધા પડી ભાંગ્યા છે. ચીનનો છેતરામણો માલ જેમ પાણીના મુલે વેચાય તેમ અહીંની ચીજવસ્તુઓ હવે પડી રહેવા સર્જાઈ હોય એવી સ્થીતી ઉભી થઈ ગઈ છે. ભણેલા યુવાનોને કામ મળતું નથી. ખેતી પડી ભાંગી છે. યુવાનો પાનાં ટીચવાનુંય ભુલી ગયા છે. સમય જતો નથી ને પેટ તો ખાવા માગે જ.

મેં તો ઘરના એક યુવાનને મારી સાથે જ લઈ લીધો. એને શહેરમાં શું કામ આપી શકીશ એનીય ખબર નથી. પણ બાપુજીને કહીને ક્યાંક વળગાડી શકીશ તો આ ભવનું તો મોટું ભાથું બંધાશે જ. આવી સ્થીતી છે, ગામોની. હું તો મારો અભ્યાસ અને મારા વીચારોની જ દયા ખાવા લાગી ! શું છે આ ભણતરનો અને આપણા ઉંચા વીચારોનો અર્થ, જો એકાદ બેકાર યુવાનનેય ઉપયોગી ન થઈ શકીએ તો ?! હું તો ગાંઠ વાળીને જ પાછી આવી છું કે હવે આ યુવાધનનું જ કોઈ કામ હાથ પર લઈને અભ્યાસ સાર્થક કરવો.

તારા કામમાં હું દખલ તો નહીં દઉં પણ મને આમાં કાંઈક રસ્તો તો જરુર બતાવજે. તારી સ્નેહવર્ષા આ સૌ યુવાનો પર ઉતરે એ આશા વધુપડતી નથી જ હો,મારા વરસાદી મીત્ર !! [આમાંની જ કોઈ ગામડાની છોડી તારા માટે ગોતી રાખું ?!! યુવાનોની સમસ્યાઓને તું સમજી શકે એટલા વાસ્તે તારું સાસરું કોઈ આવા ગામમાં હશે તો કામમાં આવશે !  સું કો’છો અમારા ભાવી ‘ગ્રામસેવક ભાઈ’ !!]

તમને હરઘડી યાદ કરનાર,
ને લગરીક વખાણે રીજી જતી એક નાર,
નામે  ખમાના જેશીક્રશ્ન વાંચજો.

વર્ષા અને વનસ્પતીપ્રેમે ક્ષમા બની રહી ‘ક્ષમાવેલી’ !

                               –જુગલકીશોર.  

નીખીલ !

તારો પત્ર વીજળીની ઝડપે મળ્યો.

ઝાડ ઉપર પડતી વીજળી તેં જોઈ તે જાણીને મને થયું, ઝાડ જેવા વર્ષોના સાથીને આમ અચાનક ભસ્મ થઈ જતું જોવું એ મનુષ્યના અકાળ અવસાનથી ઓછું કરુણ નહી જ હોય. તું એ જોઈ શક્યો એટલે તને કેટલી ને કેવી અનુભુતી થઈ હશે તે સમજી શકું છું. તારો સાથી ગયો એના દુ:ખ કરતાંય નજર સમક્ષ એક આખા સંબંધને સળગી જતાં જોયાની અને તને સાવ અલાયદો બની ગયાની વેદના મેં અનુભવી.

વૃક્ષોને સંબંધીઓ હોય અને આપણે એમને ઓળખતાં હોઈએ તો કેવું સારું ?!  કમસે કમ એમની કને જઈને, એના પ્રકાંડ પર કે એનાં શોકમગ્ન પર્ણો પર આપણી આંગળીઓને સ્પર્શે કશીક સંવેદના તો જરુર પહોંચાડી શકીએ ! અત્યારે તો એના કદાચ એકમાત્ર સંબંધી તરીકે તારી પાસે જ મારો શોક પ્રસ્તાવ મુકીને હું કંઈક અંશે તારી વેદનાને પંપાળી શકું….

નીખીલ, વૃક્ષો બહુ સંવેદનશીલ હોય છે હો ! એમની સાથેના સહવાસે મને અનેક વાર એવો ભાવ જાગે છે જાણે કોઈ જનમમાં ક્યાંક પણ હું એની સગી હઈશ ! (ખબર છે તને, આપણા એક બહુ જ સંવેદનશીલ કવી રાવજી પટેલને એની માતાએ કહ્યું હતું કે ગયા જન્મમાં તું ઝાડ હઈશ !!) વૃક્ષોની સંવેદનશીલતા અને એમની સાથેનું સ્નેહનું આદાન-પ્રદાન જ બતાવી આપે છે કે આજનો આ સંબંધ કાંઈ આજકાલનો ગણાવાય એવો તો ન જ હોઈ શકે; એનાં મુળીયાં કોને ખબર ક્યાંનાં ક્યાંય નીકળતાં હશે !! ( પુનર્  કે પુર્વ  જન્મમાં ન માનનારાંને માટે મારી આ વાત કદાચ હસવાની બાબત જ બની રહે, પણ મારે મન વૃક્ષો સાથેનું આ સગપણ આંકી ન શકાય એવડી ને એટલી કીમત ધરાવે છે.)

ગયે અઠવાડીએ મેં એક મઝાનું પુસ્તક વાંચ્યું. ‘ઔષધીગાન’. એના બે ભાગ પ્રકાશીત થયા છે. તને જાણીને નવાઈ લાગશે પણ આ પુસ્તકમાં વનસ્પતી પરનાં 150 જેટલાં કાવ્યો છે ! વળી આ કાવ્યોના સર્જક-સ્વ.નરહરી ભટ્ટ- એક ટેક્ષ્ટાઈલ મીલના કામદાર હતા !! એમણે પોતાની 90 વર્ષની ઉંમરે આ કાવ્યો લખવાં શરુ કર્યાં !! એ બંને ભાગોની પ્રસ્તાવના તો વળી એકદમ અદ્ભુત અને મનભાવન છે ! વૃક્ષો,વેલીઓ અને રોજીંદા જીવનમાં આપણી આસપાસ જ વસતી અનેક વનસ્પતીની અનેકાનેક બાબતો એમણે આ સંગ્રહોમાં મુકી છે. પ્રસ્તાવનાકારે તો આ બધાંને એવી ખુબીથી મુકી આપ્યું છે કે આપણે નવેસરથી વનસ્પતીના પ્રેમમાં પડી જઈએ ! સૌથી વધુ મહત્વની બાબત જે એમાં જોવા મળી તે તો વનસ્પતીના ઔષધીય ગુણોનાં વર્ણનો !! આપણી આસપાસમાં જ ઉગી નીકળતી આ ઔષધીઓ આટલી બધી જીવનીય હશે એવી તો મારી કલ્પનાય ન હતી.

આજે આ વર્ષાજલે ભીંજાઈને હું સાવ વનસ્પતીમય બનીને તને લખી રહી છું. વૃક્ષોનો મહીમા ગાવાના આ અલભ્ય અવસરે તને આ પુસ્તકોની અછડતી વાત કરીને હું કંઈક અંશે હળવી થઈ શકી; તારી નજર સમક્ષ સળગી ગયેલા એક ઝાડની દુ:ખદ સ્મૃતીનું અનુસંધાન કરીને  જાણે હું એને અંજલી આપી શકી હોઉં એવો ભાવ પણ જાગે છે.

આવી ચુકેલી વર્ષારાણી આપણને વનસ્પતીની સાથે સંબંધ જોડી આપે અને એના જેવી અને જેટલી સંવેદનક્ષમતા પણ લાવી આપે એવી કામના કરવાનું સહજ મન થાય છે. “નર અને નાર” એવા શબ્દોનો સહારો લીધા વગર “વૃક્ષ અને વેલી” એવા બે અત્યંત ભારજલા શબ્દોના સહારે હું આપણા બંનેના સંબંધને પણ આ વર્ષારુતુના આરંભે ઓળખાવું તો તું વાંધો લઈશ ? આપણે બંને વૃક્ષ અને વેલી હોઈએ તો કેવું ?!

તેં ગયા પત્રમાં મને ક્ષમલી કહી હતી ને ? હું એમાં થોડા ફેરફાર પછી મારી સહી આમ કરીશ :
સસ્નેહ, એક ક્ષમાવેલી !

‘ગ્રીષ્માડી’ વતી ક્ષમાનો સણસણતો જવાબ !!

Published June 15th, 2007 Comments Edit

ક્ષમાનો પત્ર                            -જુગલકીશોર.  

સ્નેહી નીખીલ,

પંચમહાભુતોમાં સર્વ પ્રથમ ગણના અવકાશ-આકાશની થાય છે. સમગ્ર બ્રહ્માંડ એમાં સમાઈ જાય છે. એ દૃષ્ટીએ આકાશ એ સમગ્ર સૃષ્ટીનું ગર્ભાશય છે.

આ અવકાશ જ આપણા ‘શબ્દ’નું પણ જન્મસ્થાન ગણાયું છે. ઘણાં કહે છે કે શબ્દ હૃદયનાં ઉંડાણોમાંથી આવે છે. આ હૃદય જેટલું વીશાળ એટલો શબ્દ અર્થસભર. નરસીંહ મહેતાની કવીતાઓમાં આ અવકાશની વાત અદ્ભુત ગહનતા અને અર્થસભરતા લઈને આવે છે અને આપણને ક્યાંના ક્યાંય ખેંચી લઈ જાય છે. ઉમાશંકર જ્યારે કહે છે કે ‘ત્યાં દુરથી મંગલ શબ્દ આવતો !’ ત્યારે એ ‘ત્યાં’ એટલે શું ? દુરથી તો ખરો પણ ત્યાંથી એટલે ક્યાંથી ?! કવીઓની રજુઆતોમાં આવતાં ઉંડાણો અને વીસ્તૃતતાને પહોંચવાની ત્રેવડ કોની ?!

આપણે જે ઉંચે જોઈએ છીએ તે તો એ આકાશનો એક ટુકડો માત્ર !! શહેરમાં જોવા મળતું આકાશ તો આકાશની મશ્કરી સમાન છે. અવકાશ એટલે અનંતતા. બધાંને સમાવી લેતી અમાપ વીસ્તૃતતા.

અખીલ વીશ્વને જન્મ આપનારી આકાશીતા એક માતા પણ છે. બ્રહ્માંડને પોતાના મોઢાની બખોલમાં બતાવનારો કૃષ્ણ પણ એની યશોદા કે દેવકી પાસે બાળક જ છે. તો માતાને કેવડી મોટી ગણીશું ?!

આપણે આ અવકાશનાં જ તો સંતાનો છીએ; ભૌતીકશાસ્ત્રની દૃષ્ટીએ ગણો તો તેમ, નહીંતર અધ્યાત્મની દૃષ્ટીએ જુઓ તો પણ તેમ જ ! પંચમહાભુતોમાંનાં ચારેય તો પછી આવનારાં !

નીખીલ !તારા નામમાં પણ આ અખીલાઈનો જ સંકેત છે !અખીલ અને નીખીલ એટલે બધું; આખું; સમગ્ર; સમસ્ત.

અને એ જ નીખીલ બે મહીના આકાશમાંથી થોડી વધુ ગરમી પડે એટલે પોતાની બધી જ તટસ્થતા ભુલીને ગ્રીષ્મને ગાળો ભાંડવા લાગે ?! ગ્રીષ્મને તેં ગ્રીષ્મા કહીને બહુ સરસ પ્રયોગ કર્યો. ઋતુઓને નર જાતીમાં મુકીને ઋતુરાજ વસંત કે પછી હેમંત વગેરેને ઓળખવામાં આવે છે.પણ વર્ષાની માફક એને નારીજાતીમાં મુકીને એને ગ્રીષ્મા કહી તે બહુ ગમ્યું. વહાલથી એને ગ્રીષ્માડી કહેવું ય વહાલું લાગે ! પણ તેં તો એને ‘તાપીણી’ પણ કહી દીધી ને શું ! પાપીણી શબ્દની અસર બતાવતો એ શબ્દ વાપરીને તેં,નીખીલ, તારું શબ્દભંડોળ વેડફી નાખ્યું !!

જો, તને (ખ્યાલ તો હોય જ)યાદ ન હોય તો અપાવું કે આ એ જ ગ્રીષ્મ ઋતુ છે જે આવનારી વર્ષાનું ‘કારણ’ બનવાની છે ! આપણા કવી રાજેન્દ્ર શાહ કહે છે તે સાંભળ, દોસ્ત !

ભાઈ રે આપણાં દુ:ખનું કેટલું જોર ?
નાની એવી  જાતકવાતનો  મચવીએ   નહીં  શોર !

આપણે ના કંઈ રંક,ભર્યો ભર્યો માંહ્યલો કોશ અપાર,
આવવા દો જેને આવવું, આપણ મુલવશું નીરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફુલ ઝરે ગુલમહોર !!

સમજ્યો, કાંઈ આમાંથી ?! તારા રુદનની કોઈ અસર ગ્રીષ્મ પર થવાની નથી. એ ક્ષણીક તાપ કે પરીતાપ જ તારી વર્ષાનો જન્મદાતા બનવાનો છે, ગાંડાલાલ !

તારા પત્રે મને તો આજે આવડી મોટી ફીલસુફી ડહોળવાની તક આપી દીધી. તું પત્રો દ્વાર ય જો ટાઢક અનુભવી શકતો હો તો મારા આ ‘ગરમાગરમ’ પત્રથી દાઝ્યા વીના આનેય વર્ષાની પહેલાંના ગડગડાટ તરીકે માણજે ! વર્ષા હવે ‘આવું આવું’ જ છે.

મારો આ પત્ર તો ‘આવી જ ગયો’ ને, બસ ?!

તારી નીખીલાઈને ઝંખતી, ક્ષમા.

માતાની ગોદ જેવું ગામડું દુનિયામાં ક્યાંય થાવું છે !

                                                                                                                                                                                                                               

પ્રિય નિખિલ,

તારો પત્ર મઝાનો હતો. પણ આરંભવામાં તેં હોમવર્કવાળી વાત કરીને મઝા કિરકિરા કર દિયા . ગાંડાલાલ, રૂબરૂ મળવામાં કોઈ બોધરેશન નહીં અને પત્રોમાં જવાબ આપવાનું હોમવર્ક કરવું પડે એવી તારી વાત કૂતરું ખડ ખાતું હોય એવી લાગી મને તો ! ( ગધેડાને તાવ આવે એવી પણ કહેવાય પણ આપણા આ પત્રવ્યવહારનીશરુઆતમાં જ એ નિર્દોષ પ્રાણીની મઝાક ક્યાં કરવી ?!)

 પત્રો તો મનમાં ઝાંકવાના માધ્યમો છે એ વાત તારી અસલની હતી. એમાં તું પ્રગટ્યો ખરો. ( ‘અસલની હતી’ શબ્દપ્રયોગ જુનાગઢ વિસ્તારમાં ખાસ સંભળાતો હોય છે. બહુ મઝાનો લહેકો હોય છે, જુનાગઢી લોકોનો.) મને તો તારા પત્રના જવાબ આપતાં પહેલાંથી અંદર ઝાંકવાનું ચાલુ થઈ જાય છે. તારા પત્રનું વાચન જ મને કોઈ ઉંડાણમાં ખેંચી જતું લાગ્યું. વાંચતાં વાંચતાં ક્યાંક ખોવાઈ જવાનો અનુભવ થાય. પત્રો એક એવો અરિસો છે જેમાં વાંચનારને લખનારનો ચહેરો દેખાતો હોય છે ! પણ આપણા પત્રો કદાચ અરિસા કરતાં ય  કોઈ જુદો જ અનુભવ કરાવે તો નવાઈ નહીં. અજાણ્યા ધરામાં  નહાતા હોઈએ ને  કોઈ હળવેથી આપણને પાણીના ઉંડાણમાં લઈ જતું હોય એવો અનુભવ મને થયો. આપણે બે જ ત્યાં એકાંતે એ જલરાશિનો આકંઠ અનુભવ કરતાં હોઈએ એમ થાય. જોકે આવો અનુભવ ઝાઝો સમય ન રહે કારણ કે વાચન ચાલુ હોય ને બીજા સમાચારો ને વિગતો આવતી જાય તેમ વિચલિતતાય એનું કામ કરતી જાય ! ઉંડાણમાં ખોડાઈ રહેવું અને ખોવાઈ જવું એ તો હજી દૂરની વાત છે; આશા રાખું તારા પત્રો મને એ અનુભવે લઈ જાય, સમજ્યો નિખિલ?! પત્રોની વિગતોને યાદ રાખીને જવાબવાનું અઘરું નથી; આપણી એ ટેવ નથી બાકી મારા એક ગુરુજી તો આપણા પત્રની એક નાનકડી વાતને ય જવાબવામાં ભૂલ ન કરે !  

દરિયાની ને ગામડાંની તારી વાતો સાંભળીને મને ગામડું બહુ જ યાદ આવી ગયું. માતાની ગોદ જેવું ને જેવડું ગામડું તો દુનિયામાં ક્યાંય થાવું છે !! ગામડું યાદ આવે ને હું મને ઘાઘરી-પોલકું પહેરેલી કલ્પીને ગામને પાદર પાંચીકે રમતી કે પછી છાણ વીણતી કલ્પી લઉં ! મેં ગામડામાં છાણ વીણવાનો અલભ્ય લહાવો લીધો છે. એની વાત ક્યારેક કરીશ ત્યારે તું હસવું બંધ નહીં કરી શકે !!

 સાગરની વાતું નૉ કરવાની હોય ભાય્ ! એ તો માણવાનો વિસય સૅ હો ! ઑ હૉ હૉ, સું ઉસળે, સું ઉસળે ! ઈનાં મોઝાં ઝાણ્યે મારા હૈયાના ઝ ઉસાળા ઝોઈ લ્યો ! દરિયો ! દરિયાલાલ ! આટલું ઉંડાણ, આટલાં મોઝાં,આટલો જલરાશિ, ને આટઆટલી સમૃધ્ધિ ! એક સામટી ક્યાં થાવી છે !  

તેં લખ્યું છે ક્ષમાનો અનુભવ તને કોઈ કરાવે. એ કોઈ, હું, તને આ પત્રોથી કરાવવા મથતી રહીશ. ગામડાંથી ખરડાયલાને બીજું તો શું કહું? ગામડિયો સમજી શકે તો ને !! આવજે !

 ખરડાવા મથતી ક્ષમાનાં અનેકાનેક સંભારણાં.

ક્ષમાનો પત્ર

પ્રિય નિખિલ,

તારા પત્રે મને વહેવા માટે માર્ગ કરી આપ્યો..તેં લખ્યું છે ;  રૂબરૂ તો ઘણી વાર કહ્યું છે, કે હું મૌનને વધુ માનું છું.પરંતુ સાવ એવું નથી એની ખબર તને ન હતી એ વાતની ખબર મને હવે પડી ! વ્યક્ત થવાનું તો મને પણ ગમે.એમાં ય તારા જેવા મિત્ર સમક્ષ તો વિશેષ.પણ જો ને વ્યક્ત થવા સારું આપણે ત્યાં જે ભાષા વપરાય છે તેની મને નફરત છે.મને એ બધા બકવાસમાં જોડાવું કે એમાં ઉમેરો કરવો ગમતો નથી. ગુજરાતી જેવી ગુજરાતીની અવમાનના મને એમાં થતી જણાય છે ને હું પછી રહી શકતી નથી ; કાં તો કંઇક બોલાઇ જાય છે ને કાં તો સાવ બોલાતું બંધ થઇ જાય છે ! (આ બે સ્થિતિમાંથી કઇ સ્થિતિ સારી એ તું જ નક્કી કરી લેજે ને ભૈ ! )

અને બીજું કારણ પણ છે : નિખિલ ! તું પાસે બેઠો હોય, કે સાથે ફરવા નીકળ્યો હોય પછી વાતો કરવાનું શું રહ્યું ?! વિષય જ ક્યાં રહ્યો ?  અને વાતો કરી કરીને ય શેની કરવી ? કેટલાંક તો  ભેગાં મળે એટલે વાતો કરવામાં એટલાં ગુંથાઇ-ગુંચાઇ જાય કે પરસ્પરના સ્નેહ,સહવાસથી આંદોલિત થઇ ચુકેલું વાતાવરણ પીવાનું ય ભૂલી જાય !

જ્યારે મને તો તારી ઉપસ્થિતિમાં વૃક્ષોની મર્મર,નદીની કલકલ, કે આકાશની પલપલ પ્રગટતી જતી નવીનતાને માણવાનું જ ગમે.આકાશના અમાપ રસ્તાઓમાં નજરોને નિર્બંધ, નિર્હેતુક ને નરી (આજકાલનો શબ્દ જ આજ તો વાપરવા દે ! )બિન્ધાસ રીતે છુટ્ટી મુકી દેવાનું કેવું મજાનું હોય છે ! એને બદલે, વાણીનો કેવળ વિલાસ કરીને, નજર સમક્ષ જ પ્રગટ થઇ ગયેલા તું, હું ને પ્રકૃતિ-ના મજાના સંયોજનમાં વિક્ષેપ કરવાનું કોઇ કાળે ય વાજબી ખરું ?!  

આપણામાંનાં કેટલાંક ને તો તું ઓળખે જ છે.એવાં તો ચીબાવલાવેડા કરે કે નાસી છૂટવા મન થાય.અલબત્ત,એ લોકોની લાગણીને હું અપમાનવા માગતી નથી,એ લાગણીને ઓછી પણ ન આંકું.પરંતુ એટલે તો હું એમને માનભેર સહન કરું છું,એટલી મારી પ્રામાણિકતાનો સ્વીકાર તારે કરવો જ રહ્યો !

મને ઘણીવાર થતું કે નિખિલને મારું મૌન ખટકે છે.મારા મનનાં ઉંડાણોને ઉલેચવાના ભાવ સાથે એ આવ્યો હોય અને હું મૂંગી થઇ જાઉં છું ! મારા મનની પણ ઘણી બધી થાપણોને (કેટકેટલા ભવોથી સચવાઇ રહી હશે…ખબર નથી ) ઉખેળી ઉખેળીને તને સોંપવાનું મન થયા જ કરતું હતું.એમાંય આ વખતે આબુ જઇ આવ્યા પછી તો મારાં દ્વાર બધાં ખોલી જ નાખવા, ઝંખના જ કહેવાદે, હતી ! પણ વાણી મારું માનતી નહોતી ! તારી સંમુખ હોઉં ત્યારે મોં હજી ખોલું, ખોલું…શબ્દો જાણે ડિક્ષ્નરીમાં સંતાઇ જતા !

પણ આ પત્રનો મારગ ખોલી આપીને તો તેં મારા માથા પરનો મણમણિયો બોજ ઉતારી દીધો ! પત્રો મને ખરે જ ફાવશે ને ગમશે.અમારા ઘરમાં તો હું જ સગાંઓને લખનારી પત્ર લેખિકા-સાત ખોટની-છું ! મને ય પત્રો તો બહુ જ ગમે.પણ તને લખવાનું તો સૂઝે જ શી રીતે ? ( હાય,હાય; એક છોકરી બીજા છોકરાને ટપાલું લખે ?!  શાંતમ્-પાપમ્ ! )આપણાં યુવાનોને તો બચાડાઓને પત્રો લખવા હોય તો ય પાઠ્ય-પુસ્તકો કે નોટોનાં પાનાંઓ વચ્ચે મૂકીને જ પહોંચાડવાના થાય !!

પણ મને ખ્યાલ આવ્યો કે આપણા પત્રોને તો સમાજને ન ગમતું કે કોઇના નાકનું ટેરવું ચડાવે તેવું કશું સંઘરવાનું નથી.આછકલી લાગણીઓનાં પ્રદર્શનો કરીને સમય,કાગળ અને શાહી બગાડનારાં આપણે નથી.તો પછી શા માટે આ મનગમતો પત્રવ્યવહાર ન કરીએ ! ( “આ જમાનામાં ઈ-મેઇલ કરવાના હોય, ટપાલું લખવાની નૉ હૉય ગામડિયાઓ !” એવું કોઇને થાય તો થાવા દેવું, બીજું હું ! )

મને વહેવા માટે આ ‘ઢાળ ‘ બતાવવા બદલ,નિખિલ,સાચ્ચે જ તારો આભાર ! મારા મનની અનેક કથાઓને તો ધોડવું’તું ને ઢાળ મળી ગયો.નિખિલ ! હવે પત્રો મોકલવામાં ઢીલ ન કરીશ ! હું તો, તું કંટળી જઇશ એટલા લખીશ.

વૈશાખી વાયરો તને ભીતિ જગાડનારો લાગ્યો,નિખિલ ! તું ધરતીને મારા નામથી-ક્ષમા-કહીને સંબોધનારો,એટલે એવું માની લેવાનું કે એ કેવળ સહનશીલા હોવાને નાતે જ ગ્રીષ્મની ગરમી સહન કરે છે ? પણ તને ખબર નથી કે ગ્રીષ્મની લૂ, ગરમીનો ધખારો તો ધરતીના ભાવી સુખની પ્રસ્તાવના છે ! ભવિષ્યે થનારી અમૃતવર્ષા માટે તૈયાર થઇ રહેલું આ વાતાવરણ તો લગ્નમંડપમાં બેઠાં બેઠાં હવનના અગ્નિની આંચ લેવા જેવું આહ્લાદક હોય છે,સમજ્યો નિખિલ ?!

તારા સાગર પ્રવાસની વાતો લખજે, જરૂર. ચૂંટણીઓથી તું દૂર ભાગે છે,પણ મને એવું નથી લાગતું.એક નાગરિક તરીકે આપણે પણ શા માટે એમાં ભાગ ન લઇએ ? આપણા સ્નેહ-રાજ્યમાં એ કાંઇ વિક્ષેપ કરી શકે એ વાતમાં શું માલ છે !

તારો પવિત્ર મત તો મને મળ્યો જ છે,એ કાંઇ જેવો તેવો વિજય છે ?!! આવજે.

ક્ષમાના સ્નેહાભિનંદન !!!

 


પત્રોમાં પુષ્પોની ફોરમ !

વાચક સંખ્યા :

  • 1,672 hits

પત્રમંજુષા

May 2008
M T W T F S S
« Apr    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031